IPL 2026: RCB માટે જોશ હેઝલવુડની ઉપલબ્ધતા પર સસ્પેન્સ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ગ્રીન સિગ્નલની રાહ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે ચિંતા અને આશા બંનેના સમાચાર સામે આવ્યા છે. ટીમમાં મુખ્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ક્યારે જોડાશે તે બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. RCBના ક્રિકેટ ડાયરેક્ટર મો બોબાટના જણાવ્યા અનુસાર, હેઝલવુડ આ સીઝનમાં રમશે કે નહીં તેનો સંપૂર્ણ નિર્ણય ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા’ (CA) ના હાથમાં છે.
હેઝલવુડની ફિટનેસ અને રિકવરી પ્રોગ્રામ
35 વર્ષીય જોશ હેઝલવુડ છેલ્લા ઘણા સમયથી મેદાનથી દૂર છે. ઈજાના કારણે તેણે એશિઝ સિરીઝ અને તાજેતરમાં ભારતમાં યોજાયેલ T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો ન હતો. હાલમાં તે ઓસ્ટ્રેલિયામાં રહીને ‘રિટર્ન ટુ પ્લે’ પ્રોગ્રામ હેઠળ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. મો બોબાટે સ્પષ્ટ કર્યું કે RCBની મેડિકલ ટીમ સતત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સંપર્કમાં છે. ઓસ્ટ્રેલિયન બોર્ડ પોતાના ફાસ્ટ બોલરોને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી સમયમાં ભારત સામેની ટેસ્ટ સિરીઝ અને એશિઝની 150મી વર્ષગાંઠ નિમિત્તે રમાનાર ખાસ મેચો તેમના માટે ખૂબ મહત્વની છે.
નવા ખેલાડીઓ પર ભરોસો:
બીજી તરફ, RCB માટે એક મોટો આંચકો યશ દયાલના રૂપમાં આવ્યો છે. મીડિયમ પેસર યશ દયાલ આ આખી સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેની સામે જાતીય સતામણી સહિતના ગંભીર ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જેના કારણે તે ક્રિકેટ રમી શકશે નહીં. જોકે, મો બોબાટ આ બાબતે બહુ ચિંતિત દેખાતા નથી. તેમણે જણાવ્યું કે ટીમે હરાજી દરમિયાન જ આવી પરિસ્થિતિનો અંદાજ લગાવી લીધો હતો અને તે મુજબ બેકઅપ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે.
ઘરેલું પ્રતિભા પર RCBની નજર:
યશ દયાલની ગેરહાજરીમાં હવે ટીમ રાસિક ડાર, અભિનંદન અને નવા સામેલ થયેલા મંગેશ પર નિર્ભર રહેશે. બોબાટના મતે, આ ત્રણેય ખેલાડીઓમાં શાનદાર ક્ષમતા છે અને તેઓ યશ દયાલની ખોટ પૂરી કરવા માટે તૈયાર છે. RCBના મેનેજમેન્ટને વિશ્વાસ છે કે તેમની પાસે સ્થાનિક સ્તરે પૂરતા વિકલ્પો છે, જે ટીમને ફરી એકવાર ખિતાબ જીતવામાં મદદરૂપ સાબિત થશે.

