“પ્રેમથી હોય કે બળપૂર્વક, ગ્રીનલેન્ડ અમારી પાસે રહેશે” ટ્રમ્પનું ડેનમાર્કને કડક સંદેશ, ચીન-રશિયાનું નામ લઈ ચેતવણી
વોશિંગ્ટન ડી.સી.: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ફરી એક વખત આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું છે કે અમેરિકા ગ્રીનલેન્ડ પર પોતાનું નિયંત્રણ રાખશે ચાહે તે સહમતિથી થાય કે બળપૂર્વક. ટ્રમ્પે દાવો કર્યો કે જો અમેરિકા ગ્રીનલેન્ડ અંગે પગલાં નહીં ભરે, તો રશિયા અથવા ચીન તે વિસ્તાર પર કબ્જો કરી શકે છે, જે અમેરિકા માટે સ્વીકાર્ય નથી.
તેલ અને ગેસ ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિઓ સાથેની બેઠક દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું. તેમણે યુરોપિયન દેશોને ચેતવણી આપતાં કહ્યું કે ગ્રીનલેન્ડ વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
“અમે કંઈક કરીશું, ભલે તેમને ગમે કે ન ગમે”
ગ્રીનલેન્ડ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું,
“અમે ગ્રીનલેન્ડ બાબતે કંઈક જરૂર કરીશું ભલે તેમને ગમે કે ન ગમે. જો અમે નહીં કરીએ, તો રશિયા અથવા ચીન ત્યાં કબ્જો કરી લેશે, અને અમને એ નથી જોઈએ કે રશિયા કે ચીન અમારા પડોશી બને.”
તેમણે વધુમાં ઉમેર્યું,
“હું આ કામ પ્રેમથી કરવા માગું છું, પરંતુ જો તે સરળતાથી શક્ય ન બને, તો બળપૂર્વક પણ કરવું પડશે.”
ડેનમાર્ક પર ટિપ્પણી: “માત્ર નામ આપવાથી માલિકી મળતી નથી”
ડેનમાર્ક વિશે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ડેનમાર્કના પ્રશંસક છે અને દેશે તેમના સાથે સારો વ્યવહાર કર્યો છે, પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,
“માત્ર 500 વર્ષ પહેલાં કોઈ સ્થળને નામ આપી દેવાથી તેની માલિકી મળતી નથી.”
આ નિવેદન ડેનમાર્ક માટે સીધી ટીકા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનું અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે.
રશિયા-ચીનની સૈન્ય હાજરીનો ઉલ્લેખ
ટ્રમ્પે દાવો કર્યો કે ગ્રીનલેન્ડની આસપાસ રશિયન અને ચીની સૈન્ય ગતિવિધિઓ વધી રહી છે.
“ગ્રીનલેન્ડની આસપાસ રશિયન ડેસ્ટ્રોયર, ચીની યુદ્ધજહાજો અને વિશાળ રશિયન સબમરીન જોવા મળે છે. અમે આને અવગણી શકતા નથી,” તેમણે કહ્યું.
“માલિકી અને ભાડે રાખવામાં મોટો ફરક છે”
જ્યારે પૂછવામાં આવ્યું કે માત્ર સૈન્ય હાજરી વધારવાથી કામ ન ચાલે? ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો,
“માલિકી હક્કોને અલગ રીતે સુરક્ષિત કરવામાં આવે છે. ભાડે રાખેલી જમીનને તમે એ રીતે સુરક્ષિત નથી કરતા જેમ પોતાની જમીનને કરો છો. માલિક બનવું જરૂરી છે.”
નાટો પર પણ ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે નાટો (NATO) મુદ્દે પણ પોતાની ભૂમિકા ઉજાગર કરતાં કહ્યું,
“હું નાટોનો મોટો સમર્થક છું. જો હું ન હોત, તો કદાચ નાટો અસ્તિત્વમાં જ ન હોત. નાટોએ સમજવું જોઈએ કે ગ્રીનલેન્ડ વૈશ્વિક સુરક્ષાનો મુદ્દો છે.”
કુદરતી સંસાધનોને લઈને મહત્વ
ઉલ્લેખનીય છે કે ગ્રીનલેન્ડ ખનિજ સંપત્તિથી ભરપૂર છે. અહીં રેર અર્થ મિનરલ્સ, યુરેનિયમ અને લોખંડ જેવા મહત્વપૂર્ણ કુદરતી સંસાધનો ઉપલબ્ધ છે, જે વૈશ્વિક શક્તિઓ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાય છે.

