સુરત જિલ્લામાં કુદરતનો રૌદ્ર સ્વરૂપ: આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર
સુરત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ત્રણ દિવસ ભારે: આજે ઓરેન્જ તો આવતીકાલે ‘રેડ એલર્ટ’ની ઘોષણા
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ સુરત શહેર અને સમગ્ર જિલ્લા માટે અત્યંત સંવેદનશીલ અને ભારે સાબિત થઈ શકે છે. તેની શરૂઆત રૂપે આજે જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અમલમાં છે, જ્યારે સ્થિતિની ગંભીરતાને જોતાં આવતીકાલે એટલે કે તારીખ ૩૧ જુલાઈના રોજ સુરત જિલ્લામાં સર્વોચ્ચ ચેતવણીરૂપ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, પરંતુ પહેલી ઓગસ્ટના રોજ પણ ‘ઓરેન્જ એલર્ટ’ યથાવત રહેશે, જે દર્શાવે છે કે આગામી ૭૨ કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે.

તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની ચેતવણી મુજબ, આ સિસ્ટમ દરમિયાન માત્ર ધોધમાર વરસાદ જ નહીં, પરંતુ ભારે પવન ફૂંકાવાની પણ પૂરી શક્યતા છે. પવનની ગતિ વધુ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાની સાથે-સાથે વૃક્ષો ધરાશાયી થવાની કે હોર્ડિગ્સ-ટીનશેડ ઉડવાની ઘટનાઓ બની શકે છે. આ કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે હવામાન વિભાગની આ આગાહીને ગંભીરતાથી લઈને નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર તેજસ પરમારનું નિવેદન: “તમામ તૈયારીઓ પૂર્ણ”
સુરત જિલ્લામાં સંભવિત પૂર કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર તેજસ પરમારએ મહત્વનું નિવેદન આપ્યું છે. કલેકટરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે.

તમામ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને નાગરિકોને કોઈપણ મુશ્કેલી પડે તો તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સુરતવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે.