ટાટા સંસના લિસ્ટિંગ પર નોએલ ટાટાનો વિરોધ, હવે આગળ શું થશે?
દેશના દિગ્ગજ અને વિશ્વાસપાત્ર ઉદ્યોગ જૂથ એવા ‘ટાટા ગ્રુપ’માં ફરી એકવાર ઉચ્ચ સ્તરે હલચલ જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ટાટા સંસના ચેરમેન એન. ચંદ્રશેખરણ અને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા આગામી નવેમ્બર મહિનામાં ફરી એકસાથે બોર્ડ મીટીંગમાં આમને-સામને આવી શકે છે. ગત ૧૭ સપ્ટેમ્બરે થયેલી તણાવપૂર્ણ બેઠક બાદ હવે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની અને ટાટા સ્ટીલની બોર્ડ બેઠકોમાં આ બંને ટોચના દિગ્ગજો સાથે જોવા મળે તેવી પૂરી સંભાવના છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના અહેવાલ મુજબ, ટાટા સંસની આગામી મહત્વપૂર્ણ બોર્ડ બેઠક નવેમ્બરના ઉત્તરાર્ધમાં યોજાઈ શકે છે, જો કે હજુ સુધી તેની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી.

૭ નવેમ્બરે ટાટા સ્ટીલની બેઠક પર સૌની નજર
આ ઉપરાંત, આગામી ૭ નવેમ્બરના રોજ ટાટા સ્ટીલ (Tata Steel) ની બોર્ડ બેઠક યોજાવાની અપેક્ષા છે, જેમાં કંપનીના બીજા ક્વાર્ટર (સપ્ટેમ્બર ત્રિમાસિક) ના નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવશે. અગાઉ આ બેઠક ૨૭ ઓક્ટોબરના રોજ યોજાવાની હતી, પરંતુ કેટલાક અનિવાર્ય કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. વિશેષ બાબત એ છે કે આ બેઠકમાં એન. ચંદ્રશેખરણ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે અને નોએલ ટાટા નોન-એક્ઝિક્યુટિવ વાઈસ-ચેરમેન તરીકે હાજરી આપી શકે છે.
આગામી ૧૨ નવેમ્બરે નોએલ ટાટા ૭૦ વર્ષના થઈ રહ્યા છે, જે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટેની નિવૃત્તિ વય મર્યાદા છે. આ દિવસે તેઓ ટાટા સ્ટીલ બોર્ડ અને અન્ય કેટલીક કંપનીઓના બોર્ડમાંથી પદમુક્ત થશે. આ પરિસ્થિતિ વચ્ચે ટાટા જૂથના શુભિચ્છકો અને વફાદારો દ્વારા બંને ચેરમેનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સાથે બેસીને ચર્ચા દ્વારા પોતાના તમામ મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવે.
લિસ્ટિંગ અને પુનર્રચનાને લઈને ચાલી રહેલા મતભેદો
નવેમ્બર મહિનામાં યોજાનારી આ બેઠકો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે એન. ચંદ્રશેખરણની પુનઃનિમૂણૂક અને ટાટા સંસના પ્રસ્તાવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગને લઈને ચાલી રહેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે. ગત ૧૭ સપ્ટેમ્બરની બોર્ડ મીટીંગમાં ડાયરેક્ટરોએ ફેબ્રુઆરી ૨૦૨૭માં ચંદ્રશેખરણનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા પછી તેમને ત્રીજી મુદત માટે સમર્થન આપ્યું હતું.
આ સાથે જ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના દિશાનિર્દેશો મુજબ હોલ્ડિંગ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા આગળ વધારવાનો નિર્ણય પણ લેવાયો હતો. જો કે, નોએલ ટાટાએ આ બંને નિર્ણયો સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જો કે લિસ્ટિંગના મુદ્દે કોઈ મતદાન કરવામાં આવ્યું ન હતું.

ટાટા ટ્રસ્ટ્સની રણનીતિ અને ચેરિટી કમિશનરનો નિર્ણય
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ટ્રસ્ટ્સની મુખ્ય યુનિટ ગણાતી ‘સર દોરાબજી ટાટા ટ્રસ્ટ’ (SDTT) પણ નવેમ્બરમાં પોતાની બોર્ડ મીટીંગ યોજી શકે છે. તાજેતરમાં જ તેમણે મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર સમક્ષ સ્પષ્ટતા કરી છે કે ટાટા સંસમાં ૬૬ ટકા હિસ્સેદારી ધરાવતા હોવાને કારણે, ટાટા ટ્રસ્ટ્સને પોતાની સંપત્તિની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ ઉદ્દેશ્ય માટે તેઓ હોલ્ડિંગ કંપનીનું પુનર્રચના (સ્ટ્રક્ચરિંગ) કરવા માગે છે, જેથી તેને શેરબજારમાં લિસ્ટ થવાથી બચાવી શકાય.
ગત ૨૮ સપ્ટેમ્બરે જાહેર કરાયેલી પ્રસ્તાવિત પુનર્રચનામાં ‘ટાટા ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સ સોલ્યુશન્સ’ અને ‘ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ’નું ‘ટાટા સંસ’માં વિલીનીકરણ સામેલ છે. એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે આ મર્જર પછી બનનારી નવી એન્ટિટી ‘નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની’ (NBFC) અથવા ‘કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની’ની કેટેગરીમાં નહીં રહે, અને તે એક ખાનગી કંપની તરીકે યથાવત રહી શકશે.
મહારાષ્ટ્રના ચેરિટી કમિશનર અમોઘ શ્યામકાંત કાલોટી દ્વારા ટૂંક સમયમાં જ SDTT ના આ મામલે ચુકાદો આપવામાં આવે તેવી સંભાવના છે. આ નિર્ણયથી ટાટા ગ્રુપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી નેતૃત્વ સંબંધિત અનિશ્ચિતતા અને અટકળોનો અંત આવી શકે છે, કારણ કે આરબીઆઈ (RBI) ના નિયમ મુજબ કોઈપણ ‘અપર-લેયર’ એનબીએફસી માટે માર્કેટમાં લિસ્ટ થવું અનિવાર્ય છે.
