વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો: ભાજપની ટિકિટ ફાલવણીમાં સામાન્ય વર્ગના ઉમેદવારોની અવગણના થતા આંતરિક રોષનો જ્વાળામુખી ફાટ્યો

3 Min Read

ચૂંટણી પહેલા જ વલસાડ ભાજપમાં ભંગાણના એંધાણ? જ્ઞાતિગત સમીકરણો સાચવવામાં પાયાના કાર્યકરોની બલિ લેવાઈ હોવાનો આક્ષેપ

વલસાડ: સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વલસાડ જિલ્લામાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ છ તાલુકા પંચાયતોની બેઠકો પર સત્તા કબજે કરવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. આ ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે આજે જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી, ત્યારે જિલ્લાના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. પક્ષના આ નિર્ણય બાદ કાર્યકરોમાં ‘ક્યાંક ખુશી તો ક્યાંક ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ સ્થિતિ વલસાડ તાલુકા પંચાયતની બેઠકો પર સર્જાઈ છે.

WhatsApp Image 2026 04 10 at 7.34.27 PM 1.jpeg

- Advertisement -

​વલસાડ તાલુકા પંચાયતની કુલ ૩૨ બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામોમાં ગણિત કંઈક એવું ગોઠવાયું છે કે જેનાથી ભાજપનો ગઢ ગણાતા વિસ્તારોમાં જ ભડકો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૩૨ પૈકી ૧૫ બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી હતી. નિયમ મુજબ આ ૧૫ બેઠકોમાં ૮ બેઠકો સામાન્ય સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે ભાજપની યાદીમાં આ ૮ સામાન્ય સ્ત્રી બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર સામાન્ય વર્ગની નથી. આ બાબતે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે આશ્ચર્ય અને આક્રોશ જન્માવ્યો છે. સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત રખાયેલી બેઠકો પર અન્ય વર્ગના ઉમેદવારોને પ્રાધાન્ય અપાતા પક્ષના સમર્પિત કાર્યકરો પોતાને અન્યાય થયો હોવાનું અનુભવી રહ્યા છે.

​વિવાદ માત્ર સ્ત્રી બેઠકો પૂરતો સીમિત નથી, પરંતુ બિન અનામત સામાન્ય બેઠકો પર પણ સ્થિતિ સમાન જોવા મળી રહી છે. બાકી રહેલી ૭ બિન અનામત સામાન્ય બેઠકો પૈકી ભાજપે માત્ર ૨ બેઠકો પર જ સામાન્ય વર્ગના ઉમેદવારોની પસંદગી કરી છે. આમ, જો સમગ્ર ચિત્ર જોવામાં આવે તો ૧૫ જેટલી સામાન્ય બેઠકો હોવા છતાં ભાજપ દ્વારા બહુ ઓછા સામાન્ય ઉમેદવારોને તક આપીને જાણે તેમનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હોય તેવી લાગણી પ્રસરી છે. વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડતા અને સંગઠન મજબૂત કરતા સામાન્ય વર્ગના દાવેદારોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું પક્ષમાં જ્ઞાતિગત સમીકરણો સાચવવાની લ્હાયમાં પાયાના કાર્યકરોની બલિ આપી દેવાઈ છે?

- Advertisement -

WhatsApp Image 2026 04 10 at 7.34.27 PM 2.jpeg

​વલસાડ તાલુકામાં વ્યાપેલી આ રોષની લાગણી આગામી દિવસોમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે તેમ છે. ટિકિટ વહેંચણીમાં થયેલા આ પક્ષપાત કે અન્યાયને કારણે કાર્યકરોમાં જોવા મળી રહેલી નારાજગી જો શાંત કરવામાં નહીં આવે, તો તેની સીધી અસર મતદાનના દિવસે પેટીઓ પર પડી શકે છે. ખાસ કરીને જ્યારે ઉમરગામ અને વાપી જેવા મહત્વના વિસ્તારોમાં પણ ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે વલસાડ તાલુકાનો આ આંતરિક અસંતોષ વિપક્ષ માટે વોટબેંકમાં ગાબડું પાડવાની તક પૂરી પાડી શકે છે. હાલ તો ભાજપ હાઈકમાન્ડ આ મામલે મૌન સેવી રહ્યું છે, પરંતુ કાર્યકરોમાં વ્યાપેલો આક્રોશ આવનારા સમયમાં કયા વળાંકો લેશે તે જોવું રહ્યું.

Share This Article