કંપનીએ કર્યો પૈસાનો વરસાદ: ચીની બોસની દરિયાદિલી, 7,000 કર્મચારીઓને મળ્યું કરોડોનું રોકડ બોનસ
સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીને કરોડોનો નફો થાય છે, ત્યારે તેનો મોટો હિસ્સો રોકાણકારો અથવા કંપનીના માલિકોના ખિસ્સામાં જાય છે. કર્મચારીઓને માત્ર દિવાળી બોનસ કે નાની-મોટી ગિફ્ટ આપીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ ચીનની એક કંપનીએ ઉદારતાની તમામ હદો વટાવી દીધી છે. આ કંપનીએ તેના 360 કરોડ રૂપિયાના નફામાંથી 240 કરોડ રૂપિયા તો માત્ર કર્મચારીઓમાં બોનસ તરીકે વહેંચી દીધા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને લોકો કહી રહ્યા છે કે “બોસ હોય તો આવા!”
પૈસાનો પહાડ અને કર્મચારીઓની દિવાળી: અનોખું સેલિબ્રેશન
ચીનની ‘હેનાન કુઆંગશાાન ક્રેન કંપની લિમિટેડ’ (Henan Kuangshan Crane Co. Ltd.) એ આ વર્ષે તેના વાર્ષિક ઉત્સવમાં જે કર્યું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું. કંપનીએ 13 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 800 બેન્ક્વેટ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા અને તેના પર નોટોના ઢગલા કરી દેવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ કુલ 180 મિલિયન યુઆન (આશરે 235.82 કરોડ રૂપિયા) નું બોનસ જાહેર કર્યું હતું. જેમાંથી 60 મિલિયન યુઆન (આશરે 80 કરોડ રૂપિયા) તો તે જ દિવસે રોકડમાં વહેંચી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કર્મચારીઓ સ્ટેજ પર જઈને આખેઆખા પૈસાના બંડલો થેલામાં ભરીને લાવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને દુનિયાભરના નોકરિયાત વર્ગના લોકો દંગ રહી ગયા છે.
7,000 કર્મચારીઓ અને દરિયાદિલ બોસની કહાની
આ કંપનીમાં કામ કરતા લગભગ 7,000 કર્મચારીઓ માટે આ દિવસ સપના સમાન હતો. કંપનીના માલિક માને છે કે તેમની સફળતાનું સાચું કારણ તેમના કર્મચારીઓની સખત મહેનત છે. જ્યારે કંપનીને વાર્ષિક નફો થયો, ત્યારે માલિકે નક્કી કર્યું કે આ પ્રોફિટનો બે-તૃતીયાંશ (2/3) ભાગ જેઓ રાત-દિવસ કામ કરે છે તે કર્મચારીઓને મળવો જોઈએ.
સૌથી વધુ સેલ્સ કરનારા ત્રણ કર્મચારીઓને તો દરેકને 5 મિલિયન યુઆન (આશરે 6 કરોડ રૂપિયાથી વધુ) નું બોનસ મળ્યું હતું. જે કર્મચારીઓએ અપેક્ષા કરતા વધુ સારું કામ કર્યું હતું, તેમને રોકડ રકમ ઉપરાંત સોનાના સિક્કા અને મોંઘી ગિફ્ટ્સ પણ આપવામાં આવી હતી. આ પ્રકારની દરિયાદિલી ભાગ્યે જ કોઈ કોર્પોરેટ જગતમાં જોવા મળે છે, જ્યાં કંપનીઓ નફાના એક-એક પૈસાનો હિસાબ રાખતી હોય છે.
કર્મચારીઓની વફાદારી અને કંપનીની સફળતાનું રહસ્ય
નાણાકીય નિષ્ણાતો માને છે કે આ પ્રકારનું કદમ માત્ર ઉદારતા નથી, પરંતુ એક સ્માર્ટ બિઝનેસ સ્ટેટજી પણ છે. જ્યારે કોઈ કર્મચારીને લાગે છે કે તેની મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું છે અને કંપની તેને પોતાનો હિસ્સો માને છે, ત્યારે તેની વફાદારી (Loyalty) અને કાર્યક્ષમતા (Productivity) અનેકગણી વધી જાય છે.
હેનાન કુઆંગશાન ક્રેન કંપનીના બોસનું આ પગલું અન્ય બિઝનેસમેન માટે એક બોધપાઠ સમાન છે. આજના સમયમાં જ્યારે ‘ગ્રેટ રેઝિગ્નેશન’ (મોટી સંખ્યામાં નોકરી છોડવી) અને ‘બર્નઆઉટ’ જેવી સમસ્યાઓ વધી રહી છે, ત્યારે આ કંપનીએ બતાવ્યું છે કે જો કર્મચારીઓને ખુશ રાખવામાં આવે, તો કંપની પણ નવી ઊંચાઈઓ સર કરી શકે છે. આ રકમ વહેંચ્યા પછી પણ કંપની પાસે પૂરતું ફંડ બચ્યું છે, પરંતુ આ બોનસની ચર્ચાએ જે બ્રાન્ડ વેલ્યુ ઊભી કરી છે, તે કદાચ અબજો રૂપિયાની જાહેરાતથી પણ શક્ય ન હોત.

