ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે SME, સ્કીલ ડેવલપમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગની નવી શક્યતાઓ
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઝિમ્બાબ્વેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી સૌજન્ય મુલાકાતમાં પરસ્પર આર્થિક સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેના એમ્બેસેડર સુશ્રી સ્ટેલા નકોમો અને ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેન્દ્ર કુમાર મોદીના નેતૃત્વમાં આવેલા આ ડેલિગેશને ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ની કુશળતાનો લાભ લેવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પણ ઝિમ્બાબ્વેના SME સેક્ટરને સ્કીલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી, જેનાથી બંને દેશોના વેપાર ઉદ્યોગને નવો વેગ મળશે.
વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને એજ્યુકેશન હબ તરીકે ગુજરાતનું મહત્વ ઝિમ્બાબ્વેના પ્રતિનિધિઓએ ગુજરાતની ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેઓ આ ક્ષેત્રોમાં ગુજરાત સાથે ગાઢ ભાગીદારી કરવા ઈચ્છે છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ બંને પક્ષો વચ્ચે સંબંધો વિસ્તારવાની ચર્ચા થઈ હતી. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) માં ઝિમ્બાબ્વેના પોલીસ અને સુરક્ષા અધિકારીઓ સાયબર ક્રાઇમ સિક્યુરિટી જેવા વિષયોમાં તાલીમ લઈ રહ્યા છે, જેનો પ્રતિનિધિમંડળે ગર્વપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
વાઇબ્રન્ટ સમિટ અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન માટે પરસ્પર આમંત્રણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વેને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ અને રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. સામા પક્ષે, ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમંડળે પણ માર્ચ-૨૦૨૬માં તેમના દેશમાં યોજાનારા SME એક્ઝિબિશનમાં ગુજરાતના ઉદ્યોગકારો અને અધિકારીઓને મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

