સોનું ખરીદતી વખતે છેતરાતા બચો! આ 6 અંકનો જાદુઈ કોડ ખોલી દેશે સોનીની બધી જ પોલ
સોનું ખરીદવું એ કોઈપણ ભારતીય પરિવાર માટે માત્ર ફેશન કે શણગાર નથી, પણ જીવનભરની કમાણીનું એક સુરક્ષિત રોકાણ છે. વર્ષો સુધી ટીપે-ટીપે સરોવર ભરીને જ્યારે આપણે કોઈ દાગીના ખરીદીએ છીએ, ત્યારે મનમાં એક જ ફાળ પડે છે—”આ સોનું અસલી તો છે ને?”
એક જમાનો હતો જ્યારે સોનીની જીભ એ જ વિશ્વાસનું સરનામું હતું. સમય બદલાયો અને સરકારે ગ્રાહકોના હિતમાં ‘હોલમાર્કિંગ’નો કાયદો લાવ્યો. આપણને લાગ્યું કે હવે છેતરાવાનો ભય નથી, પણ શાતિર ઠગોએ હવે આ સુરક્ષા કવચમાં પણ ગાબડું પાડી દીધું છે. અત્યારે બજારમાં નકલી હોલમાર્કવાળા દાગીના વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ચાલો જાણીએ કે સોનું ખરીદતી વખતે તમે તમારી મહેનતની કમાણીને ડૂબતી કેવી રીતે બચાવી શકો છો.
નકલી હોલમાર્કનો માયાવી ખેલ
આજના ડિજિટલ યુગમાં છેતરપિંડી કરનારાઓ ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં જરાય પાછળ નથી. અત્યારે ઘણા અનધિકૃત ડીલરો લેઝર પ્રિન્ટિંગ મશીનનો ઉપયોગ કરીને દાગીના પર એવી મહોર (Stamps) લગાવી દે છે, જે દેખાવમાં આબેહૂબ અસલી હોલમાર્ક જેવી જ લાગે છે.
સામાન્ય ગ્રાહક માટે ઉઘાડી આંખે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો લગભગ અશક્ય છે. આ ઠગીની ખબર ત્યારે પડે છે જ્યારે વર્ષો પછી તમે એ દાગીના વેચવા કે બદલાવવા જાવ છો. જે સોનું તમે 22 કેરેટના ભાવે ખરીદ્યું હોય, તે તપાસમાં માત્ર 18 કે 14 કેરેટનું નીકળે ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે.
HUID કોડ: તમારા દાગીનાની અસલી ‘કુંડળી’
સરકારે આ છેતરપિંડી રોકવા માટે હવે HUID (Hallmark Unique Identification) નંબર ફરજિયાત કર્યો છે. આ 6 આંકડાનો આલ્ફાન્યૂમેરિક કોડ (જેમ કે- GJ1234) તમારા દાગીનાનું આધાર કાર્ડ છે. આ કોડ દ્વારા તમે ઘરે બેઠા જ સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.
તપાસવાની રીત:
-
તમારા સ્માર્ટફોનમાં ‘BIS Care App’ ડાઉનલોડ કરો.
-
એપ ખોલીને તેમાં ‘Verify HUID’ ના વિકલ્પ પર જાઓ.
-
તમારા દાગીના પર લખેલો 6 અંકનો કોડ ત્યાં દાખલ કરો.
જો સોનું અસલી હશે, તો સ્ક્રીન પર એ દાગીના ક્યારે બન્યા, કયા સેન્ટરમાં હોલમાર્ક થયા અને તેની શુદ્ધતા કેટલી છે તેની તમામ વિગતો આવી જશે. જો એપ પર ‘નો ડેટા ફાઉન્ડ’ આવે, તો સમજી લેવું કે તમને નકલી હોલમાર્ક વાળું સોનું પધરાવી દેવામાં આવ્યું છે.
ઘેરબેઠા તપાસવાની કેટલીક દેશી અને સચોટ રીતો
લેબોરેટરી જેવી તપાસ ઘરે શક્ય નથી, પણ કેટલીક પાયાની ટ્રીક્સ તમને મોટા નુકસાનથી બચાવી શકે છે:
1. ચુંબકનો પ્રયોગ (Magnet Test)
વિજ્ઞાન મુજબ, સોનું એ ‘નોન-મેગ્નેટિક’ ધાતુ છે, એટલે કે તે ચુંબક તરફ આકર્ષાતું નથી. જો તમે તમારા દાગીનાની નજીક શક્તિશાળી ચુંબક લઈ જાવ અને દાગીનો તેની સાથે ચોંટી જાય, તો સમજી લેવું કે તેમાં લોખંડ, નિકલ કે અન્ય સસ્તી ધાતુઓની મોટી માત્રામાં ભેળસેળ છે.
2. ઘનતાની પરખ (Density Test)
સોનું અન્ય ધાતુઓ કરતા ઘણું વજનદાર હોય છે. જો તમને દાગીનાના કદના પ્રમાણમાં તેનું વજન ઓછું લાગતું હોય, તો તે શંકા ઉપજાવે તેવી બાબત છે. જૂના જમાનામાં લોકો સોનાને પાણીમાં નાખીને પણ ચેક કરતા હતા, કારણ કે શુદ્ધ સોનું પાણીમાં ઝડપથી તળિયે બેસી જાય છે અને તેના દ્વારા હટાવવામાં આવેલા પાણીનું વજન એક ખાસ ગણતરી મુજબ સચોટ રહે છે.
ખરીદી કરતી વખતે આટલું જરૂર રાખજો યાદ
માત્ર વિશ્વાસના આધારે સોનું ખરીદવાનો જમાનો હવે રહ્યો નથી. જ્યારે પણ જ્વેલરી શોપ પર જાવ ત્યારે આ બાબતોનો આગ્રહ રાખો:
-
પાકું બિલ: હંમેશા GST વાળું પાકું બિલ લો, જેમાં HUID કોડ અને કેરેટની સ્પષ્ટ વિગત હોય.
-
મેગ્નિફાઇંગ ગ્લાસ: સોની પાસે લેન્સ માંગો અને દાગીના પરના નિશાન જાતે જુઓ. અસલી હોલમાર્કમાં BIS લોગો, શુદ્ધતા (જેમ કે 22K916) અને HUID કોડ સ્પષ્ટ દેખાવા જોઈએ.
-
ભાવની સરખામણી: જો કોઈ સોની બજાર ભાવ કરતા અચાનક ઘણું સસ્તું સોનું આપવાની લાલચ આપે, તો ચેતી જજો. શુદ્ધ સોનાના ભાવમાં બહુ મોટો તફાવત હોઈ શકતો નથી.

