વાહનચાલકો સાવધાન! નંબર પ્લેટની સાથે આ સ્ટિકર પણ ફરજિયાત, નહીં તો થશે મોટો દંડ
જો તમે રોજિંદા કામ માટે કે ઓફિસ આવવા-જવા માટે કાર કે મોટરસાઇકલનો ઉપયોગ કરો છો, તો હવે તમારે માત્ર વાહનની નંબર પ્લેટ પર જ નહીં, પરંતુ બીજી એક અત્યંત મહત્વની બાબત પર પણ પૂરતું ધ્યાન આપવું પડશે. વાહનમાં હાઇ-સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) હોવી તો જરૂરી છે જ, પરંતુ તેની સાથે વાહનના આગળના કાચ (વિન્ડશિલ્ડ) પર કલર-કોડેડ ‘થર્ડ રજિસ્ટ્રેશન સ્ટિકર’ લગાવવું પણ હવે કાયદાકીય રીતે ફરજિયાત છે. જો તમારી ગાડી પર આ સ્ટિકર નહીં હોય, તો તમારે ભારેખમ દંડ ચૂકવવો પડી શકે છે, જે હજારો રૂપિયા સુધી પહોંચી શકે છે. તેથી, રસ્તા પર વાહન લઈને નીકળતા પહેલા ખાતરી કરી લો કે તમારી ગાડી પર આ સ્ટિકર યોગ્ય જગ્યાએ લાગેલું છે કે નહીં.

આ ‘થર્ડ રજિસ્ટ્રેશન સ્ટિકર’ એટલે શું?
સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે આ ‘થર્ડ રજિસ્ટ્રેશન સ્ટિકર’ અથવા જેને ‘ફ્યુઅલ સ્ટિકર’ પણ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં શું છે? આ એક ખાસ પ્રકારનું કલર સ્ટિકર છે જે વાહનના ફ્રન્ટ વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર અંદરની બાજુએ લગાવવામાં આવે છે. આ સ્ટિકરમાં તમારા વાહનમાં વપરાતા ઇંધણ (પેટ્રોલ, ડીઝલ કે CNG) અંગેની માહિતી છાપેલી હોય છે. ટ્રાફિક પોલીસ કે ઓથોરિટી આ સ્ટિકર જોઈને દૂરથી જ વાહનના પ્રકાર અને તેમાં વપરાતા ઇંધણની સરળતાથી ઓળખ કરી શકે છે.
સ્ટિકર ન હોવા પર કેટલો દંડ ફટકારવામાં આવે છે?
સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ ડ્રાઇવર પાસે આ કલર-કોડેડ સ્ટિકર ન હોય, તો તેને કેટલો દંડ થઈ શકે? મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર વ્હીકલ પર આ સ્ટિકર વગર વાહન ચલાવવા બદલ સખત દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વાહનચાલક પ્રથમ વખત આ નિયમ ભંગ કરતા પકડાય, તો તેને રૂ. ૫,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જો કોઈ વારંવાર આ નિયમની અવગણના કરે અથવા રીપીટ ઓફેન્સ નોંધાય, તો આ દંડની રકમ વધીને રૂ. ૧૦,૦0૦ સુધીની થઈ શકે છે.
કયા વાહન માટે કયા રંગનું સ્ટિકર જરૂરી છે?
સરકાર દ્વારા વાહનમાં વપરાતા ઈંધણના આધારે સ્ટિકરના રંગો નક્કી કરવામાં આવ્યા છે, જેથી વાહનની ઓળખ એક નજરમાં થઈ શકે. કયા પ્રકારના વાહન કે ઇંધણ માટે કયા રંગનું સ્ટિકર લાગુ પડે છે તેની વિગતો નીચે મુજબ છે:
આસ્માની (Light Blue) રંગ: આ રંગનું સ્ટિકર પેટ્રોલ અને CNG ઇંધણથી ચાલવું વાહનો માટે છે.
કેસરી (Orange) રંગ: ડીઝલથી ચાલતી ગાડીઓ અને વાહનો માટે કેસરી રંગનું સ્ટિકર ફરજિયાત છે.
લીલો (Green) રંગ: આ રંગનું સ્ટિકર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે નિર્ધારિત છે.
ગ્રે (Grey) રંગ: અન્ય પ્રકારના ઈંધણ કે વૈકલ્પિક ઉર્જાથી ચાલતા વાહનો માટે ગ્રે રંગનું સ્ટિકર વપરાય છે.

BS-6 વાહનો માટે સ્ટિકરની શું ખાસિયત છે?
આધુનિક વાહનોની બાબતમાં નિયમો થોડા વધુ સ્પષ્ટ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, BS-6 (BS-VI) ધોરણોનું પાલન કરતા પેટ્રોલ, ડીઝલ અને CNG વાહનોના સ્ટિકરમાં ઉપરના ભાગે ૧ સેન્ટિમીટર પહોળી લીલી પટ્ટી (Green Strip) આપવામાં આવે છે. આ પટ્ટી દ્વારા વાહનના ઉત્સર્જન ધોરણો (Emission Standards)ની સરળતાથી ઓળખ થઈ શકે છે. તેથી, જો તમારા વાહન પર આ પ્રકારનું અપડેટેડ સ્ટિકર ન હોય, તો ટ્રાફિક ચલાનથી બચવા માટે તુરંત જ અધિકૃત કેન્દ્રમાંથી તમારી ગાડી માટે યોગ્ય સ્ટિકર મેળવી લેવું હિતાવહ છે.
