ટ્રમ્પના એલાનથી મધ્ય-પૂર્વમાં સળગતી ચિનગારી: યુદ્ધવિરામ કરાર ‘ખતમ’, ઈરાને કહ્યું- ‘અમારી આંગળી ટ્રિગર પર છે’
મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ હવે સપૂર્ણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલો વચગાળાનો યુદ્ધવિરામ કરાર હવે “સંપૂર્ણપણે ખતમ” થઈ ગયો છે. બીજી તરફ, ઈરાને પણ અમેરિકાને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે તેમની “આંગળી ટ્રિગર પર છે” અને તેઓ કોઈપણ સાહસનો આકરો જવાબ આપવા સક્ષમ છે.
તુર્કીમાં ટ્રમ્પની ગર્જના: “ઈરાનના શાસકો બીમાર લોકો છે”
તુર્કીના અંકારામાં આયોજિત નાટો (NATO) સમિટ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગયા મહિને થયેલો વચગાળાનો સમજૂતી કરાર (MoU) હજુ પણ અસ્તિત્વમાં છે? ત્યારે ટ્રમ્પે સણસણતો જવાબ આપતા કહ્યું, “તે ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. મારા મતે, આ કરાર હવે પૂરો થઈ ગયો છે. હું હવે તેમની સાથે કોઈ વ્યવહાર કરવા માંગતો નથી.”

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “તેઓ (ઈરાન સરકાર) તદ્દન નકામા છે. તેઓ બીમાર લોકો છે અને એક બીમાર માનસિકતા ધરાવતા લોકો દ્વારા આખો દેશ ચલાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી મારો સવાલ છે, તેમની સાથે વાતચીત કરવી એ માત્ર સમયનો બગાડ છે.”
અમેરિકાની કડક ચેતવણી: ખાર્ગ ટાપુ પર કબજો કરવાની ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિએ માત્ર કરાર રદ કરવાની જાહેરાત નથી કરી, પરંતુ ઈરાનને આર્થિક અને માળખાકીય રીતે તોડી પાડવાની સીધી ધમકી પણ આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો જરૂર પડશે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ (ઇલેક્ટ્રિક પ્લાન્ટ) અને ડિસેલિનેશન પ્લાન્ટ્સ (પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ) ને તોડી પાડશે.
આ ઉપરાંત, તેમણે ઈરાનના મુખ્ય ઓઈલ ટર્મિનલ એવા ‘ખાર્ગ ટાપુ’ પર કબજો કરવાની પણ ચીમકી આપી છે. ટ્રમ્પે કહ્યું, “કદાચ આપણે ખાર્ગ ટાપુ પર કબજો કરી લઈશું. અમે તેમ કરવા માટે સક્ષમ છીએ અને તેઓ (ઈરાન) આ બાબતે કંઈ જ કરી શકશે નહીં.” તેમણે માહિતી આપી હતી કે મંગળવારના અમેરિકી હુમલામાં ખાર્ગ ટાપુને નિશાન બનાવાયો હતો, પરંતુ તેની તેલ સુવિધાઓને હજુ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે યુએસ સૈન્ય ઈરાન પર સતત બીજી રાત્રે પણ ભારે હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઈરાનનો પલટવાર: “નાના દેશોના જુગારનું મેદાન નથી આ પ્રદેશ”
અમેરિકાના આ આક્રમક વલણ સામે ઈરાને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનીના વરિષ્ઠ સલાહકાર અલી અકબર વેલાયતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકા સામે આક્રોશ ઠાલવ્યો છે. વેલાયતીએ આ ક્ષેત્રમાં ફરીથી ભભૂકેલી હિંસા માટે સંપૂર્ણપણે વોશિંગ્ટનને જવાબદાર ઠેરવ્યું છે.
۱) پیشتر هشدار داده بودیم « #منطقه، محل قمار سیاسی کشورهای خرد نیست »
و بارها ثابت کردیم که ماجراجویی ها پاسخ فوری داده میشود.
— Aliakbar Velayati (@Drvelayati_ir) July 8, 2026
તેમણે લખ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસ-ઈરાન એમઓયુ (MoU) રદ કરવાની “મૌખિક કબૂલાત” એ ફરી એકવાર આ સમગ્ર ક્ષેત્રને યુદ્ધની આગ તરફ ધકેલી દીધો છે. વેલાયતીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, “અમે અગાઉ પણ ચેતવણી આપી હતી કે આ પ્રદેશ નાના દેશોના રાજકીય જુગાર માટેનું સ્થાન નથી. અમે વારંવાર સાબિત કર્યું છે કે આવા સૈન્ય સાહસોનો તાત્કાલિક અને સણસણતો જવાબ આપવામાં આવે છે.”
તેમણે ઉમેર્યું કે ઈરાનની સેના “ટ્રિગર પર આંગળી” રાખીને બેઠી છે અને દેશ પોતાના અપમાન તથા અમેરિકી સાહસ સામે ક્યારેય ચૂપ બેસશે નહીં.