ઉનાળામાં પેટ કેમ વારંવાર બગડે છે? જાણો નિષ્ણાતોએ જણાવેલા અસલી કારણો અને સાવચેતી
ઉનાળાની ઋતુમાં અચાનક ઉલ્ટી, ઝાડા કે પેટમાં દુખાવાની ફરિયાદ વધી જાય છે. મોટાભાગના લોકો તેને માત્ર ‘ફૂડ પોઈઝનિંગ’ માની લે છે, પરંતુ વાસ્તવમાં આ સમસ્યા ગરમી, પાણીની ગુણવત્તા અને તમારી જીવનશૈલીના મિશ્રણને કારણે પેદા થાય છે.
બૅક્ટેરિયાનો ઝડપી ફેલાવો: દેખાવમાં સારું ભોજન પણ હોઈ શકે છે ઘાતક
કેર હોસ્પિટલના ક્લિનિકલ ડિરેક્ટર અને સિનિયર સલાહકાર ડૉ. આકાશ ચૌધરી જણાવે છે કે, ઉનાળામાં વધતું તાપમાન બેક્ટેરિયાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઘણીવાર આપણને લાગે છે કે ખોરાક સારો છે કારણ કે તેમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી, પરંતુ તેમાં માઈક્રોબ્સ ખતરનાક સ્તર સુધી વધી ગયા હોય છે. ઉનાળામાં રાંધેલા ખોરાક અને પીરસવાના સમય વચ્ચેનો થોડો તફાવત પણ જોખમ વધારી શકે છે.
પાણી અને બરફ: રોગના છુપાયેલા સ્ત્રોત
આપણે ખોરાકની બાબતમાં જેટલા સાવધ રહીએ છીએ, તેટલી કાળજી પાણીની બાબતમાં રાખતા નથી. ડૉક્ટરોના મતે, માત્ર પીવાનું પાણી જ નહીં, પણ ઠંડા પીણામાં વપરાતા બરફના ટુકડા અથવા કાચા ફળ-શાકભાજી ધોવા માટે વપરાતું પાણી પણ ઈન્ફેક્શન ફેલાવી શકે છે. ઉનાળામાં રસ્તા પર મળતા પીણાંમાં વપરાતો બરફ ઘણીવાર અશુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે, જે પેટ બગાડવાનું મુખ્ય કારણ બને છે.
માત્ર ખોરાક જ નહીં, સંપર્ક પણ છે જવાબદાર
જો એક જ પરિવારમાં બધા લોકો સાથે બીમાર પડે, તો તેનો અર્થ એ નથી કે બધાએ ખરાબ ખોરાક ખાધો છે. ઘણીવાર આ વાયરસના કારણે ફેલાતું ઈન્ફેક્શન હોય છે, જે ગંદા હાથ, શેર કરેલી વસ્તુઓ કે સાફ-સફાઈના અભાવે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ડૉ. ચૌધરી સ્પષ્ટ કહે છે કે આવા કિસ્સામાં બીમારી કોઈ ચોક્કસ ખોરાકથી નહીં, પણ સીધા સંપર્કથી ફેલાય છે.
જીવનશૈલી અને ગરમીનું દબાણ
ઉનાળામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે. વધુ પડતું તાપમાન અને શરીરમાં પાણીની અછત (ડીહાઇડ્રેશન) પાચનતંત્રને સંવેદનશીલ બનાવે છે. આવી સ્થિતિમાં, સામાન્ય સમયે જે ખોરાક આપણને માફક આવતો હોય, તે ઉનાળામાં પેટમાં ગડબડ ઊભી કરી શકે છે. ખાસ કરીને ઉનાળામાં બહારનું ખાવાની આદત કે મુસાફરી દરમિયાન લેવાયેલો નાસ્તો જોખમ વધારી દે છે.
ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?
મોટાભાગના કિસ્સામાં પેટની ગરબડ ૧-૨ દિવસમાં જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો નીચે મુજબના લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર ડૉક્ટર પાસે જવું જોઈએ:
જો સતત ઉલ્ટી થતી હોય.
ખૂબ તાવ આવતો હોય.
મળમાં લોહી દેખાય.
શરીરમાં પાણી ઓછું થઈ જવાના સંકેતો દેખાય (જેમ કે ખૂબ નબળાઈ કે પેશાબ ઓછો થવો).
સલાહ: ઉનાળામાં હંમેશા તાજો ખોરાક ખાવો, પુષ્કળ પાણી પીવું અને હાથની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

