ભારત પહોંચ્યા 20 નાગરિકોના મૃતદેહ: મધ્ય પૂર્વના જંગમાં કુવૈતમાં ગુમાવ્યા હતા જીવ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગનો આજે 33મો દિવસ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં અત્યાર સુધી સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેની સીધી અસર ભારત સહિત વિશ્વના અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. ઈરાન પર થયેલા હુમલા દરમિયાન કુવૈતમાં ફસાયેલા અનેક ભારતીયોના મોત થયાના દુખદ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ (ANI) ના અહેવાલ મુજબ, ગઈ મોડી રાત્રે કેરળના એર્નાકુલમમાં કુવૈત એરવેઝની એક વિશેષ ફ્લાઈટ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, જેમાં 20 ભારતીય નાગરિકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે આ યુદ્ધમાં અત્યાર સુધી 8 ભારતીયોના મોત થયા હોવાનો દાવો કરી રહ્યું છે.
જંગના 32 દિવસ અને વણસતી પરિસ્થિતિ
ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ આ જંગની શરૂઆત થઈ હતી. આ એટેકમાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહિત અનેક મોટા રાજકીય નેતાઓ અને સુરક્ષા અધિકારીઓના મોત થયા છે. યુદ્ધને એક મહિનો વીતી ગયો હોવા છતાં પરિસ્થિતિ સુધરવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીઝફાયર (યુદ્ધવિરામ) ની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ તે જ ચર્ચાઓ વચ્ચે અમેરિકા દ્વારા નવા હુમલાઓ પણ કરવામાં આવે છે. આ બેવડા વલણને કારણે શાંતિ સ્થાપવાની પ્રક્રિયામાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરી
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ફેલાયેલી અશાંતિ અને હિંસાને કારણે અત્યાર સુધીમાં અંદાજે 55 લાખ ભારતીય મુસાફરો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા ભારતીય દૂતાવાસો અત્યંત સક્રિયતાથી કામ કરી રહ્યા છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહોને વહેલી તકે ભારત લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
વૈશ્વિક બજાર અને માનવીય સંકટ
આ યુદ્ધ માત્ર સૈન્ય સંઘર્ષ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેનાથી મોટું માનવીય સંકટ ઊભું થયું છે. ખાસ કરીને ખાડી દેશોમાં કામ કરતા લાખો ભારતીયોના રોજગાર અને સુરક્ષા પર ખતરો મંડરાઈ રહ્યો છે. તેલ પુરવઠો ખોરવાવાને કારણે ભારત જેવા વિકાસશીલ દેશોના અર્થતંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર પર છે કે તેઓ કેવી રીતે ટ્રમ્પ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરાવીને આ રક્તપાતને અટકાવે છે.

