શેરડીના પાકને બચાવવા ટ્રાયકોગામા ઉપયોગ સહિતના સંકલિત પગલાં લેવા ખેતીવાડી ખાતાનો સંદેશ
વલસાડ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા શેરડીના પાકમાં આવતી ડૂંખ વેધક, ટોચ વેધક, મૂળ વેધક અને આંતરગાંઠ વેધક જેવી નુકસાનકારક જીવાતોના અસરકારક નિયંત્રણ માટે ખેડૂતોને મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. પાકની ગુણવત્તા અને ઉત્પાદન જાળવી રાખવા માટે નીચે મુજબના પગલાં લેવા અનુરોધ કરાયો છે.
કૃષિ પદ્ધતિ અને નિવારક પગલાં
જીવાતનો ઉપદ્રવ શરૂઆતથી જ અટકાવવા માટે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:
-
બિયારણ અને વાવેતર: હંમેશા જીવાત મુક્ત તંદુરસ્ત બિયારણની પસંદગી કરવી અને શેરડીનો એકથી વધુ વાર બડઘા પાક લેવાનું ટાળવું.
-
જળ વ્યવસ્થાપન: ખેતરમાં વધારાના પાણીના નિકાસ માટે યોગ્ય નીતારની વ્યવસ્થા કરવી.
-
મોજણી: જીવાતની હાજરી જાણવા માટે પ્રકાશપિંજર અને ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો.
-
યાંત્રિક નિયંત્રણ: વેધકોના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા ઉપદ્રવવાળા છોડને ઈયળ સહિત દૂર કરવા.
ટ્રાયકોકાર્ડ દ્વારા જૈવિક નિયંત્રણ
નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ટ્રાયકોગામા પરજીવી ભમરીનો ઉપયોગ શેરડીના વેધકો માટે રામબાણ ઈલાજ છે:
-
ઉપયોગની રીત: એક હેક્ટર દીઠ ૨ થી ૩ ટ્રાયકોકાર્ડના ૮ ભાગ કરી ૧૫x૧૫ મીટરના અંતરે પાનની નીચે સ્ટેપલ કરવા.
-
સાવચેતી: કાર્ડને સીધો સૂર્યપ્રકાશ ન લાગે તે રીતે સવાર કે સાંજે ગોઠવવા. દર ૧૫ દિવસે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવું.
-
ખાસ નોંધ: ટ્રાયકોગામા છોડવાના એક અઠવાડિયા પહેલા અને પછી કોઈ પણ રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ કરવો નહીં.
રાસાયણિક નિયંત્રણની ભલામણો
જો જીવાતનો ઉપદ્રવ વધુ જણાય, તો જમીનમાં નીચે મુજબની દવાઓ પાળા ચઢાવતી વખતે આપવી:
-
ફિપ્રોનીલ ૦.૩૦% જીઆર: ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર.
-
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦% જીઆર: ૧૮.૭૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને દવાના વપરાશ વખતે લેબલ પરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને પર્યાવરણને અનુકૂળ જૈવિક પદ્ધતિઓને પ્રાથમિકતા આપવા જણાવવામાં આવ્યું છે.

