સુજલામ સુફલામ જળ અભિયાનથી આઠ વર્ષમાં ૧ લાખ ૨૨ હજારથી વધુ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં ૧ લાખ ૩૯ હજાર લાખ ઘન ફૂટ વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. ૩૧ મે ૨૦૨૬ સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ ૧૦ તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે.
આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના ૬ જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.
આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વરસાદી પાણીનો સંગ્રહ, ગુજરાતનો ઉત્સવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીથી કરાવી હતી. આ તળાવ ઊંડુ થવાથી તેની કુલ સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં ૨.૦૧ લાખ ઘન ફૂટ થશે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮થી દર વર્ષે આ મહત્વપૂર્ણ અભિયાન એક ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાય છે. ૨૦૧૮ થી ૨૦૨૫ના ૮ વર્ષ દરમિયાન જે ૧,૨૨,૨૯૯ કામો હાથ ધરવામાં આવેલા છે તેમાં તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના ૩૯,૫૪૨, ચેકડેમ ડીસીલ્ટિંગના ૨૬,૫૪૪ તથા ૮૨,૨૪૦ કિલોમીટર લંબાઇમાં નહેરોની અને કાંસની સાફ-સફાઈના કામો થયા છે.
આ બધા કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૧,૩૯,૯૫૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને ૨૧૦ લાખ માનવદિન રોજગારી ઉભી થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૬ના વર્ષ માટે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી ૨.Oની શરૂઆત ગાંધીનગરના ભાટ ગામથી કરાવી તે અવસરે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી ઈશ્વરસિહ પટેલ, સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર અને રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, જળ સંપત્તિ સચિવ પી.સી. વ્યાસ, અધિક સચિવ એમ.ડી. પટેલ અને ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનર વાઘેલા વરિષ્ઠ અધિકારીઓ તથા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.

