પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: એકતરફ પાકિસ્તાનમાં વાતચીત, બીજી તરફ અમેરિકાનો લશ્કરી જમાવડો
પશ્ચિમ એશિયામાં હાલ સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. એક તરફ ઈરાન સાથેની મંત્રણા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાન પહોંચી ગયા છે, તો બીજી તરફ અમેરિકા આ વિસ્તારમાં પોતાનું સૈન્ય બળ સતત વધારી રહ્યું છે. હાલમાં જ અમેરિકાએ વધુ ફાઈટર જેટ્સ અને આશરે 2,000 સૈનિકો આ પ્રદેશમાં મોકલવાની તૈયારી કરી લીધી છે.
પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા સામ-સામે
ઈસ્લામાબાદમાં શનિવારે ભારત અને ઈરાન વચ્ચેની મહત્વની બેઠક યોજાય તેવી શક્યતા છે. આ મંત્રણા માટે ઈરાનનું 71 સભ્યોનું પ્રતિનિધિમંડળ મોહમ્મદ બાઘેર ગાલિબાફની આગેવાનીમાં પાકિસ્તાન પહોંચ્યું છે. બીજી તરફ, અમેરિકાનું પ્રતિનિધિત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે, જેમની સાથે જેરેડ કુશ્નર જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ છે.
ઉપડાષ્ટ્રપતિ વેન્સે રવાના થતા પહેલા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમે મંત્રણા માટે તૈયાર છીએ, પરંતુ જો ઈરાને અમારી સાથે રમત રમવાનો પ્રયાસ કર્યો અથવા વિશ્વાસઘાત કર્યો, તો અમે તેને સહન કરીશું નહીં.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ વેન્સને આ મિશન માટે શુભેચ્છા પાઠવી છે.
યુદ્ધવિરામ પર જોખમ અને ચીનની ભૂમિકા
જોકે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ છે, પણ તે ખૂબ જ નબળો સાબિત થઈ રહ્યો છે. ઇઝરાયેલના લેબનોન પરના હુમલાઓને કારણે સ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે ચીન ઈરાનને ખભા પર રાખીને ચલાવી શકાય તેવી એન્ટિ-એરક્રાફ્ટ મિસાઇલો (MANPADS) પૂરી પાડી રહ્યું છે.
તાજેતરમાં ઈરાન ઉપર અમેરિકાનું એક ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં આવી જ કોઈ મિસાઈલનો ઉપયોગ થયો હોવાની શંકા છે. જોકે, ચીને આ વાતનો ઈનકાર કર્યો છે અને પોતાને માત્ર એક શાંતિ મધ્યસ્થી તરીકે ગણાવ્યું છે.
સમુદ્રથી આકાશ સુધી અમેરિકાની ઘેરાબંધી
અત્યારે પશ્ચિમ એશિયામાં અમેરિકાના 50,000 થી વધુ સૈનિકો તૈનાત છે, જે સામાન્ય કરતાં ઘણી મોટી સંખ્યા છે. આર્મીની 82મી એરબોર્ન ડિવિઝનના વધુ 2,000 જવાનો ત્યાં જઈ રહ્યા છે. આ ઉપરાંત:
- આધુનિક ફાઈટર જેટ્સ: F-35, F-22 અને F-15 જેવા શક્તિશાળી વિમાનો અને B-2 બોમ્બર્સ ત્યાં તૈનાત છે.
- દરિયાઈ તાકાત: યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ જેવા વિશાળ એરક્રાફ્ટ કેરિયર્સ સમુદ્રી માર્ગો પર દેખરેખ રાખી રહ્યા છે.
હવે આખી દુનિયાની નજર ઇસ્લામાબાદમાં થનારી આ બેઠક પર છે. શું વાતચીત દ્વારા શાંતિ સ્થપાશે કે પછી આ લશ્કરી જમાવડો કોઈ મોટા યુદ્ધની તૈયારી છે, તે આગામી સમય જ બતાવશે.

