વાનખેડેમાં 30 હજાર ફેન્સને શાંત કરવા આવેલા હેરી બ્રૂક પોતાની જ ભૂલથી બન્યા ઇંગ્લેન્ડ માટે વિલન
ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂક અત્યારે ચર્ચામાં છે. મેચ પહેલા મોટા નિવેદનો આપનાર બ્રૂક માટે નસીબે એવી પલટી મારી કે જે ચાહકોને તે શાંત કરવા માંગતા હતા, તેમણે જ અંતમાં વિજયનો ઉત્સવ મનાવ્યો. ભારત સામે 7 રનથી હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટૂર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ગઈ છે.
વાનખેડેમાં ગુંજ્યો ભારતનો નાદ, બ્રૂકનો પ્લાન થયો ફેલ
ટી-20 વર્લ્ડ કપની આ હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 254 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે લડત તો આપી પરંતુ તેઓ 20 ઓવરમાં 7 વિકેટે 246 રન જ બનાવી શક્યા. મેચની રોમાંચક ક્ષણોમાં જસપ્રીત બુમરાહે પોતાની ધારદાર બોલિંગથી ભારતને જીત અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ટોસ સમયે હેરી બ્રૂકે ઘમંડ સાથે કહ્યું હતું કે, “આજે મેદાનમાં ભારતીય ટીમને જબરદસ્ત સમર્થન મળવાનું છે, પરંતુ અમે તે 30 હજાર ચાહકોને શાંત પાડી દઈશું.” જોકે, પરિણામ તેનાથી તદ્દન વિપરીત આવ્યું.
સંજુ સેમસનનો કેચ છોડવો પડ્યો ભારે
મેચ બાદ નિરાશ થયેલા બ્રૂકે સ્વીકાર્યું કે તેમની એક ભૂલ આખી ટીમ પર ભારે પડી. ભારતીય ઇનિંગની ત્રીજી ઓવરમાં જોફ્રા આર્ચરે સંજુ સેમસનને આઉટ કરવાની તક ઊભી કરી હતી. મિડ-ઓન પર ઊભેલા કેપ્ટન હેરી બ્રૂકે સેમસનનો એક સરળ કેચ છોડી દીધો હતો. તે સમયે સેમસન માત્ર 15 રન પર રમી રહ્યો હતો.
આ જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવતા સંજુ સેમસને માત્ર 42 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 89 રનની તોફાની ઇનિંગ રમી નાખી. આ ઇનિંગે જ ભારતને પહાડ જેવડો સ્કોર બનાવવામાં મદદ કરી અને અંતે સેમસનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો.
“કેચ વિન્સ મેચ” – હાર બાદ બ્રૂકનું કબૂલાત
મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશનમાં હેરી બ્રૂકે પોતાની ભૂલનો એકરાર કરતા કહ્યું, “મેં સેમસનનો કેચ છોડ્યો તે જ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. કહેવાય છે ને કે ‘કેચ પકડો અને મેચ જીતો’, કમનસીબે આજે ફિલ્ડિંગમાં અમે નબળા સાબિત થયા. પિચ પર સ્પિન મળશે તેવી આશા હતી પરંતુ એવું ન થયું. અમે પૂરો પ્રયાસ કર્યો પણ અંતે અમારે હારનો સામનો કરવો પડ્યો.”

