પોષણ, શિક્ષણ અને પશુપાલન સહિતના ૬ નવા સૂચકાંકો સાથે લખપત–રાપરમાં સંપૂર્ણતા અભિયાન ૨.૦ અમલમાં
કચ્છ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ લખપત અને રાપરને સર્વાંગી પ્રગતિના પંથે લઈ જવા માટે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ૨૮ જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી ચાલનારા આ અભિયાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના ૫૧૩ એસ્પિરેશનલ (આકાંક્ષી) તાલુકાઓમાં કચ્છના આ બે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં હવે શિક્ષણ, પોષણ અને પશુપાલન જેવા પાયાના ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સંપૂર્ણતા અભિયાન ૨.૦ ના નવા ૬ મુખ્ય સૂચકાંકો
આ અભિયાનના બીજા તબક્કામાં વહીવટીતંત્ર દ્વારા નીચે મુજબના લક્ષ્યાંકો પર ૧૦૦ ટકા કામગીરી કરવાનું આયોજન છે:
-
બાળ પોષણ: ૬ મહિના થી ૬ વર્ષના બાળકોને નિયમિત પૂરક પોષણ પૂરું પાડવું.
-
શિક્ષણ પ્રવેશ: આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના મહત્તમ પ્રવેશને પ્રાધાન્ય આપવું.
-
આંગણવાડી સુવિધા: દરેક આંગણવાડીમાં પીવાનું શુદ્ધ પાણી અને શૌચાલયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.
-
કન્યા કેળવણી: શાળાઓમાં કન્યાઓ માટે પૂરતી અને સ્વચ્છ શૌચાલય સુવિધાનું નિર્માણ કરવું.
-
પશુપાલન: પશુધનને સુરક્ષિત કરવા માટે એફ.એમ.ડી. (FMD – મોવાસા) રસીકરણની કામગીરી પૂર્ણ કરવી.
ગ્રાઉન્ડ લેવલ મોનિટરિંગ અને એક્શન પ્લાન
કલેક્ટરશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ માં કચ્છ જિલ્લાએ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિને જાળવી રાખવા માટે આ વર્ષે પણ પ્રાંત અધિકારીઓને એક્શન પ્લાનનું સીધું સુપરવિઝન સોંપવામાં આવ્યું છે. જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલે અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર જઈને ખૂટતી કડીઓ શોધવા અને નીતિ આયોગના માપદંડો મુજબ ડેટા રિપોર્ટિંગ કરવા સૂચના આપી હતી.
આ અભિયાન દ્વારા છેવાડાના નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે અને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ થાય તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. બેઠકમાં નખત્રાણા અને ભચાઉના પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય મિશનને સફળ બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
