અમેરિકા-ઈરાન યુદ્ધ: શાંતિની આશા પર ફિરે વળ્યું પાણી, ઈરાને અમેરિકાની શરતો ફગાવી—શું હવે જંગ ક્યારેય નહીં અટકે?
પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે શાંતિ સ્થાપવાના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો અત્યારે નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ‘સીઝફાયર’ (યુદ્ધવિરામ) માટે થઈ રહેલી વાટાઘાટોમાં મોટો અવરોધ આવ્યો છે. ઈરાને અમેરિકા સાથે વાતચીત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે, જેના કારણે પાકિસ્તાન સહિતના મધ્યસ્થી દેશોની મહેનત પાણીમાં ગઈ છે.
મધ્યસ્થીઓના પ્રયાસોને મોટો ફટકો
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે પ્રાદેશિક સ્તરે અનેક પ્રયાસો થઈ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઈરાને આગામી દિવસોમાં યોજાનારી પ્રસ્તાવિત બેઠકમાં ભાગ લેવાની મનાઈ કરી દીધી છે. ઈરાને મધ્યસ્થીઓને સાફ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ ઈસ્લામાબાદમાં અમેરિકી અધિકારીઓને મળવા માંગતા નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા દ્વારા રાખવામાં આવેલી શરતો ગેરવાજબી છે અને તેને સ્વીકારી શકાય તેમ નથી.
પાકિસ્તાનની ભૂમિકા અને નિષ્ફળતા
પાકિસ્તાને આ સંઘર્ષમાં મધ્યસ્થી બનવા માટે ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે નિવેદન આપ્યું હતું કે જો તેમનો દેશ બે દુશ્મન દેશો વચ્ચે સાર્થક વાર્તાની યજમાની કરે તો તે તેમના માટે સન્માનની વાત હશે. ઈસ્લામાબાદે બંને પક્ષોને ટેબલ પર લાવવા માટે તમામ સુવિધાઓ આપવાની તૈયારી કરી હતી, પરંતુ ઈરાનના કડક વલણે પાકિસ્તાનના આ રાજદ્વારી મિશન પર બ્રેક લગાવી દીધી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે આ પ્રક્રિયામાં સામેલ નથી.
અમેરિકાનો દાવો અને ઈરાનનો પલટવાર
એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે વાતચીતમાં સારી પ્રગતિ થઈ રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે આ વાર્તામાં અત્યંત સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ.” જોકે, ઈરાનના પ્રવક્તા એસ્માઈલ બાઘઈએ આ દાવાને નકારી કાઢ્યો છે.
બાઘઈએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત થઈ જ નથી. તેમણે ઉમેર્યું કે, “અમેરિકા બીજા લોકોના માધ્યમથી તેની અવાસ્તવિક અને ખોટી માંગણીઓ મોકલી રહ્યું છે. પાકિસ્તાન પોતાની રીતે પ્રયાસ કરી રહ્યું હશે, પણ અમે તેમાં સહમત નથી.” ઈરાનના મતે યુદ્ધ રોકવું એ સારી વાત છે, પરંતુ દુનિયાએ એ યાદ રાખવું જોઈએ કે આ યુદ્ધની શરૂઆત કોણે કરી હતી.
15 મુદ્દાનો પ્રસ્તાવ અને ઈરાનનો વિરોધ
મળતી માહિતી મુજબ, અમેરિકાએ ઈરાન સામે 15 મુદ્દાઓનો એક પ્રસ્તાવ મૂક્યો હતો. ઈરાને આ પ્રસ્તાવને ‘અવાસ્તવિક અને નકામો’ ગણાવીને કચરાપેટીમાં નાખી દીધો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા પાયાવિહોણી શરતો લાદીને ઈરાનને દબાવવા માંગે છે, જે ક્યારેય શક્ય બનશે નહીં.
શું જંગ વધુ ભયાનક બનશે?
વાતચીતના રસ્તાઓ બંધ થતા હવે એવી ભીતિ સેવાઈ રહી છે કે આ સંઘર્ષ લાંબો ખેંચાશે. જ્યારે રાજદ્વારી દરવાજા બંધ થાય છે, ત્યારે રણમેદાનમાં હથિયારોનો અવાજ તેજ થઈ જાય છે. અમેરિકા અને ઈરાન બંને પોતપોતાની જીદ પર અડેલા છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને ખાડી દેશોની સુરક્ષા પર પડી રહી છે.

