સેમસનનો ‘ધોની અવતાર’: શુભમન ગિલને પલક ઝપકતા જ સ્ટમ્પ આઉટ કરી મેચ પલટી

4 Min Read

ગિલ ફરી ધોની સ્ટાઈલનો શિકાર: સંજુ સેમસને વિકેટ પાછળ બતાવ્યો માહી જેવો જાદુ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માત્ર 158 રનના સામાન્ય સ્કોરનો બચાવ કરી રહી હતી, ત્યારે વિકેટ પાછળ સંજુ સેમસને કંઈક એવું કર્યું જેણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો ફેન્સને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી દીધી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તે જોતા ચેન્નાઈના હાથમાંથી મેચ સરકી રહી હોય તેવું લાગતું હતું. પરંતુ સાતમી ઓવરમાં સંજુ સેમસને વીજળીક ઝડપે ગિલને સ્ટમ્પ આઉટ કરીને મેચનું પાસું પલટી નાખ્યું. આ આઉટ કરવાની રીત એટલી ચોકસાઈભરી હતી કે ત્રીજા અમ્પાયરને પણ નિર્ણય લેતા વાર ન લાગી.

મેચની શરૂઆતની વાત કરીએ તો, ચેન્નાઈ માટે આ સફર ઘણી મુશ્કેલ રહી હતી. ગુજરાતના બોલરોએ CSK ને શરૂઆતથી જ દબાણમાં રાખ્યું હતું. એક સમયે તો ટીમનો સ્કોર 10 ઓવરમાં માંડ 43 રન હતો અને 4 વિકેટ પડી ગઈ હતી. જોકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની 74 રનની લડાયક ઇનિંગને કારણે ચેન્નાઈ 158 રન સુધી પહોંચી શક્યું. 159 રનનો ટાર્ગેટ ગુજરાત માટે બહુ મોટો નહોતો અને શુભમન ગિલે પાવરપ્લેમાં ધમાકેદાર શરૂઆત કરીને સ્કોર 55 રન સુધી પહોંચાડી દીધો હતો. ચેન્નાઈને આ સમયે એક એવી સફળતાની જરૂર હતી જે ગુજરાતની રફ્તાર રોકી શકે અને સેમસને એ કરી બતાવ્યું.

samson gill 2604 sd

- Advertisement -

સંજુ સેમસને વિકેટ પાછળ બતાવી માહી જેવી ચપળતા

સાતમી ઓવરમાં સ્પિનર નૂર અહમદે લેગ સાઈડ પર એક બોલ નાખ્યો, ગિલ તેને ફ્લિક કરવા ગયો પણ ચૂકી ગયો. બસ, આ એક સેકન્ડનો પણ ચોથો ભાગ હશે અને સંજુ સેમસને જરાય ભૂલ કર્યા વગર બોલ પકડ્યો અને ગિલનું બેલેન્સ બગડે તે પહેલા જ સ્ટમ્પ વેરવિખેર કરી દીધા. સેમસને કોઈ મોટી અપીલ પણ ન કરી, કારણ કે તેને ખબર હતી કે તેણે પોતાનું કામ પૂરું કરી દીધું છે. રિપ્લેમાં જોવા મળ્યું કે જ્યારે બેલ્સ હવામાં ઉછળી ત્યારે ગિલનો પાછળનો પગ હવામાં હતો. ગિલ 33 રન બનાવીને પેવેલિયન ભેગો થયો અને CSK એ મેચમાં વાપસી કરી.

- Advertisement -

સંજુના આ સ્ટમ્પિંગમાં ધોનીની ખાસ ઝલક જોવા મળી હતી. સામાન્ય રીતે કીપર બોલ પકડીને હાથ પાછળ ખેંચી પછી સ્ટમ્પ પર મારતા હોય છે, પણ સંજુએ ધોની સ્ટાઈલમાં હાથને આગળ જ રાખ્યા હતા. જેવો બોલ હાથમાં આવ્યો, એ જ ગતિમાં સ્ટમ્પ ઉડાવી દીધા. આને જ ક્રિકેટની ભાષામાં ‘ઈકોનોમી ઓફ મૂવમેન્ટ’ કહેવાય છે, જેમાં સમયનો બિલકુલ બગાડ થતો નથી. ગિલ માટે આ કડવો અનુભવ નવો નહોતો, કારણ કે 2023ના ફાઈનલમાં પણ ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર તેને આ જ રીતે આઉટ કર્યો હતો.

કમેન્ટ્રી દરમિયાન એક ખાસ વાત સામે આવી કે સંજુ સેમસને આ સીઝન શરૂ થતા પહેલા ધોની સાથે વિકેટકીપિંગની ટેકનિક વિશે લાંબી ચર્ચા કરી હતી. ધોનીએ તેને સલાહ આપી હતી કે બોલ પકડવા માટે હાથને પહેલેથી જ ‘ડેન્જર ઝોન’ એટલે કે સ્ટમ્પની નજીક તૈયાર રાખવા. ગિલ સામેના આ વિકેટમાં એ સલાહ સ્પષ્ટપણે કામ કરતી દેખાઈ. નૂર અહમદનો એ બોલ કોઈ ખાસ વિકેટ ટેકિંગ બોલ નહોતો, પણ સેમસનની ચપળતાએ તેને મેચ વિનિંગ વિકેટમાં ફેરવી નાખી.

- Advertisement -

CSK જેવી ટીમ માટે આવા પળો કિંમતી હોય છે. જ્યારે તમારી પાસે બોર્ડ પર રન ઓછા હોય, ત્યારે ફિલ્ડિંગ અને કીપિંગમાં જાદુ બતાવવો પડે છે. સંજુ સેમસને એ જ જાદુ બતાવ્યો. ચેપોકના મેદાન પર ફેન્સને એવું લાગ્યું કે જાણે મેદાન પર જૂના મહેન્દ્ર સિંહ ધોની નવા ગ્લવ્સ પહેરીને ઉભા છે. આ એક વિકેટે ગુજરાતના આત્મવિશ્વાસને હચમચાવી દીધો અને સાબિત કર્યું કે ભલે ધોની મેદાન પર એક્ટિવ ન હોય, પણ તેની શીખવાડેલી કળા આજે પણ મેચો જીતાડી રહી છે.

TAGGED:
Share This Article