Valsad જિલ્લામાં માટી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. વલસાડનાં ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરીનું “મન” ક્યાં લાગ્યું છે તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. બેફામ બનેલા માટી માફિયાઓને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે કે કેમ? માટી માફિયાઓએ માઝા મૂક્તા ગ્રામજનો દ્વારા ભૂસ્તર વિભાગ સામે અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના કોઠાર ગામમાં મોટાપાયા પર માટી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ધ્યાને આવતા ગ્રામજનો દ્વારા ભૂસ્તર વિભાગની કાર્ય પદ્વતિ અંગે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ કોઠાર ગામની આસપાસના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરીને ગેરકાયદે માટીની હેરાફેરી કરવામાં આવી રહી છે. આડેધડ માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાથી વિપુલ પ્રમાણમાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને મોટા-મોટા ખાડાઓ સર્જાઈ રહ્યા છે. આના કારણે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે માટી ખનનની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કોઈ નિયંત્રણ નથી, અને નિયમોનો ખુલ્લો ભંગ થતો હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કેટલાક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે માટી ખનન સંબંધિત રેડ અથવા ચેકિંગ ન થવાને કારણે દિનપ્રતિદિન ડમ્પરો દ્વારા માટીની હેરાફેરી કરવામાં આવી રહી છે. કોઠાર ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાંથી બેરોકટોક થઈ રહેલાં માટી ખનનનાં કારણે માટી માફિયાઓ બેફામ બની ગયા છે.
ગ્રામજનોનાં આક્ષેપો મુજબ વલસાડ જિલ્લાના ખાણ-ખનીજ વિભાગ, નાનાપોઢા તથા કપરાડા તાલુકાના જવાબદાર વિભાગો અને ધરમપુરના પ્રાંત વિભાગ દ્વારા ગેરકાયદે માટી ખનનની સામે આંખ આડા કાન અથવા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો હોવાથી કાયદાના ડર વિના માટી માફિયાઓને ફાવતું મળી ગયું છે. ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરીનું મન ક્યાં લાગ્યું છે તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂસ્તર વિભાગ અને ખાણ-ખનિજ વિભાગની લાલિયાવાડીના કારણે માટી માફિયાઓને માટી ચોરી માટે મોકળું મેદાન તાસકમાં ભેટ ધરી દેવામાં આવ્યું હોય એમ લાગે છે.
માટી ખનન અંગે સંબંઘિત તંત્રનો સંપર્ક કરવામાં આવતા સત્તાવાર રીતે તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. આના પરથી ગ્રામજનોને એવું લાગી રહ્યું છે
માટી ચોરો સાથે તંત્રની કોઈ સાંઠગાંઠ તો નથીને?
ગ્રામજનોએ માંગ કરી છે કે માટી ચોરી અંગે તાત્કાલિક વિશેષ તપાસ કરીને ગેરકાયદેસર માટી ખનનમાં વપરાતી તમામ JCB, ટ્રક, ટ્રેક્ટર સહિતના સાધનો જપ્ત કરવામાં આવે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.
કોઠાર ગામ સહિત નાનાપોઢા, કપરાડા, ધરમપુર તેમજ અન્ય વિસ્તારોમાં પણ માટી ખનનની અનિયમિતતાઓ અંગે ચર્ચા તેજ બની રહી છે. સ્થાનિક લોકો તંત્ર પાસેથી તાત્કાલિક કડક કાર્યવાહી માટે ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.
