અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામ? રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્રથી વિશ્વ રાજકારણમાં ગરમાવો
પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કોંગ્રેસના કાયદા ઘડનારાઓને ઔપચારિક રીતે જાણ કરી છે કે ઈરાન સામેનું યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. વ્હાઇટ હાઉસ દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ૭ એપ્રિલ, ૨૦૨૬ પછી બંને દેશો વચ્ચે કોઈ સૈન્ય અથડામણ થઈ નથી, તેથી હવે લશ્કરી કાર્યવાહી માટે કોંગ્રેસની વિશેષ મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી.
કાયદાકીય વિવાદ અને ૬૦ દિવસની સમયમર્યાદા
અમેરિકામાં ૧૯૭૩ ના ‘યુદ્ધ સત્તા ઠરાવ’ (War Powers Resolution) મુજબ, રાષ્ટ્રપતિએ કોઈપણ સૈન્ય કાર્યવાહી શરૂ કર્યાના ૬૦ દિવસની અંદર કોંગ્રેસની મંજૂરી લેવી પડે છે. જો મંજૂરી ન મળે, તો લશ્કરી બળનો ઉપયોગ બંધ કરવો પડે. અમેરિકા અને ઈઝરાયલે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ઈરાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી, જેની સમયમર્યાદા ૧ મે ના રોજ પૂર્ણ થતી હતી. જોકે, ટ્રમ્પે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલી દુશ્મનાવટ હવે પૂર્ણ થઈ ગઈ હોવાથી આ સમયમર્યાદા તેમના પર લાગુ પડતી નથી.
ઈરાનની સૈન્ય શક્તિ પર ટ્રમ્પનો દાવો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે તાજેતરના હુમલાઓ બાદ ઈરાનની સૈન્ય કમર તૂટી ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે, “ઈરાન પાસે હવે ન તો સક્ષમ નૌકાદળ બચ્યું છે કે ન તો હવાઈ દળ. તેમની સંરક્ષણ ક્ષમતાઓ પણ અત્યંત મર્યાદિત થઈ ગઈ છે.” ટ્રમ્પના મતે ઈરાન હવે અમેરિકા સામે લશ્કરી રીતે ટકી શકે તેમ નથી.
વાટાઘાટો અને રાજદ્વારી ઉકેલ
યુદ્ધ પૂરું થયાના દાવા છતાં, ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ઈરાન તરફથી સમજૂતી માટેના પ્રસ્તાવો મળી રહ્યા છે. જોકે, તેમણે કહ્યું કે, “તેઓ સોદો કરવા માંગે છે, પરંતુ હું અત્યારની શરતોથી સંતુષ્ટ નથી. ઈરાનનું નેતૃત્વ અત્યારે વિભાજિત છે અને ત્યાંના નેતાઓ મૂંઝવણમાં છે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે તેહરાનમાં આંતરિક મતભેદો એટલા વધી ગયા છે કે વાસ્તવિક નિર્ણય કોણ લઈ રહ્યું છે તે સ્પષ્ટ નથી, જે વાટાઘાટોને જટિલ બનાવી રહ્યું છે.
માનવતાવાદી અભિગમ કે સૈન્ય કાર્યવાહી?
રાષ્ટ્રપતિએ પોતાની ભાવિ રણનીતિ સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરવા માંગતા નથી. તેમણે જણાવ્યું, “હું માનવતાવાદી ધોરણે સમાધાન કરવા ઈચ્છું છું, પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જશે તો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ હંમેશા ટેબલ પર રહેશે.”
આ પત્ર બાદ હવે અમેરિકી રાજકારણમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે કે પછી આ એક નવા તોફાન પહેલાની શાંતિ છે.

