ઈરાનનો ટ્રમ્પને નવો શાંતિ ફોર્મ્યુલા: ‘અત્યારે હોર્મુઝ ખોલો, પરમાણુ મુદ્દે ચર્ચા પછી કરીશું’ – શું અમેરિકા ઝૂકશે?
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો અત્યારે અત્યંત નાજુક તબક્કે છે. બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ પરિણામ હજુ સુધી શૂન્ય છે. પાકિસ્તાનમાં યોજાનારી બીજા તબક્કાની મધ્યસ્થી વાર્તા અટકી ગઈ છે, કારણ કે બંને પક્ષોમાંથી કોઈ પણ નમતું જોખવા તૈયાર નથી. આ દરમિયાન ઈરાને શાંતિ માટેનો એક નવો પ્રસ્તાવ અમેરિકા સમક્ષ મૂક્યો છે, જેને ‘પરમાણુ મુદ્દાને મુલતવી રાખવાનો ફોર્મ્યુલા’ માનવામાં આવે છે.
ટ્રમ્પનો કડક મિજાજ: ‘ફોન પર વાત કરો અથવા અમેરિકા આવો’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદમાં પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ પોતાના પ્રતિનિધિઓને ૧૮ કલાકની લાંબી ફ્લાઈટમાં બેસાડીને પાકિસ્તાન મોકલવા માંગતા નથી. ટ્રમ્પનું કહેવું છે કે, “જો ઈરાન ખરેખર શાંતિ ઈચ્છતું હોય, તો તેમના અધિકારીઓએ કાં તો અમેરિકા આવવું જોઈએ અથવા તો ફોન પર વાતચીત કરવી જોઈએ.” આ નિવેદને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા મધ્યસ્થીના પ્રયાસોને મોટો આંચકો આપ્યો છે.
ઈરાનનો નવો પ્રસ્તાવ શું છે?
નિરાશાજનક સમાચારો વચ્ચે ઈરાન તરફથી એક આશાસ્પદ પ્રસ્તાવ આવ્યો છે. ઈરાને સૂચન કર્યું છે કે હાલમાં જે યુદ્ધ જેવી સ્થિતિ છે તેને ટાળવા માટે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) પરથી નાકાબંધી હટાવી લેવી જોઈએ અને યુદ્ધ વિરામ જાહેર કરવો જોઈએ.
ઈરાને પરમાણુ મુદ્દે ચાલી રહેલા ગજગ્રાહને અત્યારે બાજુ પર રાખીને પહેલા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે. ઈરાન ઈચ્છે છે કે એકવાર જંગ અટકી જાય, પછી ભવિષ્યમાં વાતચીત દ્વારા પરમાણુ કરાર પર સહમતિ સાધી શકાય.
શું અમેરિકા આ શરત માનશે?
નિષ્ણાતોના મતે ટ્રમ્પ માટે આ પ્રસ્તાવ સ્વીકારવો અત્યંત મુશ્કેલ છે. જો ટ્રમ્પ હોર્મુઝ આસપાસથી પોતાની નૌકાસેના હટાવી લે છે, તો તેમની પાસે ઈરાનને પરમાણુ કાર્યક્રમ રોકવા માટે દબાણ લાવવાનું કોઈ મોટું હથિયાર બાકી રહેશે નહીં. ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જ ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ખતમ કરવાનો અને તેમને કાયમ માટે પરમાણુ માર્ગથી દૂર રાખવાનો છે. જો અત્યારે જંગ અટકી જાય, તો ઈરાન પરથી આર્થિક અને સૈન્ય દબાણ ઓછું થઈ જશે, જે ટ્રમ્પ ક્યારેય નહીં ઈચ્છે.
સિચ્યુએશન રૂમમાં મહત્વની બેઠક અને ટ્રમ્પની રણનીતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પોતાની ટોચની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની ટીમ સાથે ‘સિચ્યુએશન રૂમ’માં બેઠક કરવાના છે. આ બેઠકમાં ઈરાન સાથેની વાર્તામાં જે મડાગાંઠ સર્જાઈ છે તેને કેવી રીતે તોડવી અને આગળના પગલાં શું હોવા જોઈએ તેના પર ચર્ચા થશે.
ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તે હાલમાં નૌકાસેનાની નાકાબંધી ચાલુ રાખશે. આ નાકાબંધીને કારણે ઈરાનની તેલ નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ટ્રમ્પને આશા છે કે આગામી થોડા અઠવાડિયામાં આ આર્થિક દબાણ એટલું વધી જશે કે ઈરાને પોતે જ શરણાગતિ સ્વીકારવી પડશે.
હોર્મુઝનું મહત્વ અને વૈશ્વિક અસર
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જો ઈરાનનો આ નવો ફોર્મ્યુલા સ્વીકારવામાં આવતો નથી, તો ખાડી દેશોમાં યુદ્ધનો ખતરો વધુ ઘેરો બનશે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
આગામી ૨૪ થી ૪૮ કલાક અમેરિકા અને ઈરાન વચ્ચેના ભવિષ્ય માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. શું ટ્રમ્પ નવો રસ્તો કાઢશે કે પછી નાકાબંધી વધુ કડક બનાવશે, તેના પર આખી દુનિયાની નજર છે.
