ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચ: વરદાન કે આફત? જાણો દિવસમાં કેટલું તરબૂચ ખાવું જોઈએ અને શું છે તેની સાચી રીત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતું અને પાણીથી ભરપૂર એવું ‘તરબૂચ’ જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ જ્યારે વાત ડાયાબિટીસના દર્દીઓની આવે છે, ત્યારે ખાવા-પીવાની દરેક વસ્તુ પર સવાલો ઉભા થાય છે. તરબૂચ કુદરતી રીતે મીઠું અને લાલ હોય છે, તેથી સુગરના દર્દીઓ અવારનવાર મૂંઝવણમાં હોય છે કે શું તેઓ આ ફળનો આનંદ માણી શકે? ડાયેટિશિયન સ્વાતિ સિંહના મતે, ડાયાબિટીસમાં તરબૂચ ખાઈ શકાય છે, પણ તેની માત્રા અને રીત સમજવી ખૂબ જરૂરી છે.
તરબૂચનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) શું છે?
કોઈપણ ખોરાક લોહીમાં સુગરનું પ્રમાણ કેટલી ઝડપથી વધારે છે, તેને ‘ગ્લાયસેમિક ઇન્ડેક્સ’ (GI) કહેવામાં આવે છે.
- સામાન્ય રીતે તરબૂચનો GI 70 થી 72 ની વચ્ચે હોય છે, જે ઘણો વધારે ગણાય છે.
- પરંતુ તરબૂચમાં 90% થી વધુ પાણી અને સારી માત્રામાં ફાઈબર હોવાને કારણે, તેનું ‘ગ્લાયસેમિક લોડ’ (GL) ઓછું થઈ જાય છે.
- આનો અર્થ એ છે કે જો મર્યાદિત માત્રામાં ખાવામાં આવે, તો તે લોહીમાં સુગર લેવલને એકાએક વધારતું નથી.
શું ડાયાબિટીસમાં તરબૂચ ખાઈ શકાય?
હા, ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે. ડાયેટિશિયનના જણાવ્યા મુજબ, તરબૂચમાં વિટામિન A, C અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. જોકે, તેનો GI સ્કોર 70 થી ઉપર હોવા છતાં, તેમાં રહેલા ફાઈબર અને પાણીની માત્રા સુગરના શોષણને ધીમું પાડે છે. જો તમે તમારા ડાયટમાં કાર્બોહાઈડ્રેટનું સંતુલન જાળવી રાખતા હોવ, તો સ્વાદ માટે તરબૂચ ખાવું નુકસાનકારક નથી.
દિવસમાં કેટલું તરબૂચ ખાવું જોઈએ?
ડાયાબિટીસમાં માત્રા (Quantity) સૌથી મહત્વની છે. નિષ્ણાતોના મતે:
- એક ડાયાબિટીસનો દર્દી દિવસમાં આશરે 100 થી 120 ગ્રામ તરબૂચ ખાઈ શકે છે.
- જ્યારે તમે આટલી ઓછી માત્રામાં તરબૂચ લો છો, ત્યારે તેનો ગ્લાયસેમિક લોડ ઘટીને માત્ર 5 થી 6 રહી જાય છે, જે શરીર માટે સુરક્ષિત છે.
- એક નાની વાટકી ભરીને કાપેલા તરબૂચના ટુકડા દિવસ દરમિયાન નાસ્તા તરીકે લઈ શકાય છે.
તરબૂચ ખાતી વખતે રાખવાની સાવચેતીઓ
ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
- જ્યુસ પીવાનું ટાળો: તરબૂચનો જ્યુસ બનાવતી વખતે તેમાંથી ફાઈબર નીકળી જાય છે અને સુગર એકાગ્ર (Concentrated) થઈ જાય છે. જ્યુસ પીવાથી બ્લડ સુગર ખૂબ ઝડપથી વધી શકે છે, તેથી હંમેશા ટુકડા કરીને જ ખાવું.
- બીજા ફળો સાથે મિક્સ ન કરો: જો તમે તરબૂચ ખાતા હોવ, તો તે જ સમયે બીજા મીઠા ફળો (જેમ કે કેરી કે ચીકુ) ખાવાનું ટાળો.
- સાંજના સમયે ન ખાવું: બપોરના સમયે કે સવારના નાસ્તામાં તરબૂચ ખાવું શ્રેષ્ઠ છે. રાત્રે ફળ ખાવાથી સુગર લેવલમાં ફેરફાર થઈ શકે છે.
- પ્રોટીન સાથે જોડો: જો તમે તરબૂચની સાથે થોડા બદામ કે અખરોટ ખાઓ છો, તો સુગર વધવાની ગતિ વધુ ધીમી પડી જાય છે.

