Gujarat: ૬૮ લાખ નામ કપાયા! ચૂંટણી પંચના SIR રિપોર્ટમાં ગુજરાત કેમ આખા દેશમાં ટોપ પર ?

2 Min Read

Gujarat: ભારત નિર્વાચન આયોગ (ECI) દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી ‘વિશેષ ગહન પુનરીક્ષણ’ (SIR)ની પ્રક્રિયાના તાજેતરના આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ અભિયાનમાં સમગ્ર દેશમાં સૌથી વધુ અસર ગુજરાતની મતદાર યાદી પર જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીના ઐતિહાસિક સ્તરે કહી શકાય તેવા ૬૮,૧૨,૭૧૧ (આશરે ૬૮ લાખ) મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા બાદ ગુજરાતના કુલ મતદારોની સંખ્યામાં ૧૩.૪૦% જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જે અન્ય કોઈપણ રાજ્યની સરખામણીએ સૌથી વધુ છે.

ચૂંટણી પંચના ડેટા મુજબ, પુનરીક્ષણ પ્રક્રિયા શરૂ થઈ તે પહેલા ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા ૫,૦૮,૪૩,૪૩૬ હતી, જે હવે ઘટીને ૪,૪૦,૩૦,૭૨૫ પર પહોંચી ગઈ છે. આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે ગુજરાત બાદ બીજા ક્રમે આવતા મધ્યપ્રદેશમાં ૩૪.૨૫ લાખ અને રાજસ્થાનમાં ૩૧.૩૬ લાખ નામ કાઢવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાં કાપવામાં આવેલા નામોની સંખ્યા અન્ય મોટા રાજ્યો કરતા લગભગ બમણી છે.

Gujarat SIR Voter List 2026 2.png

- Advertisement -

ચૂંટણી અધિકારીઓએ આ વિશાળ સંખ્યામાં નામ કમી કરવા પાછળના કારણો પણ સ્પષ્ટ કર્યા છે. મુખ્યત્વે મતદારનું અવસાન થયું હોય, જે-તે મતદાર કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયો હોય, અથવા તો એક જ વ્યક્તિના બે અલગ-અલગ જગ્યાએ મતદાર યાદીમાં નામ બોલતા હોય તેવા કિસ્સાઓમાં આ નામો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે મતદારો લાંબા સમયથી ગેરહાજર હોય અથવા પાત્રતા ધરાવતા ન હોય તેમનું પણ યાદીમાંથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. પંચે ખાસ નોંધ્યું છે કે આ ‘નેટ ચેન્જ’ છે, એટલે કે નવા ઉમેરાયેલા યુવા મતદારોની સંખ્યા બાદ કર્યા પછી પણ ૬૮ લાખનો ઘટાડો જોવા મળ્યો છે.

રાજકીય દૃષ્ટિકોણથી જોઈએ તો, આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવાને કારણે આગામી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી અને સમીકરણો પર મોટી અસર પડી શકે છે. મતદાર યાદીમાં થયેલું આ ‘ઓપરેશન ક્લીન’ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટેનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે. હાલમાં ગુજરાત સહિત છ રાજ્યોની આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. જો તમે પણ ગુજરાતના મતદાર હોવ, તો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું નામ યાદીમાં સુરક્ષિત છે કે નહીં તે તપાસી લેવું હિતાવહ છે.

- Advertisement -
Share This Article