ગુજરાતનું એક એવું ગામ જે 3 રાજ્યોના ખેડૂતોનું પેટ ભરે છે — જાણો માઢીના ‘પ્લગ નર્સરી’ મોડેલ વિશે
જ્યારે સંકલ્પ અને આધુનિક ટેક્નોલોજીનો સંગમ થાય છે, ત્યારે ખેતી માત્ર ગુજરાન ચલાવવાનું સાધન નથી રહેતી પરંતુ કરોડો રૂપિયાનો નફાકારક વ્યવસાય બની જાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું માઢી ગામ આ વાતનું જીવંત ઉદાહરણ છે. એક સમયે પરંપરાગત ખેતી પર નિર્ભર રહેતું આ નાનકડું ગામ આજે સમગ્ર પશ્ચિમ ભારત માટે શાકભાજી અને ફળોના સોઇલલેસ ધરૂ (રોપા) તૈયાર કરતી એક વિશાળ ફેક્ટરી જેવું બની ગયું છે. આજે માઢી ગામ “પ્લગ નર્સરી” ક્ષેત્રે દેશભરમાં પોતાની એક આગવી અને અજોડ ઓળખ ધરાવે છે.
વાર્ષિક ₹100 કરોડનો વ્યવસાય અને રોજગારીનું નવું મોડેલ
માઢી ગામના ખેડૂતોએ સમય સાથે પોતાની ખેતી પદ્ધતિમાં એવો વળાંક લીધો કે આજે ગામમાં 300 વીઘાથી વધુ જમીન પર 200થી વધારે હાઇ-ટેક નર્સરી યુનિટ્સ ધમધમી રહ્યા છે. આ યુનિટ્સમાંથી દર વર્ષે 70 કરોડથી વધુ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ધરૂ તૈયાર કરવામાં આવે છે.

આ આધુનિક નર્સરી વ્યવસાયને કારણે ગામમાં દર વર્ષે ₹100 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર થાય છે, જેમાં ખેડૂતો અંદાજે ₹50 કરોડનો શુદ્ધ નફો મેળવે છે. આ વ્યવસાયે માત્ર માઢી જ નહીં, પરંતુ આસપાસના ગ્રામીણ અર્થતંત્રનું ચિત્ર પણ બદલી નાખ્યું છે. ગામના 150થી વધુ પરિવારો આ ખેતી સાથે સીધા જોડાયેલા છે, જ્યારે સ્થાનિક અને આસપાસના વિસ્તારની 800થી વધુ મહિલાઓને ઘરઆંગણે વર્ષભર સન્માનજનક રોજગારી મળી રહી છે.
6 લાખ એકર ખેતીનો મજબૂત આધાર અને આંતરરાજ્ય પહોંચ
માઢી ગામમાં તૈયાર થતા ધરૂની માંગ માત્ર સ્થાનિક વિસ્તાર પૂરતી સીમિત નથી. અહીંના સોઇલલેસ (માટી વગર તૈયાર કરાતા) ધરૂ ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં તો જાય જ છે, પરંતુ પડોશી રાજ્યોમાં પણ તેની ભારે બોલબાલા છે. રાજસ્થાનના સિરોહી અને જાલોર જિલ્લાથી લઈને મહારાષ્ટ્રના નંદુરબાર સુધીના ખેડૂતો વાવેતર માટે માઢીના ધરૂ પર જ વિશ્વાસ મૂકે છે. એક અંદાજ મુજબ, માઢીમાં તૈયાર થતા આ ધરૂથી દર વર્ષે અંદાજે 6 લાખ એકર જમીનમાં શાકભાજીની સફળ ખેતી થાય છે.
આ નર્સરીઓમાં મુખ્યત્વે મરચાં અને ટામેટાંના ધરૂનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ ઉપરાંત પપૈયા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, રીંગણ, કારેલાં, કાકડી, તરબૂચ, શક્કરટેટી તેમજ ગલગોટા (ગેલડીયા) જેવા ફૂલોના ધરૂ પણ ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરવામાં આવે છે.
