બહાર જેવા જ ક્રિસ્પી બ્રેડ પકોડા ઘરે બનાવો: જાણો ચોખાના લોટ અને સોજીવાળી સીક્રેટ રીત
વરસાદની ઋતુ હોય કે સાંજના ચા-નાસ્તાનો સમય, ગરમાગરમ અને ક્રિસ્પી બ્રેડ પકોડાનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે. સ્ટ્રીટ ફૂડના શોખીનો માટે બ્રેડ પકોડા એક ઓલ-ટાઈમ ફેવરિટ અને લોકપ્રિય નાસ્તો છે. ચટપટા બટાકાનું સ્ટફિંગ અને બહારથી ચોખાના લોટ તથા સોજીવાળા બેસનનું ક્રિસ્પી કોટિંગ આ પકોડાને સ્વાદમાં એકદમ લાજવાબ બનાવે છે. લીલી તીખી ચટણી કે ટામેટા કેચઅપ અને ગરમાગરમ ચા સાથે જ્યારે તેને પીરસવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. જો તમે પણ ઘરે જ એકદમ ક્રંચી અને સ્ટ્રીટ સ્ટાઈલ બ્રેડ પકોડા બનાવવા માંગો છો, તો અહીં આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી અને ટિપ્સ અનુસરો.
જરૂરી સામગ્રી
-
સ્ટફિંગ માટે: ૩-૪ બાફેલા બટાકા, ૧ ચમચી લીલા મરચાં-આદુની પેસ્ટ, ૧/૨ ચમચી લાલ મરચાં પાવડર, ૧/2 ચમચી સંચળ (બ્લેક સોલ્ટ), ૧/૨ ચમચી ટામેટા કેચઅપ, ૧/૨ ચમચી વરિયાળી પાવડર, ૧/૨ ચમચી શેકેલા જીરા પાવડર, ૧/૨ ચમચી આમચૂર પાવડર અને ૧/૨ ચમચી કાળા મરી પાવડર.
-
બેટર (ખીરું) માટે: ૧ કપ બેસન, ૧/૩ કપ ચોખાનો લોટ, ૨ ચમચી સોજી, ૧/૨ ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને જરૂર મુજબ પાણી.
-
અન્ય સામગ્રી: બ્રેડની સ્લાઈસ અને તળવા માટે તેલ.

ચટપટુ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરવાની રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને બરાબર મસળી (મેશ કરી) લો. હવે તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ, લાલ મરચાં પાવડર, સંચળ, ટામેટા કેચઅપ, વરિયાળી પાવડર, શેકેલા જીરા પાવડર, આમચૂર પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરો. આ તમામ મસાલાને બટાકા સાથે બરાબર મિક્સ કરી લો જેથી એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ સ્ટફિંગ તૈયાર થઈ જાય. ટામેટા કેચઅપ અને આમચૂર પાવડરનું મિશ્રણ આ મસાલાને અનોખો ખાટો-મીઠો સ્વાદ આપે છે.
પરફેક્ટ ક્રિસ્પી બેટર બનાવવાની રીત
બીજા એક બાઉલમાં બેસન લો. તેમાં ચોખાનો લોટ અને સોજી ઉમેરો. બેસનમાં ચોખાનો લોટ અને સોજી ઉમેરવાથી બ્રેડ પકોડા તળતી વખતે વધારે તેલ શોષતા નથી અને બહારથી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. ત્યારબાદ તેમાં હળદર, સ્વાદ મુજબ મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ ઘટ્ટ બેટર તૈયાર કરો. ધ્યાન રાખવું કે બેટર બહુ પતલું ન હોવું જોઈએ, નહીં તો બ્રેડ પર તેનું કોટિંગ બરાબર ચોંટશે નહીં.
બ્રેડ પકોડા એસેમ્બલ કરી તળવાની રીત
બે બ્રેડ સ્લાઈસ લો. એક બ્રેડ સ્લાઈસ પર તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ સરખી રીતે પાથરી દો અને બીજી બ્રેડ સ્લાઈસ તેના પર મૂકી સહેજ દબાવો. હવે આ સ્ટફ કરેલી બ્રેડને ત્રિકોણ આકારમાં વચ્ચેથી કાપી લો.

એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મધ્યમ કરો. હવે તૈયાર કરેલા ત્રિકોણ બ્રેડને બેસનના બેટરમાં બંને બાજુથી બરાબર ડિપ કરો જેથી ખીરું બ્રેડ પર ચારેય તરફ સરસ રીતે લાગી જાય. ત્યારબાદ તેને સાવચેતીથી ગરમ તેલમાં મૂકો. પકોડા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો.
તળાયેલા ગરમાગરમ બ્રેડ પકોડાને નેપકિન પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ‘બ્રેડ પકોડા’. તેને તીખી લીલી ચટણી, ટામેટા કેચઅપ અને ગરમાગરમ ચા સાથે પીરસીને ડિલીશિયસ નાસ્તાની મજા માણો.