ઈરાનમાં સત્તા સંઘર્ષ: શું રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન પોતાના જ વિદેશ મંત્રીને બરતરફ કરશે? જાણો શું છે વિવાદ
ઈરાનના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફ વચ્ચે એક ગંભીર સહમતી બની છે કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને તેમના પદ પરથી હટાવવા જોઈએ. આ વિવાદનું મુખ્ય કારણ અમેરિકા સાથે ચાલી રહેલી પરમાણુ મંત્રણા અને ઈરાનની શક્તિશાળી સેના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) નો હસ્તક્ષેપ માનવામાં આવે છે.
વિદેશ મંત્રી પર ‘બાયપાસ’ કરવાનો આરોપ
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને સ્પીકર ગાલિબાફનો આરોપ છે કે વિદેશ મંત્રી અરાઘચી છેલ્લા બે અઠવાડિયાથી રાષ્ટ્રપતિ ભવનને અંધારામાં રાખીને નિર્ણયો લઈ રહ્યા છે. તેઓ સરકારની નીતિઓને લાગુ કરવાને બદલે સીધા જ IRGC ના કમાન્ડર અહમદ વાહિદીના આદેશોનું પાલન કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોનું કહેવું છે કે અરાઘચી એક કેબિનેટ મંત્રી તરીકે વર્તવાને બદલે IRGC ના એક સહાયક તરીકે કામ કરી રહ્યા હોય તેવું લાગે છે. આ વર્તણૂકથી નારાજ થઈને પેઝેશ્કિયને પોતાના નજીકના સાથીઓને સંકેત આપ્યો છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો તેઓ અરાઘચીને મંત્રી પદેથી ફાઈર (બરતરફ) કરી દેશે.
IRGC અને સરકાર વચ્ચેની તિરાડ
ઈરાનના નેતૃત્વમાં આ વિખવાદ નવો નથી, પરંતુ હવે તે સપાટી પર આવી ગયો છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC કમાન્ડર વાહિદી વચ્ચે યુદ્ધના સંચાલન અને તેના કારણે દેશના અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરો બાબતે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા છે. ઈરાનની જનતા અત્યારે મોંઘવારી અને આર્થિક તંગીનો સામનો કરી રહી છે, અને સરકાર માને છે કે જો અમેરિકા સાથે સમજૂતી ન થાય તો દેશ આર્થિક રીતે પડી ભાંગશે.
બીજી તરફ, IRGC કટ્ટરપંથી વલણ ધરાવે છે અને તે મંત્રણામાં નમતું જોખવા તૈયાર નથી. વિદેશ મંત્રી જ્યારે ચૂંટાયેલી સરકારને બદલે સેનાના વડાના ઈશારે ચાલે, ત્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સત્તા નબળી પડે છે, જે અત્યારે પેઝેશ્કિયન માટે ચિંતાનો વિષય છે.
અમેરિકા સાથેની મંત્રણામાં અવરોધ
અમેરિકા અને ઈરાન વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામને કાયમી શાંતિ કરારમાં બદલવા માટે મંત્રણા ચાલી રહી છે, પરંતુ ઈરાનના આંતરિક ઝઘડાને કારણે આ વાતચીત અટકી પડી છે. તાજેતરમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મળેલી બેઠક દરમિયાન અમેરિકી અધિકારીઓએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ઈરાનનું પ્રતિનિધિમંડળ કોઈ પણ અંતિમ નિર્ણય લેવા માટે સક્ષમ નથી અથવા તેમની પાસે પૂરતી સત્તા નથી.
અમેરિકાએ હવે એવી શરત મૂકી છે કે જો મંત્રણા આગળ વધારવી હોય તો ઈરાનના વાટાઘાટકારો પાસે IRGC તરફથી લેખિત કે સ્પષ્ટ સત્તા હોવી જોઈએ કે તેઓ કોઈ પણ કરાર પર સહી કરી શકે. ઈસ્લામાબાદમાં ગયેલા પ્રતિનિધિમંડળને IRGC ના વરિષ્ઠ અધિકારીઓએ નિર્ણયો લેતા અટકાવ્યા હતા, જેના કારણે મંત્રણા નિષ્ફળ રહી હતી.
અર્થતંત્રને બચાવવાનો પડકાર
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન માટે અત્યારે સૌથી મોટો પડકાર ઈરાનને સંપૂર્ણ આર્થિક પતન (Economic Collapse) માંથી બચાવવાનો છે. તેમણે સંસદના સ્પીકર ગાલિબાફને પણ આ મામલે મક્કમ વલણ અપનાવવા વિનંતી કરી છે. ગાલિબાફ પોતે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેઓ પણ ઈચ્છે છે કે વિદેશ મંત્રાલય સેનાના દબાણમાંથી મુક્ત થઈને દેશના હિતમાં કામ કરે.

