ઈરાન સાથે યુદ્ધની શરૂઆત કોણે કરાવી? ટ્રમ્પે રક્ષા સચિવ પીટ હેગસેથ તરફ આંગળી ચીંધી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે ચાર અઠવાડિયા વીતી ગયા છે, ત્યારે વોશિંગ્ટનના રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા છે કે આ આક્રમક સૈન્ય કાર્યવાહીનો નિર્ણય વાસ્તવમાં કોનો હતો? ટેનેસીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સૂચવ્યું કે ઈરાન પર હુમલો કરવાનો વિચાર તેમના રક્ષા સચિવ પીટ હેગસેથનો હતો. આ ટિપ્પણી બાદ હવે ટ્રમ્પ પોતાના જ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીને કઠેડામાં ઉભા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નિર્ણય લેવાની પ્રક્રિયા પર ઉઠતા સવાલો
ટ્રમ્પે યુદ્ધની શરૂઆતની ક્ષણોને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે ઓપરેશનને મંજૂરી આપતા પહેલા અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “મેં પીટને ફોન કર્યો, જનરલ કેન સાથે વાત કરી અને અમારા અન્ય મહાન લોકો સાથે ચર્ચા કરી.” જોકે, ટ્રમ્પે ખાસ કરીને હેગસેથનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પીટ, મને લાગે છે કે તમે જ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ચાલો આ કરીએ, કારણ કે આપણે તેમને પરમાણુ હથિયાર બનાવવા ન દઈ શકીએ.'”
ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ હુમલાઓ હવે પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાઈ ગયા છે. અમેરિકી અધિકારીઓ આ અભિયાનને ઈરાનના મિસાઇલ પ્રોગ્રામ અને ડ્રોન ઉત્પાદન ક્ષમતાને નષ્ટ કરવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.
પ્રશાસનમાં આંતરિક વિખવાદ અને રાજીનામા
યુદ્ધના આક્રમક વલણને લઈને ટ્રમ્પ પ્રશાસનમાં પહેલેથી જ ભાગલા જોવા મળી રહ્યા છે. અહેવાલો મુજબ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, જેઓ વિદેશી સૈન્ય હસ્તક્ષેપના ટીકાકાર રહ્યા છે, તેઓ આ અભિયાનથી બહુ ઉત્સાહિત નહોતા. બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને મીડિયા મોગલ રુપર્ટ મર્ડોક જેવા પ્રભાવશાળી વ્યક્તિઓ સૈન્ય કાર્યવાહીના પક્ષમાં હોવાનું મનાય છે.
આ વિવાદની અસર એટલી ગંભીર રહી છે કે નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના પૂર્વ વડા જો કેન્ટે આ સંઘર્ષને મુદ્દે ગયા અઠવાડિયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. સંઘર્ષના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઈરાન, લેબનોન અને ઈઝરાયેલના નાગરિકો સહિત 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.
Trump blames Hegseth for the war: “Pete, I think you were the first one to speak up. You said, ‘Let’s do it.'” pic.twitter.com/QBGeFuhM1M
— Aaron Rupar (@atrupar) March 23, 2026
શાંતિની શોધ કે માત્ર સમયની રમત?
એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથે વાતચીતની શક્યતાઓ પણ તપાસી રહ્યું છે. ટ્રમ્પે ઈરાન માટેની સમયમર્યાદા વધુ પાંચ દિવસ લંબાવી છે જેથી મુત્સદ્દીગીરી (Diplomacy) માટે સમય મળી રહે. જોકે, ઈરાનના અધિકારીઓએ આવી કોઈપણ વાતચીતનો ઈન્કાર કર્યો છે. રક્ષા સચિવ પીટ હેગસેથે આ ઓપરેશનની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે, આ મિશન અત્યારે યોગ્ય માર્ગ પર છે અને તેનો અંત ક્યારે લાવવો તે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પનો રહેશે.
