‘ટોપલેસ, બ્રેઈનલેસ અને શેમલેસ’: AI સમિટમાં કોંગ્રેસના પ્રદર્શન પર ભાજપ લાલચોળ, સંબિત પાત્રાના આકરા પ્રહાર
દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શને હવે રાજકીય યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આ ઘટનાને લઈને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ પ્રદર્શનને માત્ર રાજકીય વિરોધ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું છે.
આક્રોશ માત્ર ભાજપનો નહીં, સમગ્ર દેશનો છે: સંબિત પાત્રા
20 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સંબિત પાત્રા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટનાથી માત્ર ભાજપના કાર્યકર્તાઓ જ નહીં, પરંતુ ભારતની નવી પેઢી એટલે કે ‘GenZ’ માં પણ ભારે રોષ છે. તેમણે કહ્યું, “આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની નથી, પરંતુ ભારત વિરુદ્ધ એ શક્તિઓની છે જે ભારતની વધતી પ્રતિષ્ઠાને સહન કરી શકતી નથી. જ્યારે વિશ્વના મોટા નેતાઓ ભારત તરફ જોઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ગંદી રાજનીતિ કરી રહી છે.”
રાહુલ ગાંધીના નિવાસસ્થાને ઘડાયું ષડયંત્ર?
સંબિત પાત્રાએ એક સનસનીખેજ દાવો કરતા કહ્યું કે, સમિટમાં હોબાળો કરનાર ચારેય યુથ કોંગ્રેસના નેતાઓ પૂર્વ આયોજિત યોજના મુજબ અંદર ઘૂસ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ સોનિયા ગાંધીની હાજરીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને તૈયાર કરવામાં આવી હતી. પાત્રાના જણાવ્યા મુજબ, આ લોકો પ્રોપર રજીસ્ટ્રેશન કરાવીને અંદર ગયા હતા અને ત્યારબાદ અચાનક કપડાં ઉતારીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જે દેશની ગરિમા વિરુદ્ધ છે.
કોંગ્રેસ માટે ત્રણ શબ્દો: ટોપલેસ, બ્રેઈનલેસ અને શેમલેસ
કોંગ્રેસની આકરી ટીકા કરતા ભાજપના પ્રવક્તાએ ત્રણ શબ્દોનો ઉપયોગ કર્યો – ‘ટોપલેસ, બ્રેઈનલેસ અને શેમલેસ’. તેમણે રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે, તેઓ હંમેશા દેશની સિદ્ધિઓ પર સવાલ ઉઠાવતા આવ્યા છે, પછી તે એર સ્ટ્રાઈક હોય કે વૈશ્વિક સમિટ. તેમણે યુવા પેઢીને અપીલ કરી કે તેઓ ઈતિહાસ તપાસે કે કેવી રીતે અગાઉના નેતાઓ ભારતને પછાત બતાવતા હતા અને આજે રાહુલ ગાંધી પણ તે જ રસ્તે ચાલી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારત મંડપમમાં પીએમ મોદી, ગૂગલ અને OpenAI જેવી દિગ્ગજ હસ્તીઓની હાજરીમાં AI સમિટ ચાલી રહી હતી. તે સમયે ઇન્ડિયન યુથ કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં શર્ટલેસ થઈને પ્રદર્શન કર્યું હતું. પોલીસે આ મામલે 4 થી 10 લોકોની અટકાયત કરી છે. ભાજપ આ ઘટનાને ‘વૈશ્વિક ગદ્દારી’ તરીકે જોઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી રાહુલ ગાંધીના ઘરે પ્લાનિંગ થયાના આરોપ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

