શુગર લેવલ ઓછું થવું એ સાજા થવાની નિશાની નથી
માનવ શરીરમાં કિડની (મૂત્રપિંડ) અને બ્લડ શુગર (લોહીમાં શર્કરાનું પ્રમાણ) વચ્ચે એક અત્યંત ગાઢ અને સંવેદનશીલ સંબંધ રહેલો છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ડાયાબિટીસના કારણે કિડની ખરાબ થાય છે, જે તદ્દન સાચું છે. પરંતુ, શું તમે જાણો છો કે જ્યારે કિડનીની કાર્યક્ષમતા ધીમી પડી જાય છે અથવા ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નો સામનો કરવો પડે છે, ત્યારે દર્દીઓનું બ્લડ શુગર લેવલ અચાનક સામાન્ય કરતાં ઘણું નીચું ઉતરી જાય છે? તબીબી ભાષામાં આ સ્થિતિને ‘હાઈપોગ્લાયકેમિઆ’ કહેવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર બ્લડ શુગર અચાનક ઘટી જવાની આ સ્થિતિને ડાયાબિટીસ મટી જવાનો કે સ્વાસ્થ્ય સુધરવાનો સારો સંકેત માની લેવાની ભૂલ કરે છે, જે વાસ્તવમાં કિડનીની ગંભીર બીમારીનો ઈશારો હોઈ શકે છે.
ક્રોનિક કિડની ડિસીઝ (CKD) માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને હોર્મોન્સના સંતુલનને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે. થાણે સ્થિત કેઆઈએમએસ (KIMS) હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્વિસીસ સ્પેશિયાલિસ્ટ ડૉ. સુમીરન મહાજનના જણાવ્યા અનુસાર, જે દર્દીઓ ડાયાબિટીસથી પીડિત છે અને નિયમિતપણે ઇન્સ્યુલિન અથવા અન્ય ભારે દવાઓ લે છે, તેમના માટે કિડનીની સ્થિતિ બદલાતા જ બ્લડ શુગરનું ગણિત પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
કિડની ધીમી પડતાં ઇન્સ્યુલિન કેમ લાંબો સમય શરીરમાં રહે છે?
એક સ્વસ્થ અને સક્ષમ કિડની માત્ર લોહીને શુદ્ધ કરવાનું જ કામ નથી કરતી, પરંતુ તે શરીરમાં રહેલા ઇન્સ્યુલિન હોર્મોનને તોડવામાં (બ્રેકડાઉન કરવામાં) પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, જ્યારે શરીરમાં ગ્લુકોઝની અછત વર્તાય છે, ત્યારે કિડની જરૂરિયાત મુજબ નવું ગ્લુકોઝ ઉત્પન્ન કરીને લોહીમાં ભેળવે છે.
પરંતુ, જ્યારે કિડનીની કાર્યક્ષમતા નબળી પડે છે અથવા તે એન્ડ-સ્ટેજ (અંતિમ તબક્કા) ના રોગ તરફ આગળ વધે છે, ત્યારે તે ઇન્સ્યુલિનને શરીરમાંથી ઝડપથી બહાર કાઢી શકતી નથી. પરિણામે, બહારથી લેવાયેલું કે શરીરમાં ઉત્પન્ન થયેલું ઇન્સ્યુલિન લોહીમાં લાંબા સમય સુધી સક્રિય રહે છે. આ લાંબો સમય ટકી રહેલું ઇન્સ્યુલિન સતત ગ્લુકોઝનું સ્તર ઘટાડતું રહે છે, જેના કારણે દર્દીનું બ્લડ શુગર લેવલ અપેક્ષા કરતાં ખૂબ જ ઓછું થઈ જાય છે.
બદલાતી જીવનશૈલી અને દવાઓના ડોઝની બેદરકારી
ડૉ. સુમીરન મહાજન વધુમાં જણાવે છે કે, કિડનીના દર્દીઓમાં ભૂખ ન લાગવી, ઉબકા આવવા, વારંવાર ઉલટી થવી, કડક ખોરાક પર પ્રતિબંધો હોવા અને અચાનક વજન ઘટી જવું જેવી સમસ્યાઓ સામાન્ય છે. ઓછો ખોરાક લેવાને કારણે શરીરમાં કુદરતી રીતે જ શર્કરા ઓછી બને છે.
બીજી તરફ, જ્યારે દર્દીની કિડની નબળી પડી રહી હોય અને તેના શરીરની ઇન્સ્યુલિનની જરૂરિયાત બદલાઈ ગઈ હોય, છતાં તે જૂના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ ડાયાબિટીસની દવાઓ તે જ માત્રામાં લેવાનું ચાલુ રાખે છે, ત્યારે હાઈપોગ્લાયકેમિઆ એટલે કે લો-શુગરનું જોખમ અનેકગણું વધી જાય છે.
ગંભીર લક્ષણો અને બચવાના મહત્વના ઉપાયો
લોહીમાં શુગરનું સ્તર અચાનક ઘટી જવાથી શરીરમાં અતિશય પરસેવો થવો, હાથ-પગ ધ્રુજવા, અચાનક ચક્કર આવવા, ભારે થાક લાગવો, તીવ્ર ભૂખ લાગવી, માથાનો અસહ્ય દુખાવો થવો, આંખે ઝાંખપ આવવી અને માનસિક મૂંઝવણ અનુભવવી જેવા લક્ષણો દેખાય છે. જો આ લક્ષણો પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે અને તાત્કાલિક ગ્લુકોઝ ન આપવામાં આવે, તો દર્દી અર્ધબેભાન અવસ્થામાં સરી પડી શકે છે અથવા ચેતના ગુમાવી શકે છે.
આ ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે ડૉક્ટરે કેટલીક ખાસ ટિપ્સ આપી છે. કિડનીના દર્દીઓએ નિયમિત અંતરાલે (દરરોજ કે અઠવાડિયામાં નિયત દિવસોએ) ગ્લુકોમીટરની મદદથી બ્લડ શુગર ચેક કરતા રહેવું જોઈએ. ભોજનમાં લાંબો ગેપ ન રાખવો અને સમયસર પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જેમ જેમ કિડનીની બીમારી વધે, તેમ તેમ નેફ્રોલોજિસ્ટ અને ડાયાબિટીલોજિસ્ટની સલાહ લઈને ડાયાબિટીસની દવાઓના ડોઝમાં તાત્કાલિક ફેરફાર (એડજસ્ટમેન્ટ) કરાવો. અચાનક લો-શુગર થાય તો તેને ડાયાબિટીસ મટી ગયો હોવાનો ભ્રમ ન પાળતા, તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

