ઉનાળાની આકરી ગરમીને કહો બાય-બાય! ટ્રાય કરો રૂહ અફઝાની આ ઇન્સ્ટન્ટ પોપ્સિકલ અને પુડિંગ રેસીપી
ગરમીના પ્રકોપથી બચવા માટે ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. પ્રખ્યાત શેફ રણવીર બરારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર રૂહ અફઝાનો ઉપયોગ કરીને બે અદભૂત રેસીપી શેર કરી છે: રૂહ અફઝા પોપ્સિકલ (ચુસકી) અને રૂહ અફઝા પુડિંગ.
જરૂરી સામગ્રી
સૌ પ્રથમ, આપણે બેઝ તરીકે ‘રૂહ અફઝા કસ્ટર્ડ’ તૈયાર કરવાનું રહેશે, જે બંને વાનગીઓમાં કામ લાગશે.
રૂહ અફઝા કસ્ટર્ડ માટે:
- દૂધ: 1 લિટર
- કોર્નસ્ટાર્ચ: 2.5 મોટી ચમચી
- રૂહ અફઝા સીરપ: ¾ થી 1 કપ
- પાણી: ½ કપ
પોપ્સિકલ્સ (ચુસકી) માટે:
તૈયાર કરેલું રૂહ અફઝા કસ્ટર્ડ: ½ લિટર
- ફ્રીઝ કરેલા કેળા: 2
- તુલસીના બીજ (સબજા): 1 મોટી ચમચી (પલાળેલા)
- રૂહ અફઝા સીરપ: 1.5 મોટી ચમચી
પુડિંગ માટે:
- બ્રેડ સ્લાઈસ: 4-5 (કિનારી કાપેલી)
- રૂહ અફઝા સીરપ: ½ કપ
- તૈયાર કરેલું રૂહ અફઝા કસ્ટર્ડ: ½ લિટર
બનાવવાની રીત
1. રૂહ અફઝા કસ્ટર્ડ કેવી રીતે બનાવશો?
સૌ પ્રથમ એક મોટા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે ત્યાં સુધીમાં એક વાટકીમાં કોર્નસ્ટાર્ચ, પાણી અને રૂહ અફઝા સીરપ મેળવીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. જ્યારે દૂધ ઉકળવા લાગે, ત્યારે આ મિશ્રણને દૂધમાં ધીમે-ધીમે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. આ કસ્ટર્ડને બે ભાગમાં વહેંચી દો.
2. રિફ્રેશિંગ રૂહ અફઝા પોપ્સિકલ્સ
એક બાઉલમાં થીજેલા કેળા લો અને તેને બરાબર બ્લેન્ડ કરી લો. હવે તેમાં અગાઉ તૈયાર કરેલું અડધું કસ્ટર્ડ, સબજાના બીજ અને થોડું રૂહ અફઝા સીરપ ઉમેરીને મિક્સ કરો. હવે પોપ્સિકલ મોલ્ડ (કુલ્ફીના બીબા) લો, તેમાં નીચે થોડું સીરપ લગાવો અને તૈયાર મિશ્રણ ભરી દો. તેને 5-6 કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો. પીરસતી વખતે ઉપરથી સ્ટ્રોબેરી અને ફુદીનાથી ગાર્નિશ કરો.
View this post on Instagram
3. સોફ્ટ રૂહ અફઝા પુડિંગ
પુડિંગ બનાવવા માટે, બાકી વધેલા અડધા કસ્ટર્ડમાં બ્રેડની સ્લાઈસ અને થોડું રૂહ અફઝા સીરપ ઉમેરીને બ્લેન્ડરની મદદથી એકરસ કરી લો. હવે એક સ્ટીમર અથવા સિરામિક મોલ્ડ લો, તેના તળિયે થોડું સીરપ લગાવો અને તેની ઉપર આ મિશ્રણ રેડો. આ મિશ્રણને ધીમી આંચ પર 15-20 મિનિટ માટે સ્ટીમ (વરાળથી બાફવું) કરો. ઠંડુ થયા પછી તેને 5-6 કલાક ફ્રીજમાં રાખો.
ગાર્નિશિંગ અને સર્વિંગ
તમારી મજેદાર રૂહ અફઝા પુડિંગ અને પોપ્સિકલ્સ તૈયાર છે! તેને મોલ્ડમાંથી બહાર કાઢી, ઉપરથી તાજા ફુદીનાના પાન, ગુલાબની પાંખડીઓ અને સ્ટ્રોબેરીના ટુકડાથી સજાવો. આ ડેઝર્ટ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ સ્વાદમાં પણ અદ્ભુત છે જે આકરી ગરમીમાં તમને આરામ આપશે.
