વલસાડ જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ, તા. ૩૦ જાન્યુ.થી ૧૩ ફેબ્રુ. સુધી સ્પર્શ અભિયાન યોજાશ

3 Min Read

રકતપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પીટલમાં વિનામૂલ્યે કરી શકાય છે

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા અધિક કલેક્ટર શ્રી એમ.ડી.ચુડાસમાની અધ્યક્ષતામાં તા.૨૮ જાન્યુઆરીના રોજ સાંજે ૬ કલાકે “સ્પર્શ-રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનના અંગે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રીએ વલસાડ જિલ્લાના રક્તપિત્ત દર્દીઓની સંખ્યા, રક્તપિત્ત થવાના કારણો અને લક્ષણો અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિસ્તૃતમાં જાણકારી મેળવી, જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે ઝીણવટભર્યા આયોજન અને સફળતા સાથે જિલ્લા-તાલુકા સહિત ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળા-આરોગ્ય કેન્દ્ર ખાતે નાગરિકો માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અધિક કલેકટરશ્રીએ જણાવ્યુ હતું. જિલ્લામાં યોજાનારા સ્પર્શ-રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાનમાં લોકોની સહભાગીદારીતા માટે અધિક કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
ઈન્ચાર્જ જિલ્લા લેપ્રસી અધિકારીશ્રી ડો. સંજયકુમારે બેઠકમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન શરૂ થનાર છે. ત્યારે ભારતને રકતપિત્તમાંથી મુકત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. વધુમાં જનજાગૃતિ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવનાર છે. જેમાં સ્કૂલ ક્વિઝ/રોલ પ્લે/આરોગ્ય તપાસણી, એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન, રક્તપિત્ત બેનર વિતરણ, પપેટ શો, રક્તપિત્ત અંગે જાગૃતિ માટે પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા અને ગ્રામસભા સહિત જનજાગૃતિ રેલી પણ યોજાશે.

valsad11.jpg
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પર્શ લેપ્રશી અવેરનેશ કેમ્પઈન-૨૦૨૬ અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ (દિન- ૧૪) દરમિયાન “સ્પર્શ લેપ્રશી અવેરનેસ કેમ્પેઇન- SLAC” યોજાશે. વર્ષ ૨૦૨૬ની થીમ “Ending Discrimination, Ensuring Dignity” રહેશે. જેમાં સ્કુલ ક્વીઝ, રોલ પ્લે, આરોગ્ય તપાસણી, રકતપિત્ત બેનર વિતરણ, પપેટ શો, રક્તપિત્ત અંગે જાગૃતિ માટે પત્રિકા વિતરણ, જુથ ચર્ચા સહિત પ્રદર્શન જેવી પ્રવૃતિઓ થનાર છે.
આ બેઠકમાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘ, એપેડમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલ, લેપ્રસી મેડિકલ ઓફિસર ડો.અશોક સિંઘ, જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારીશ્રી પંકજભાઈ પટેલ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યશ્રીઓ હાજર રહ્યાં હતા.
બોક્ષ મેટર
રકતપિત્ત એ વારસાગત નથી પરંતુ બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે
રકતપિત્ત પૂર્વજન્મના પાપ, શ્રાપનું ફળ કે વારસાગત નથી. રકતપિત્ત એ બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે. જે કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રકતપિત્ત હોઈ શકે છે. રકતપિત્ત કોઈપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિના વિકૃત ચોક્કસ મટી શકે છે. રકતપિત્તનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પીટલમાં વિનામૂલ્યે કરી શકાય છે.

- Advertisement -
Share This Article