કુસલ મેન્ડિસે ઈંગ્લેન્ડમાં ફટકારી ધમાકેદાર સદી, ગિલક્રિસ્ટ-પંતના વિશિષ્ટ ક્લબમાં જોડાયા
ઈંગ્લેન્ડની ધરતી પર શ્રીલંકાના વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને યાદગાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. લીડ્સના હેડિંગ્લી ખાતે રમાયેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં મેન્ડિસે માત્ર 100 બોલમાં 121 રનની આક્રમક ઇનિંગ્સ રમી. તેમના પ્રદર્શનના આધારે શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 16 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી છે. મેચમાં 121 રનની ઇનિંગ્સ બદલ મેન્ડિસને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા.
આ જીત સાથે શ્રીલંકાએ પ્રથમ વન-ડેમાં મળેલી હારનો જવાબ પણ આપી દીધો. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 6 વિકેટે 321 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 305 રન સુધી પહોંચી શકી હતી. આ રીતે શ્રીલંકાએ 16 રનથી મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરી.

100 બોલમાં 121 રન, 14 ચોગ્ગા અને 3 છગ્ગા
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા કુસલ મેન્ડિસે શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. તેમણે કામિન્દુ મેન્ડિસ સાથે બીજી વિકેટ માટે 137 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. કામિન્દુએ 65 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ ભાગીદારી તૂટ્યા બાદ પણ કુસલ મેન્ડિસે પોતાની લય જાળવી રાખી અને શ્રીલંકાને 300થી વધુના સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
મેન્ડિસે પોતાની સદી 82 બોલમાં પૂર્ણ કરી હતી. તેમની 121 રનની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ હતો. તેઓ 35.5 ઓવરમાં રેહાન અહમદના બોલ પર ટોમ બેન્ટનના હાથે કેચ આઉટ થયા હતા. આ તેમની વન-ડે કારકિર્દીની સાતમી સદી પણ બની.
મેન્ડિસની ઇનિંગ્સને કારણે શ્રીલંકા માટે અંતિમ ઓવરોમાં પણ રન બનાવવાનું મોમેન્ટમ જળવાયું. પવન રત્નાયકે 39 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ્સ રમી, જ્યારે જનિથ લિયાનાગેએ 26 બોલમાં 32 રન બનાવ્યા. આ સહયોગથી શ્રીલંકા 321 રન સુધી પહોંચી શક્યું.
ગિલક્રિસ્ટ, સંગાકારા અને પંતની ખાસ યાદીમાં સ્થાન
આ સદી સાથે કુસલ મેન્ડિસે ઈંગ્લેન્ડની ધરતી પર ઈંગ્લેન્ડ સામે વન-ડે સદી ફટકારનાર વિકેટકીપર-બેટ્સમેનોની વિશિષ્ટ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, ટિમ પેન અને એલેક્સ કેરી, શ્રીલંકાના કુમાર સંગાકારા, પાકિસ્તાનના સરફરાઝ અહમદ અને ભારતના રિષભ પંતનો સમાવેશ થાય છે.
ગિલક્રિસ્ટે 2005માં ધ ઓવલ ખાતે સદી ફટકારી હતી, જ્યારે ટિમ પેને 2009માં નોટિંગહામમાં આ સિદ્ધિ મેળવી હતી. સંગાકારાએ 2013માં ધ ઓવલ અને 2014માં લોર્ડ્સ ખાતે સદી નોંધાવી હતી. સરફરાઝ અહમદે 2016માં લોર્ડ્સ અને એલેક્સ કેરીએ 2020માં માન્ચેસ્ટરમાં સદી ફટકારી હતી. રિષભ પંતે 2022માં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે સદી કરી હતી. હવે આ યાદીમાં કુસલ મેન્ડિસનું નામ પણ ઉમેરાયું છે.શ્રીલંકાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મેન્ડિસ, કુમાર સંગાકારા બાદ ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ સામે વન-ડે સદી ફટકારનાર બીજા શ્રીલંકન વિકેટકીપર-બેટ્સમેન બન્યા છે.

એશિયાના વિકેટકીપર-બેટર્સની યાદીમાં પણ સ્થાન
કુસલ મેન્ડિસની આ સદીનું બીજું મહત્વ એ છે કે તેઓ ઈંગ્લેન્ડમાં વન-ડે સદી ફટકારનાર છઠ્ઠા એશિયન વિકેટકીપર-બેટ્સમેન બન્યા છે. આ પહેલાં ભારતના રાહુલ દ્રવિડે 1999માં, કુમાર સંગાકારાએ 2013 અને 2014માં, પાકિસ્તાનના સરફરાઝ અહમદે 2016માં, બાંગ્લાદેશના મુશફિકુર રહીમે 2019માં અને ભારતના રિષભ પંતે 2022માં આ સિદ્ધિ મેળવી હતી.
બીજી તરફ, ઈંગ્લેન્ડની ટીમે 322 રનના લક્ષ્યનો પીછો કરતા શરૂઆતમાં સારી ગતિ મેળવી હતી. ટોમ બેન્ટને 62 બોલમાં 73 અને જોસ બટલરે 49 બોલમાં 69 રન બનાવ્યા હતા. વિલ જેક્સે પણ અડધી સદી નોંધાવી, પરંતુ શ્રીલંકાના બોલરોએ અંતિમ તબક્કામાં વાપસી કરી. દુનિથ વેલાલાગેએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાન મલિંગાએ બે વિકેટ લીધી હતી. અંતે ઈંગ્લેન્ડ 305/9 સુધી જ પહોંચી શક્યું.
