“હર ઘર સ્વદેશી” મંત્રને સાકાર કરતો વલસાડનો સ્વદેશી મેળો, સ્થાનિક હસ્તકલા અને મિલેટ્સ ઉત્પાદનોને મળ્યો ઉત્તમ પ્રતિસાદ
વલસાડ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો ૨૦૨૬’ તાજેતરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો. ૨૪ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી ચાલેલા આ સાત દિવસીય મેળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર સ્વદેશી” અને “સર્જનથી સમૃદ્ધિ”ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. આ મેળામાં ભાગ લેનારી મહિલાઓએ માત્ર એક અઠવાડિયામાં જ ૯ લાખ રૂપિયાથી વધુનો વેપાર કરીને નારી સશક્તિકરણનું શાનદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકોએ પણ સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવામાં ભારે રસ દાખવ્યો હતો.
સખીમંડળની બહેનો દ્વારા હસ્તકલા અને ઘરેલું ઉત્પાદનોનું વેચાણ
મેળામાં આશરે ૫૦ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં સખીમંડળની બહેનોએ ઘરે બનાવેલી વસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓનું પ્રદર્શન તથા વેચાણ કર્યું હતું. ધરમપુરના યોગીતાબેને નાગલીના બિસ્કિટ અને લસણની ચટણી જેવી પૌષ્ટિક વસ્તુઓ વેચીને ૧૨ હજાર રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે, પરંપરાગત વાનગીઓ આજે પણ બજારમાં કેટલી લોકપ્રિય છે તે સાબિત થયું છે. કિંજલબેન અને ઉર્વશીબેન જેવા કલાકારોએ હાથથી બનાવેલી બંગડીઓ અને જ્વેલરી વેચીને પણ સારી આવક મેળવી હતી અને વિનામૂલ્યે સ્ટોલ આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો.
શુદ્ધ આહાર અને પર્યાવરણ લક્ષી ચીજવસ્તુઓનું આકર્ષણ
સીબી સ્કૂલ ગ્રાઉન્ડ પાસે યોજાયેલા આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર લસણની ચટણી, અથાણાં અને ખાસ કરીને મિલેટ્સ (જાડા ધાન) માંથી બનેલી મીઠાઈઓ અને નાગલીના પાપડની ધૂમ ખરીદી થઈ હતી. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી વસ્તુઓ જેવી કે લીમડા અને ચંદનમાંથી બનેલા કુદરતી કોસ્મેટિક્સ તથા વાંસમાંથી બનાવેલી ઘર સજાવટની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ મેળાએ મહિલા કારીગરોનો આત્મવિશ્વાસ વધાર્યો છે અને સ્વદેશી અભિયાનને વધુ વેગ આપ્યો છે.

