હિમાલય ક્ષેત્રમાં મોટો ખતરો: ૨૧ નેપાળ અને ૨૫ તિબેટના તળાવો બન્યા ‘ટાઇમ બોમ્બ’
તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક પૂરે ચારેય બાજુ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ૧૬૦ થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક આફતમાંથી દેશ હજુ બહાર આવી શક્યો નથી ત્યાં વિજ્ઞાનીઓ અને હવામાન નિષ્ણાતોએ વધુ એક ભયાનક ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ’ (ICIMOD) અને નેપાળ સરકારના સંયુક્ત વૈજ્ઞાનિક મૂલ્યાંકન અનુસાર, હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલા ૪૭ ગ્લેશિયર (હિમનદી) તળાવો અત્યંત ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયા છે, જે ગમે ત્યારે બીજી મોટી આપત્તિનું કારણ બની શકે છે.
૪૭ ગ્લેશિયર તળાવો ‘સંભવિત ખતરનાક’ શ્રેણીમાં
વૈજ્ઞાનિક તપાસ દરમિયાન આ ૪૭ તળાવોને “સંભવિત ખતરનાક હિમનદી તળાવો” (PDGLs) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ તળાવોમાં ‘ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) એટલે કે તળાવ ફાટવાની ઘટના બની શકે છે. જો આમ થશે તો નેપાળની મુખ્ય નદી પ્રણાલીઓમાં અચાનક ભયાનક પૂર આવશે, જેનાથી પહાડી અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાશે.

આ ૪૭ ખતરનાક તળાવોમાંથી ૨૧ તળાવો સીધા નેપાળની ભૌગોલિક સીમામાં સ્થિત છે, જ્યારે ૨૫ તળાવો તિબેટ (ચીન) ના પ્રદેશમાં સરહદ પારની પર્વતમાળાઓમાં આવેલા છે. એક તળાવ સરહદી રેખા પર જ આવેલું છે. આ તમામ તળાવો નેપાળ તરફ દક્ષિણ દિશામાં વહેતી નદીઓના ઉપરી ભાગમાં આવેલા હોવાથી, ત્યાં સર્જાનારી કોઈપણ દુર્ઘટનાની સીધી અને ઘાતક અસર નેપાળના સ્થાનિક સમુદાયો અને માળખાગત સુવિધાઓ પર પડશે.
કયા તળાવો સૌથી વધુ ભયજનક?
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ ખાસ કરીને એવા તળાવોની યાદી તૈયાર કરી છે જે કદમાં ઝડપથી વધી રહ્યા છે અને જેમના કુદરતી બંધ કાટમાળ કે ખડકોથી બનેલા છે. આ બંધો ગમે ત્યારે પાણીના ભારે દબાણ સામે તૂટી શકે છે. આમાં લોઅર બરુન (તાલોપોખરી), થુલાગી (ડોના), લુમડિંગ ત્સો, હોંગુ-૨/ચામલાંગ સાઉથ, ત્સો રોલ્પા અને ઇમજા ત્સો જેવા મુખ્ય તળાવોનો સમાવેશ થાય છે. સંશોધકોએ આ તળાવોમાંથી તાત્કાલિક ધોરણે પાણીનું સ્તર ઘટાડવા માટે કૃત્રિમ માર્ગો બનાવવા અને સંકટ ઘટાડવા માટે પગલાં લેવા હાકલ કરી છે.

પૂર્વી અને મધ્ય નેપાળ પર સૌથી મોટું જોખમ
હિમાલયના પહાડી અને ડુંગરાળ જિલ્લાઓ આ આપત્તિ માટે સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. નદી ખીણોના માર્ગમાં વસતા લાખો લોકો અને ત્યાં નિર્માણ પામેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, પુલો અને રસ્તાઓને મોટું નુકસાન થવાની ભીતિ છે. આંકડા દર્શાવે છે કે કોશી અને બાગમતી નદીના તટપ્રદેશ સહિત પૂર્વી અને મધ્ય નેપાળ પ્રદેશના કુલ જોખમનો ૮૫ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.
સૌથી વધુ જોખમ ધરાવતા જિલ્લાઓમાં સોલુખુમ્બુ પ્રમુખ છે, જ્યાં દૂધ કોશી અને ઇમજા બેસિન આવેલા છે. આ ઉપરાંત સંખુવાસભા જિલ્લો બરુણ અને અરુણ નદીના માર્ગમાં આવતો હોવાથી અને દોલખા જિલ્લો તામા કોશી નદી કોરિડોરમાં આવેલો હોવાથી ત્સો રોલ્પા તળાવ ફાટવાના કિસ્સામાં સૌથી વધુ પ્રભાવિત થશે. જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો નેપાળે ફરી એકવાર ભયાનક હોનારતનો સામનો કરવો પડી શકે છે.
