જર્મની સુધી ગુંજેલી પ્રાકૃતિક ખેતીની ગાથા, માસ્ટર ટ્રેનર બની ૨૭ ગામોમાં ફેલાવ્યો જાગૃતિનો સંદેશ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ધરમપુર ગામના ખેડૂત બદ્રીભાઈ સોમાભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે ધરતી માતાની તંદુરસ્તી જ માનવજાતની સમૃદ્ધિનો સાચો પાયો છે. છેલ્લા ૩૦ વર્ષથી તેઓ પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેમની આ સફર ૧૯૮૫માં એક લેખ વાંચ્યા પછી શરૂ થઈ હતી અને ૧૯૯૬થી તેમણે પોતાના ભાઈઓ સાથે મળીને ૨૮ વિઘા જમીનમાં કુદરતી પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યું. આજે તેઓ ‘આત્મા’ પ્રોજેક્ટ સાથે જોડાઈને વૈજ્ઞાનિક ઢબે કૃષિ કરી રહ્યા છે.
રાસાયણિક મુક્ત ખેતીથી જમીનની ફળદ્રુપતામાં થયો મોટો વધારો
રાસાયણિક ખાતરોને કારણે જમીન બંજર બનતી હોવાની ચિંતા બદ્રીભાઈને સતાવતી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ તેમની જમીનમાં અળસિયા અને ઉપયોગી બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું છે, જેનાથી જમીન છિદ્રાળુ બની છે. આ ફેરફારને કારણે વરસાદનું પાણી જમીનમાં વધુ ઉતરે છે અને કૂવાના પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે. વર્ષ ૨૦૨૫ના જમીન પરીક્ષણમાં તેમનો ઓર્ગેનિક કાર્બન ૧.૩૦ નોંધાયો છે, જે જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાની જીવતીજાગતી સાબિતી છે.
મૂલ્યવર્ધન દ્વારા ખેતીને વ્યવસાય સાથે જોડવાનો નવો અભિગમ
બદ્રીભાઈ પોતાની જમીન પર દીવેલા, તુવેર, કપાસ, અડદ અને મગ જેવા પાકો લે છે. તેઓ માત્ર પાક પકવતા જ નથી, પણ તેનું ‘મૂલ્યવર્ધન’ પણ કરે છે. તેઓ મગ અને તુવેરની દાળ બનાવીને સીધું વેચાણ કરે છે, જેથી વચેટિયાઓનો નફો બચે અને ખેડૂતને પૂરા પૈસા મળે. હવે તેઓ દીવેલામાંથી તેલ (કેસ્ટર ઓઈલ) કાઢવાનો પ્લાન્ટ નાખી ખેતીને ઉદ્યોગ સાથે જોડવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
જર્મની સુધી ગૂંજ્યા બદ્રીભાઈના પ્રયોગો અને સામાજિક સેવાની સુવાસ
બદ્રીભાઈની ખેતીની પદ્ધતિની નોંધ વિદેશમાં પણ લેવાઈ છે. વર્ષ ૨૦૦૦માં જર્મન સરકારે તેમને એક ખાસ કાર્યક્રમમાં વક્તા તરીકે આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત તેમને ભારત અને ગુજરાત સરકાર તરફથી અનેક એવોર્ડ મળ્યા છે. તેઓ પોતે સમૃદ્ધ થયાની સાથે ૧૩ થી વધુ ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી મુક્ત કરાવી પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. ૨૭ ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી તેઓ હજારો ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે.

