વાપી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં મહિલાનો જીવ જોખમમાં, પત્રકારે બચાવ્યો જીવ
વાપી રેલવે સ્ટેશન પર આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા મુસાફરનો જીવ વલસાડના એક જાગૃત પત્રકારે સમયસૂચકતા વાપરીને બચાવી લીધો હતો. આ ઘટના બાદ સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 02 પરથી ટ્રેન નંબર 22956 ‘કચ્છ એક્સપ્રેસ’ ઉપડી રહી હતી. આ દરમિયાન એક શ્રમિક મહિલા મુસાફર ભૂલથી એસી કોચમાં ચઢી ગઈ હતી. ટ્રેન ગતિ પકડતા જ મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગભરાટમાં તેણે ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો જોખમી પ્રયાસ કર્યો. ઉતરતી વખતે તેનું સંતુલન ખોરવાયું અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં પડવા જઈ રહી હતી.
પત્રકારની સમયસૂચકતાએ કામ કરી બતાવ્યું
ઘટનાસ્થળે હાજર વલસાડના પત્રકાર શ્રી અશફાક શેખે આ દ્રશ્ય જોતા જ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દોટ મૂકી હતી. તેમણે મહિલાને મજબૂતાઈથી પકડી લીધી હતી, જેના કારણે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવતા બચી ગઈ હતી. પત્રકારની ત્વરિત કાર્યવાહીને કારણે એક મોટી જાનહાની ટળી હતી.
મહિલાને સિવિલ હોસ્પિટલમાં કરાઈ ખસેડવામાં
ઘટના બાદ મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પત્રકાર શ્રી અશફાક શેખે તુરંત જ 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા મહિલાને તાત્કાલિક વાપીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલાની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

