5 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સ બદલાઈ જશે! તમારા પર કેટલો બોજ વધશે?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને સરકાર દ્વારા UPI પેમેન્ટ્સ મોડેલમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. 15 ઓક્ટોબરથી અમલમાં આવનારા આ નવા નિયમો ખાસ કરીને ઉચ્ચ મૂલ્ય ધરાવતા મરચન્ટ ટ્રાન્ઝેક્શન્સ (P2M) અને મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સાથે જોડાયેલા છે. સામાન્ય ઉપયોગકર્તાઓ, રોકાણકારો અને ગ્રાહકો માટે આ નિયમો શું માયને રાખે છે અને તમારા ખિસ્સા પર તેની કેવી અસર પડશે, તેની સરળ વિગતવાર માહિતી અહીં આપવામા આવી છે.

સામાન્ય વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન (P2P) સંપૂર્ણપણે મફત રહેશે
સૌથી પહેલા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સામાન્ય લોકો વચ્ચે થતા ટ્રાન્સફર, એટલે કે એક વ્યક્તિના બેંક ખાતામાંથી બીજી વ્યક્તિના બેંક ખાતામાં મોકલવામાં આવતા નાણાં (P2P) સંપૂર્ણપણે મફત રહેશે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ કે ફી લાગશે નહીં, ભલે તે રકમ ગમે તેટલી મોટી હોય. UPI નેટવર્ક પર થતા કુલ ટ્રાન્ઝેક્શનમાં 37 ટકા હિસ્સો અને મૂલ્યની દ્રષ્ટિએ 70 ટકા હિસ્સો આ જ પ્રકારના ટ્રાન્સફરનો છે, જેને સરકાર દ્વારા આ નવા નિયમોમાંથી સંપૂર્ણ મુક્ત રાખવામાં આવ્યો છે.
રૂ. 2,000 થી વધુના મરચન્ટ પેમેન્ટ્સ પર 0.4% ફી
નવા નિયમ મુજબ, રૂ. 2,000 થી ઓછી રકમના તમામ મરચન્ટ પેમેન્ટ્સ (P2M) પર કોઈ ચાર્જ લાગશે નહીં. આવા નાના મૂલ્યના પેમેન્ટ્સ સમગ્ર UPI વોલ્યુમમાં 95 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. પરંતુ, રૂ. 2,000 થી વધુની રકમના મરચન્ટ ટ્રાન્ઝેક્શન્સ પર 0.4 ટકાનો દર (MDR) નક્કી કરવામાં આવ્યો છે, જે મહત્તમ રૂ. 300 સુધી રહેશે (એટલે કે રૂ. 75,000 કે તેથી વધુના પેમેન્ટ માટે ફિક્સ રૂ. 300 ચાર્જ લાગશે). આ રકમ બેંક, યુપીઆઈ એપ અને ચુકવણી સિસ્ટમના સહયોગીઓ વચ્ચે વહેંચવામાં આવશે.
ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ (SIP) પર શું અસર થશે?
જો તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ અથવા મ્યુચ્યુઅલ ફંડની SIP ચૂકવવા માટે UPI નો ઉપયોગ કરો છો, તો તેના માટે નિયમો નીચે મુજબ રહેશે:
ઇન્સ્યોરન્સ (વીમો): રૂ. 2,000 થી વધુ રકમના ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટે ફ્લેટ રૂ. 5 નો MDR ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક બ્રોકિંગ: શેરબજાર, સિક્યોરિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે થતા ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકા ચાર્જ લાગશે, જેની મહત્તમ મર્યાદા રૂ. 300 છે.
અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે MDR એ એવો ચાર્જ છે જે વેપારી અથવા સર્વિસ પ્રોવાઇડરે (જેમ કે ઇન્સ્યોરન્સ કંપની કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ) બેંક અને પેમેન્ટ સર્વિસને ચૂકવવાનો હોય છે. સામાન્ય ગ્રાહક પર આ ચાર્જ સીધો નાખવામાં આવશે નહીં. જો કંપનીઓ આ ચાર્જ પોતે ભોગવે છે, તો ગ્રાહક માટે ચુકવણીની રકમમાં કોઈ ફેરફાર થશે નહીં.

AutoPay અને OTT સબ્સ્ક્રિપ્શન: શું ઓટોપે મોંઘુ થશે?
નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, કે જીઓ હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શન, મોબાઈલ બિલ અથવા લાઈટ બિલ જો તમે UPI AutoPay દ્વારા આપમેળે ચૂકવો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
નવા નિયમ હેઠળ, AutoPay દ્વારા થતી રીકરિંગ (વારંવાર થતી) ચુકવણીઓને વન-ટાઇમ યુપીઆઈ પેમેન્ટ્સથી અલગ ગણવામાં આવી છે. આ ઓટોપે ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. એટલે કે, તમારી માસિક SIP, OTT સબ્સ્ક્રિપ્શન્સ કે ટેલિફોન બિલ ઓટોપે દ્વારા સરળતાથી ચાલુ રહેશે અને તેના માટે કોઈ નવો અથવા વધારાનો ખર્ચ ચૂકવવો પડશે નહીં.
આવશ્યક સેવાઓ માટે ખાસ જોગવાઈ
રેલવે, ટેલિકોમ, ઇન્સ્યોરન્સ, પેટ્રોલીયમ (ઈંધણ) અને કૃષિ ક્ષેત્રની સેવાઓ કે જ્યાં માર્જિન ઓછું હોય છે, ત્યાં રૂ. 2,000 થી વધુના પેમેન્ટ માટે માત્ર રૂ. 5 નો ફ્લેટ ચાર્જ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓ પર અતિશય બોજ ન પડે અને સેવાઓ સામાન્ય નાગરિકો માટે સસ્તી રહે.
