ટ્રમ્પના ટેરિફ પ્લાન પર સુપ્રીમ કોર્ટની ‘બ્રેક’: ભારતને સીધો ફાયદો, આયાત શુલ્કમાં મોટો ઘટાડો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે વિશ્વના દેશો પર લાદવામાં આવેલા મનસ્વી ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા છે. આ ચુકાદા બાદ, ભારત માટે અમેરિકામાં નિકાસ કરવાનું હવે સસ્તું બનશે, કારણ કે ટેરિફનો દર 18% થી ઘટીને સીધો 10% પર આવી ગયો છે.
સુપ્રીમ કોર્ટનો કડક વલણ અને ટ્રમ્પનો નવો આદેશ
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા વ્યાપક ટેરિફની આકરી ટીકા કરી હતી. કોર્ટે આ નીતિને ‘મનસ્વી’ ગણાવી રદ કરી દીધી છે. આ કાયદાકીય આંચકા બાદ, ટ્રમ્પ પ્રશાસને નવો વચગાળાનો રસ્તો અપનાવ્યો છે. હવે તમામ આયાતી ચીજવસ્તુઓ પર એકસમાન 10 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નવો આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.
ભારત માટે કેમ છે આ મોટી રાહત?
અગાઉ, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર હેઠળ ભારતીય ઉત્પાદનો પર 18 ટકા જેટલો ઊંચો ટેરિફ લાદવાની વાત ચાલી રહી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ વ્હાઇટ હાઉસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે:
- જે દેશોએ અગાઉ ઊંચા ટેરિફ પર સંમતિ આપી હતી, તેમને પણ હવે માત્ર 10% શુલ્ક જ ચૂકવવો પડશે.
- ભારતીય નિકાસકારો માટે આ 8% નો ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
“ભારત સાથેના સંબંધો શાનદાર”: ડોનાલ્ડ ટ્રમ્પ
ચુકાદા બાદ મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સાથેના વેપાર કરાર પર આની કોઈ નકારાત્મક અસર પડશે નહીં. તેમણે કહ્યું, “ભારત સાથે મારા સંબંધો ખૂબ જ મજબૂત છે. વેપાર કરાર ચાલુ રહેશે, માત્ર ટેરિફના દરમાં ફેરફાર થયો છે. ભારત હજુ પણ શુલ્ક ચૂકવશે, અને અમે કરાર મુજબ આગળ વધીશું.”

