ખેતરથી સીધું ગ્રાહક સુધી: પારડી તાલુકામાં પ્રાકૃતિક ખેતીની હેલ્ધી પ્રોડક્ટ્સનું અનોખું આઉટલેટ બન્યું આકર્ષણ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ઉદવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત કાંતિલાલ મકરાણી (ટંડેલ)એ ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. સામાન્ય રીતે રસ્તા પર કપડાં કે શૂઝના આઉટલેટ જોવા મળતા હોય છે, પરંતુ અમિતભાઈએ દમણ-પાતલિયા રોડ પર કલસર ચાર રસ્તા પાસે પ્રાકૃતિક ખેતીની પેદાશોનું ખાસ આઉટલેટ શરૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
મૂલ્યવર્ધનથી આર્થિક સમૃદ્ધિ તરફ
અમિતભાઈ માત્ર ખેતી નથી કરતા, પરંતુ પોતાની પેદાશોનું પ્રોસેસિંગ પણ જાતે જ કરે છે:
-
વૈવિધ્યસભર ખેતી: ૩ એકર જમીનમાં હળદર, રીંગણ, ડાંગર, મગ, તુવેર અને જુવાર જેવા પાકો લેવામાં આવે છે.
-
વેલ્યુ એડિશન (મૂલ્યવર્ધન): હળદરના પાકને વેચવાને બદલે મશીન દ્વારા તેનો શુદ્ધ પાવડર બનાવી પેકિંગમાં વેચે છે. આ ઉપરાંત નાગલી, મોરીયો અને વરઈની ખેતી કરી તેના પાપડ અને લોટનું પણ વેચાણ કરે છે.
-
આઉટલેટની વિશેષતા: લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં ચોખા, ગોળ, અજમાનું પાણી અને વિવિધ પ્રકારના કઠોળ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે.
ઘનજીવામૃત: કિચન ગાર્ડન અને વાડીઓ માટે આશીર્વાદ
શહેરી લોકો અને ગાય વગરના ખેડૂતો માટે અમિતભાઈએ ખાસ ઘનજીવામૃત બનાવવાનું શરૂ કર્યું છે:
૧. ૨૦ પેરામીટરનો સમાવેશ: ગાયના ગોબર સાથે ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, સોડિયમ અને ઝીંક જેવા ૨૦ તત્વો ભેળવીને આ ખાતર તૈયાર થાય છે.
૨. માંગ: આંબાની કલમો અને બગીચા માટે આ ખાતરની ભારે માંગ છે. ૪૦ કિલોની બેગ ₹૫૦૦ના ભાવે વેચાય છે.
૩. સરકારી સહાય: ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ તેમને મોડલ ફાર્મ બનાવવા માટે ₹૧૮,૫૦૦ની સહાય મળી છે.