શું છે પ્લગ નર્સરી પદ્ધતિ અને તેના મુખ્ય ફાયદા?
પરંપરાગત રીતે જમીનમાં માટી પર ધરૂ તૈયાર કરવામાં આવે ત્યારે માટીજન્ય રોગ, ફૂગ અને નિંદામણની મોટી સમસ્યા રહેતી હોય છે. આની સામે પ્લગ નર્સરી પદ્ધતિ એક આશીર્વાદ સમાન સાબિત થઈ છે.
-
સોઇલલેસ મીડિયાનો ઉપયોગ: આ પદ્ધતિમાં માટીના બદલે કોકોપીટ (નાળિયેરના છોડાંનો પાવડર), પર્લાઇટ અને વર્મિક્યુલાઇટ જેવા જંતુમુક્ત માધ્યમમાં પ્લાસ્ટિકની કપ આકારની ટ્રે (પ્રો-ટ્રે)માં બીજ વાવવામાં આવે છે.
-
રોગમુક્ત અને સમાન વિકાસ: માટી ન હોવાથી માટીજન્ય રોગોનો ભય રહેતો નથી. સ્પ્રિંકલર સિંચાઈ દ્વારા દરેક પ્રો-ટ્રેને એકસરખું પાણી અને પોષક તત્વો મળતાં તમામ છોડનો એકસમાન અને તંદુરસ્ત વિકાસ થાય છે.
-
મજબૂત મુળિયાં અને ઝડપી અંકુરણ: આ પદ્ધતિમાં બીજનું અંકુરણ દર 80 ટકાથી વધુ મળે છે. છોડના મૂળ મજબૂત બને છે અને માત્ર 25 દિવસમાં રોપો ફેરરોપણી માટે તૈયાર થઈ જાય છે.
-
ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા: ટ્રેમાં તૈયાર થયેલા ધરૂના મૂળિયાં મીડિયા સાથે બરાબર સેટ થયેલા હોવાથી તેને દૂરના અંતર સુધી સુરક્ષિત રીતે લઈ જઈ શકાય છે, અને ફેરરોપણી બાદ ખેતરમાં છોડ સુકાઈ જવાનું પ્રમાણ નહિવત રહે છે.

બાગાયતી યોજનાઓ અને સરકારી પ્રોત્સાહન
ગુજરાતમાં બાગાયત ક્ષેત્રનો પાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તત્કાલીન મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કૃષિ મહોત્સવ, માઇક્રો ઇરિગેશન અને આધુનિક નર્સરી પ્રોત્સાહન જેવી પહેલોથી નખાયો હતો. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બાગાયત વિભાગની ‘હાઇ-ટેક પ્લગ નર્સરી યોજના’ આ દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે.
આ યોજના હેઠળ 500થી 4,000 ચોરસ મીટર વિસ્તારમાં સંરક્ષિત નર્સરી (જેવી કે ગ્રીનહાઉસ, નેટ હાઉસ કે ફેન એન્ડ પેડ ગ્રીનહાઉસ) સ્થાપવા માટે સરકાર દ્વારા 65 ટકા સુધીની મોટી નાણાકીય સહાય આપવામાં આવે છે. માઢી ગામ અને આસપાસના ખેડૂતોને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹9 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, જેનાથી ખેડૂતો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સક્ષમ બન્યા છે.
વદરાડ ‘સેન્ટર ઑફ એક્સલન્સ’નું ટેક્નિકલ માર્ગદર્શન
માઢી ગામને આટલી મોટી સફળતા અપાવવામાં સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે આવેલા સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)નો ફાળો અતિ મહત્વપૂર્ણ રહ્યો છે. આ સેન્ટર દ્વારા નર્સરી સંચાલકોને સતત નવી ટેક્નોલોજી, પ્રિસિઝન ઇરિગેશન (ચોક્કસ સિંચાઈ), ફર્ટિગેશન અને આબોહવા-નિયંત્રિત ગ્રીનહાઉસ મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવે છે.