વલસાડ તાલુકા પંચાયતને મળ્યા નવા સુકાની: કિશોર પટેલ પ્રમુખ અને હસુમતીબેન બન્યા ઉપપ્રમુખ
વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી છે, જેને પગલે પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ મગનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન બળદેવભાઈ ટંડેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.
વલસાડ તાલુકાના કુલ ૯૬ ગામોના વિકાસની જવાબદારી હવે આ નવયુક્ત સંગઠનના શિરે આવી છે. કિશોરભાઈ પટેલના નામની પ્રમુખ તરીકે જાહેરાત થતાં જ ઉપસ્થિત કાર્યકર્તાઓએ તેમને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને વધાવી લીધા હતા અને સમગ્ર વાતાવરણમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.આ વરણી પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઇલ્યાશભાઈ મલેક સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંચ પરથી તમામ મહાનુભાવોએ નવ નિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સુવર્ણ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવીન સંગઠન આગામી સમયમાં તાલુકાના અંતરિયાળ ગામડાઓ સુધી લોકકલ્યાણની યોજનાઓ પહોંચાડી વલસાડ તાલુકાને વિકાસના પંથે આગળ ધપાવશે તેવો આશાવાદ ધારાસભ્ય અને પક્ષના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો

