આંખોની આસપાસ પીળા ડાઘ કેમ થાય છે? જાણો તે કઈ બીમારીનો સંકેત હોઈ શકે
ઘણા લોકોની આંખોની આસપાસ હળવા પીળા રંગના નાના-નાના ઉપસેલા ડાઘા જોવા મળે છે. મોટેભાગે લોકો તેને સામાન્ય સ્કીન પ્રોબ્લેમ સમજીને અવગણતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, આ શરીરની અંદર ચાલી રહેલી કોઈ મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડો. અજીત જૈન જણાવે છે કે, આંખોની આસપાસ દેખાતા આ પીળા ડાઘા ઘણીવાર શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત હોય છે.
ઝેન્થેલાસ્મા (Xanthelasma) શું છે?
મેડિકલ ભાષામાં આ પીળા ડાઘાને ઝેન્થેલાસ્મા કહેવામાં આવે છે. જ્યારે ત્વચાની નીચે કોલેસ્ટ્રોલ જમા થવા લાગે ત્યારે આવું થાય છે. સામાન્ય રીતે આ આંખના ઉપરના કે નીચેના પોપચાની આસપાસ જોવા મળે છે.
આ સીધી રીતે “બેડ કોલેસ્ટ્રોલ” એટલે કે LDL વધવા સાથે જોડાયેલું હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં તે બગડેલી લિપિડ પ્રોફાઇલનો સંકેત આપે છે, જે આગળ જતાં હૃદયરોગનું કારણ બની શકે છે.
શું આ આંખની બીમારી છે?
ના, ઝેન્થેલાસ્મા પોતે આંખની બીમારી નથી. તે ત્વચા પર દેખાતો એક સંકેત માત્ર છે. પરંતુ તેને હળવાશથી લેવો યોગ્ય નથી, કારણ કે તે હાર્ટ ડિસીઝ (હૃદયરોગ) ના શરૂઆતી લક્ષણોમાંનું એક હોઈ શકે છે.
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જે લોકોમાં આ સમસ્યા હોય છે, તેમને ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે — ખાસ કરીને જો કોલેસ્ટ્રોલ લેવલ પહેલેથી જ વધારે હોય.
જો પીળા ડાઘ દેખાય તો શું કરવું?
જો તમારી આંખોની આસપાસ આવા ડાઘા દેખાય, તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લો. ખાસ કરીને જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય, તો તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.
આ ટેસ્ટ ચોક્કસ કરાવો:
- લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ (કોલેસ્ટ્રોલ તપાસવા માટે)
- બ્લડ શુગર (ડાયાબિટીસ) ટેસ્ટ
જો રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ વધેલું આવે, તો ડોક્ટર ખાનપાનમાં ફેરફાર અને જરૂર જણાય તો દવાઓની સલાહ આપી શકે છે.
સારવાર અને બચાવના ઉપાયો
- નિયમિતપણે લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવો.
- તળેલું અને વધુ તેલવાળું ખાવાનું ઓછું કરો.
- ફાઇબર અને લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લો.
- રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.
- જો લિપિડ પ્રોફાઇલ નોર્મલ હોય, તો ત્વચા રોગ નિષ્ણાત (Dermatologist) ને મળો.
શું આ જોખમી છે?
ઝેન્થેલાસ્મા પોતે જીવલેણ નથી, પરંતુ તે શરીરમાં વધતા કોલેસ્ટ્રોલ અને સંભવિત હૃદયરોગનો ઈશારો કરે છે. તેથી તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. સમયસર તપાસ, યોગ્ય ખાનપાન અને સક્રિય જીવનશૈલી અપનાવીને તમે આ સમસ્યાને નિયંત્રિત કરી શકો છો અને હૃદયને સ્વસ્થ રાખી શકો છો.

