ઈરાન-અમેરિકા યુદ્ધ: ટ્રમ્પનો ‘શાંતિ’નો દાવો અને નેતન્યાહૂના ‘હુમલા’; ઈરાને વાટાઘાટોને ગણાવી ‘અફવા’
મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ અત્યારે એવા તબક્કે પહોંચ્યું છે જ્યાં બંદૂકોની સાથે નિવેદનોની લડાઈ પણ તેજ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે સોમવારે વહેલી સવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીત બાદ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે, ભલે ટ્રમ્પ સમાધાનની આશા રાખતા હોય, પરંતુ ઈઝરાયેલ પોતાના સુરક્ષા હિતો સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.
નેતન્યાહૂનું કડક વલણ: હુમલાઓ જારી રહેશે
નેતન્યાહૂએ સોમવારે સાંજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુએસ સૈન્ય સાથેના સહયોગથી અમને મોટી સફળતા મળી છે, પરંતુ એનો અર્થ એ નથી કે લડાઈ પૂરી થઈ ગઈ છે.” તેમણે ઉમેર્યું કે ઈઝરાયેલના સંરક્ષણ દળો (IDF) ઈરાન અને લેબનોન પર સતત હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલનો મુખ્ય લક્ષ્યાંક ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં વધુ બે ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા હોવાનો દાવો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે, જેનાથી હિઝબુલ્લાહ અને ઈરાન બંને બેકફૂટ પર હોવાનું જણાય છે.
ટ્રમ્પની ‘ટ્રુથ સોશિયલ’ પોસ્ટ અને ૫ દિવસની મુદત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે છેલ્લા ૪૮ કલાકમાં ઈરાન સાથે અત્યંત ‘સારી અને ઉત્પાદક’ વાટાઘાટો થઈ છે. સોમવારે બજાર ખુલતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે જ્યાં સુધી વાતચીતનો માર્ગ ખુલ્લો છે, ત્યાં સુધી આગામી ૫ દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખા પર હુમલા કરવામાં આવશે નહીં. જોકે, તેમણે આડકતરી ધમકી પણ આપી છે કે જો ઈરાન ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) ને આંતરરાષ્ટ્રીય જહાજો માટે નહીં ખોલે, તો અમેરિકા આ તમામ સુવિધાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેશે.
ઈરાનનો વળતો પ્રહાર: “અમેરિકા અફવા ફેલાવે છે”
ટ્રમ્પના તમામ દાવાઓને ઈરાને પાયાવિહોણા ગણાવ્યા છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ રહી નથી. આ બધું જ ઓઇલ માર્કેટ અને શેરબજારને પ્રભાવિત કરવા માટે ફેલાવવામાં આવતા ખોટા સમાચાર છે.” ગાલિબાફે વધુમાં આરોપ લગાવ્યો કે અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે જે સૈન્ય અને આર્થિક મુશ્કેલીમાં ફસાયા છે, તેમાંથી ધ્યાન હટાવવા માટે આવી શાંતિની વાતો કરી રહ્યા છે.
યુદ્ધના મેદાનની વર્તમાન સ્થિતિ
૨૪ માર્ચના અહેવાલ મુજબ, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયેલના હવાઈ હુમલાઓ ચાલુ છે. ઈરાનના ઉર્જા ક્ષેત્રો પર હાલ પૂરતા હુમલા અટક્યા હોવાના અહેવાલ છે, પરંતુ નેતન્યાહૂના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ક્ષણે આ સ્થિતિ બદલાઈ શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન એક મધ્યમ માર્ગ સ્વીકારે, જ્યારે ઈરાન કોઈ પણ પ્રકારની શરતી શરણાગતિ માટે તૈયાર હોય તેવું જણાતું નથી.
મધ્ય પૂર્વમાં શાંતિ હજુ પણ દૂરની કોડી લાગે છે. ટ્રમ્પની ડિપ્લોમેસી, નેતન્યાહૂની સૈન્ય આક્રમકતા અને ઈરાનનો સખત ઈનકાર – આ ત્રિપાંખિયા જંગમાં ૨૦૨૬નું આ વર્ષ વિશ્વના ઉર્જા બજાર અને રાજકારણ માટે નિર્ણાયક સાબિત થશે. શું ટ્રમ્પ ખરેખર કોઈ સમજૂતી કરી શકશે કે પછી આ માત્ર યુદ્ધના મેદાનમાં સમય જીતવાની ચાલ છે, તે આવનારા ૫ દિવસોમાં સ્પષ્ટ થશે.

