શું તમે પણ સોપારી કે પાન મસાલો ખાઓ છો? અબજોપતિ બોલિવૂડ સ્ટાર્સની જાહેરાત પાછળનું કડવું સત્ય જાણી લો!
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બોલિવૂડ કલાકારો શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ‘વિમલ એલાયચી’ની જાહેરાત સંબંધિત શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાએ દેશમાં પાન મસાલા અને તંબાકુની ‘સરોગેટ એડવર્ટાઇઝિંગ’ (પરોક્ષ કે આડકતરી જાહેરાત) અંગે ફરી એકવાર ચર્ચા જગાડી છે. FDAનો આરોપ છે કે આ ઝુંબેશ વાસ્તવમાં વિમલ પાન મસાલાનું જ આડકતરી રીતે પ્રમોશન કરે છે, જે ઉત્પાદન પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ છે.
પરંતુ, આ માત્ર જાહેરાત કે કાયદાકીય વિવાદ પૂરતો સીમિત મુદ્દો નથી. તેની પાછળ ભારતનો એક ખૂબ જ ગંભીર જાહેર આરોગ્યનો પ્રશ્ન છુપાયેલો છે – તે છે ભારતમાં ઝડપથી વધી રહેલું મોઢાનું કેન્સર (Oral Cancer) અને તેમાં તંબાકુ તથા સોપારીની મુખ્ય ભૂમિકા.

ભારતમાં ઓરલ કેન્સરનો આંકડો ચિંતાજનક
‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર’ (IARC) ના GLOBOCAN રિપોર્ટ અનુસાર, ભારતમાં હોઠ અને મોઢાનું કેન્સર સૌથી વધુ જોવા મળતા કેન્સરમાંનું એક છે. ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરમાં ઓરલ કેન્સર પ્રથમ ક્રમે આવે છે, જ્યારે એકંદર તમામ કેન્સરમાં તે ટોચના ત્રણમાં સ્થાન ધરાવે છે.
આ જોખમ માત્ર સિગારેટ કે બીડી પીવાથી જ નથી ઊભું થતું. ભારતમાં ગુટખા, ખૈની, જરદા, માવો અને તંબાકુવાળું પાન જેવા ધૂમ્રપાન રહિત તંબાકુ (Smokeless Tobacco) ઉત્પાદનોનો વપરાશ ખૂબ વધારે છે. આ તમામ ચીજો મોઢાના કોષોને સીધા કેન્સર સર્જતા કાર્સિનોજેનિક ઘટકોના સંપર્કમાં લાવે છે. IARC નોંધે છે કે ધૂમ્રપાન રહિત તંબાકુનો ઉપયોગ જેટલો વધુ અને લાંબા સમય સુધી કરવામાં આવે, ઓરલ કેન્સરનું જોખમ તેટલું જ ગુણાંકમાં વધતું જાય છે.
સોપારી નિર્દોષ નથી: તે પોતે જ એક કેન્સરકારક પદાર્થ છે
ઘણા લોકો એવું માને છે કે જો ઉત્પાદનમાં તંબાકુ ન હોય અને માત્ર ‘સોપારી’ (Areca Nut) હોય, તો તે નુકસાનકારક નથી. પરંતુ આ એક મોટી ભૂલ ભરેલી માન્યતા છે.
IARC દ્વારા સોપારીને ‘ગ્રુપ-૧ કાર્સિનોજન’ (Group 1 Carcinogenic) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આનો અર્થ એ થાય છે કે સોપારી પોતે પણ મનુષ્યમાં કેન્સર પેદા કરવા માટે વિજ્ઞાન દ્વારા સાબિત થયેલો પદાર્થ છે.
સોપારી ખાવાથી મોઢામાં ‘ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ’ (OSMF) જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિમાં મોઢાની અંદરની ત્વચા કડક થઈ જાય છે, જેના કારણે વ્યક્તિ મોઢું પૂરતું ખોલી પણ શકતી નથી. દક્ષિણ એશિયામાં ઓરલ કેન્સર અટકાવવા માટે માત્ર સ્મોકિંગ રોકવું પૂરતું નથી, પરંતુ સોપારી અને ધૂમ્રપાન રહિત તંબાકુ પર પણ નિયંત્રણ મેળવવું અનિવાર્ય છે.

