બેંગલુરુ એરપોર્ટ પર હૃદયધબકારા રોકી દે તેવી ઘટના: ૧૭૯ મુસાફરો ભરેલું એર ઇન્ડિયાનું વિમાન રનવે પર પટકાયું, પાયલટની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારા અને રુંવાડા ઉભા કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી ૧૭૯ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને બેંગલુરુ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2651 લેન્ડિંગ દરમિયાન એક ભયાનક અકસ્માતનો ભોગ બનતા બચી ગઈ હતી. પ્લેન જ્યારે રનવે પર ઉતરી રહ્યું હતું ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું હતું અને વિમાનનો પાછળનો ભાગ (Tail Section) જોરદાર ઝડપે રનવે સાથે અથડાયો હતો, જેને ઉડ્ડયનની ભાષામાં ‘ટેઇલસ્ટ્રાઇક’ કહેવામાં આવે છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર કટોકટીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે, પાઇલટે અદ્ભુત માનસિક સંતુલન અને કુશળતા દાખવીને પ્લેનને ક્રેશ થતાં બચાવી લીધું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આકાશમાં બોઇંગ 747 એ સર્જ્યો ખતરો
એરલાઇન અને ઉડ્ડયન નિષ્ણાતોના પ્રાથમિક અહેવાલો મુજબ, આ અકસ્માત પાછળ પાયલટની કોઈ ભૂલ નહોતી, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી એક અદ્રશ્ય આકાશી આફત જવાબદાર હતી. એર ઇન્ડિયાનું વિમાન જ્યારે રનવેની નજીક પહોંચ્યું, તેના થોડા સમય પહેલાં જ એક વિશાળકાય બોઇંગ ૭૪૭ (Boeing 747) વિમાને ત્યાંથી ટેકઓફ કર્યું હતું. આ ભારે પ્લેનના શક્તિશાળી એન્જિનોના કારણે હવામાં એક પ્રકારનું ચક્રવાત સર્જાયું હતું, જેને વિજ્ઞાનની ભાષામાં ‘વેક ટર્બ્યુલન્સ’ (Wake Turbulence) કહેવામાં આવે છે. આ અદ્રશ્ય હવાની ગડબડીના કારણે પાછળ આવી રહેલા એર ઇન્ડિયાના વિમાને અચાનક પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું અને તેની પૂંછડી સીધી રનવે સાથે ઘસાઈ ગઈ.

પાયલટની સૂઝબૂઝ: ‘ગો-અરાઉન્ડ’ નિર્ણયે બચાવી જિંદગીઓ
જ્યારે વિમાનની પૂંછડી રનવે સાથે અથડાઈ, ત્યારે પ્લેન આડુંઅવળું થઈને પલટી જવાનો ભારે ખતરો હતો. પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પાઇલટે સ્ટાન્ડર્ડ પ્રોસિજર (માનક પ્રક્રિયા) અપનાવી હતી. તેમણે તાત્કાલિક લેન્ડિંગનો નિર્ણય પડતો મૂક્યો અને પ્લેનની સ્પીડ વધારીને તેને ફરીથી આકાશમાં ફ્લાય કરાવી દીધું (Go-Around). હવામાં એક આખું ચક્કર લગાવ્યા બાદ જ્યારે વાતાવરણ સામાન્ય થયું, ત્યારે પાયલટે પ્લેનનું સુરક્ષિત અને સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. તમામ ૧૭૯ પ્રવાસીઓ જ્યારે સહીસલામત એરપોર્ટ ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
‘ટેઇલ-સ્ટ્રાઇક’ (Tail-Strike) શું છે?
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) અનુસાર, ટેઇલ-સ્ટ્રાઇક એ ઉડ્ડયન ક્ષેત્રની એક અત્યંત જોખમી ઘટના છે. જ્યારે કોઈ વિમાન ટેકઓફ, લેન્ડિંગ અથવા ગો-અરાઉન્ડ દરમિયાન બિનજરૂરી કે અચાનક કોઈ ખૂણા પર વધુ પડતું નમી જાય છે, ત્યારે તેનો પાછળનો ભાગ રનવેની જમીન સાથે અથડાય છે. આવી સ્થિતિમાં વિમાન દિશા ગુમાવી શકે છે અથવા રનવે પરથી નીચે ઉતરીને સળગી શકે છે. આ ઘટનામાં વિમાનને મોટું નુકસાન થયું હોવાથી તેને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે.

એર ઇન્ડિયાએ માંગી માફી, ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ
આ અકસ્માતને કારણે બેંગલુરુથી દિલ્હી પરત ફરનારી ફ્લાઇટ AI2652 ને તાત્કાલિક અસરથી રદ કરવી પડી હતી. એર ઇન્ડિયાની ગ્રાઉન્ડ ટીમે એરપોર્ટ પર ફસાયેલા મુસાફરો માટે ખાવા-પીવાની અને અન્ય વૈકલ્પિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી આપી હતી. એરલાઇને સત્તાવાર નિવેદન જારી કરીને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે અને જણાવ્યું છે કે, “અમારા માટે પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સર્વોપરી છે. સરકારી નિયમો અને ડીજીસીએ (DGCA) ની ગાઈડલાઈન અનુસાર આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.”