નિર્દોષ બાળકી માટે ન્યાય: 18 મહિના પછી વાપી કેસમાં ગુનેગારને ફાંસી અને 17 લાખનું વળતર
વાપીમાં શ્રમજીવી પરિવારમાં જન્મેલી માત્ર 6 વર્ષની બાળકી પર થયેલા અમાનવીય અત્યાચાર અને હત્યાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા સંભળાવી છે. 42 વર્ષના આ આરોપીને તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો છે. 18 મહિનાથી ન્યાય માટે રાહ જોઈ રહેલા પીડિત પરિવારે આ ચુકાદાને પોતાની દીકરી માટે મળેલો સાચો ન્યાય ગણાવ્યો છે. સમગ્ર કેસ દરમિયાન પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી સુનાવણીની વખાણ થઈ રહ્યા છે.
ઘટનાનું હૃદયદ્રાવક વર્ણન
23 ઓક્ટોબર 2023ના રોજ આ નિર્દોષ બાળકી બહાર રમવા માટે ગઇ હતી. એ સમયે આ વિસ્તારનો રહેવાસી આરોપી રઝાક તેને ચોકલેટ આપવાની લાલચ બતાવી નજીકની ઝાડીઓ તરફ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર અત્યાચાર કર્યો અને નિર્દોષના વિરોધને કારણે તેની હત્યા કરી નાખી હતી. બાળકીને ગળું દબાવી મારી નાંખવામાં આવી અને તેના શરીરને ઝાડીમાં જ છોડી દેવામાં આવ્યું હતું. આ દ્રશ્યે આખા વાપી વિસ્તારમાં શોક અને રોષ છવાઈ ગયો હતો.
પોલીસે ઝડપી તપાસ ચલાવી, પુરાવાઓથી આરોપી સુધી પહોંચ્યું
ઘટનાની જાણ થતાં જ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ આપેલા નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને ઘટનાસ્થળના પુરાવાઓના આધારે પોલીસે ટૂંકા સમયમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી. ધરપકડ વખતે આરોપી પોતાના કપડાં બદલી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને કાબૂમાં લીધો હતો. તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી નજીક જ રહેતો હતો અને બાળકીને થોડા સમયથી ઓળખતો હતો.
કોર્ટનો કડક અભિગમ અને સજા જાહેર
કેસની તમામ વિગતોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટે આ ગુનાને “અત્યંત ક્રુર અને માનવતા વિરુદ્ધ” ગણાવ્યો હતો. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારવાનું જાહેર કર્યું, જેથી આવા ગુનાખોરો માટે કડક સંદેશો મોકલાઈ શકે. સાથે જ પીડિત બાળકીના પરિવારે સહાયરૂપ બને તે માટે 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચુકાદાને સમાજમાં નાબાલિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