તંબાકુ અને સોપારી મોઢાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
SSO હોસ્પિટલના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડો. અમિત ચક્રવર્તી જણાવે છે કે, “તંબાકુનો સતત વપરાશ મોઢાના પેશીઓને કેન્સર પેદા કરતા રસાયણોના સીધા સંપર્કમાં રાખે છે. મોટાભાગના લોકો ખૂબ જ ઓછી માત્રાથી શરૂઆત કરે છે, પરંતુ ધીમે ધીમે તેઓ તેના પર નિર્ભર બની જાય છે અને બાદમાં તેમને તેનું ગંભીર વ્યસન થઈ જાય છે.”
ગુટખા, ખૈની કે માવા જેવા પદાર્થો પેઢાં, ગાલની અંદરનો ભાગ, જીભ અને તાળવાને નુકસાન પહોંચાડે છે. લાંબા ગાળાના સંપર્કથી કાર્સિનોજેનિક પદાર્થો કોષોના ડીએનએ (DNA)ને ક્ષતિગ્રસ્ત કરે છે, જેનાથી અસામાન્ય ફેરફારો થાય છે.
સોપારી વિશે વાત કરતા ડો. ચક્રવર્તી ઉમેરે છે કે, “સોપારીમાં રહેલું સક્રિય સંયોજન ‘એરેકોલાઇન’ (Arecoline) ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને જીનોમિક અસ્થિરતા પેદા કરવા માટે જવાબદાર છે, જે કેન્સરના કોષો બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.”
TGH ઓન્કો લાઈફ કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડો. અભિષેક પુરકાયસ્થ વિગત આપતા કહે છે કે, લોકો અવારનવાર તંબાકુ કે પાન મસાલાને કલાકો સુધી મોઢામાં એક જગ્યાએ દબાવી રાખે છે. આમ કરવાથી હાનિકારક રસાયણો સતત મોઢાના કોષોના સંપર્કમાં રહે છે. સતત બળતરા અને સોજાના કારણે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થવા લાગે છે, જે પાછળથી કેન્સરમાં પરિણમે છે.
ઓરલ કેન્સરના શરૂઆતી લક્ષણો અને ચેતવણીઓ
ઓરલ કેન્સર શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ દુખાવો કે મોટા લક્ષણો વગર પણ વિકસી શકે છે. જો કે, તંબાકુ કે સોપારીનું સેવન કરતા લોકોએ નીચે મુજબના લક્ષણોને ક્યારેય અણદેખા ન કરવા જોઈએ:
મોઢામાં રુઝ ન આવતી હોય તેવી ચાંદી (Ulcer) કે ઘા
મોઢાની અંદર સફેદ કે લાલ રંગના ધબ્બા (Patches)
ગાલ કે જીભ પર ત્વચા જાડી થઈ જવી
મોઢામાં કોઈ અસામાન્ય ગંઠાઈ કે ઉપસેલો ભાગ દેખાવો
મોઢામાં સતત અસ્વસ્થતા કે દુખાવો થવો
ખોરાક ચાવવામાં કે ગળવામાં તકલીફ પડવી
મોઢું પૂરેપૂરું ખોલવામાં અસમર્થતા
મોઢાની અંદરના અસ્તરમાં બદલાવ આવવો
બચાવનો એક જ માર્ગ: વ્યસનમુક્તિ અને જાગૃતિ
નિષ્ણાતો સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવે છે કે ઓરલ કેન્સરના જોખમથી બચવા માટેનો સૌથી મહત્વનો અને સચોટ ઉપાય એ તંબાકુ અને સોપારીના તમામ સ્વરૂપોનો ત્યાગ કરવો છે. આ ઉપરાંત, ડેન્ટિસ્ટ કે ફિઝિશિયન પાસે મોઢાની નિયમિત તપાસ કરાવવાથી કોઈ પણ અસામાન્ય ફેરફારને શરૂઆતના તબક્કામાં જ ઓળખી શકાય છે.
ઓરલ કેન્સરની સારવાર કેન્સરના સ્ટેજ અને સ્થાન પર આધારિત હોય છે, જેમાં સર્જરી, રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અથવા ઇમ્યુનોથેરાપીનો ઉપયોગ થાય છે. ડો. પુરકાયસ્થના શબ્દોમાં કહીએ તો, “એ વાત હંમેશા યાદ રાખો કે તંબાકુમાં એવા ખતરનાક રસાયણો ભરેલા છે જે તમારા કોષોના DNA ને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે.”
