શું તમને પણ ઉનાળામાં વધુ ગુસ્સો આવે છે? ડોક્ટરે જણાવ્યા મગજને ‘કૂલ’ રાખવાના ૫ રામબાણ ઉપાયો
ઉનાળાની શરૂઆત થતાં જ માત્ર ધરતી તપવા નથી લાગતી, પણ માનવીનો સ્વભાવ પણ બદલાવા લાગે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે ભરબપોરે ટ્રાફિક જામમાં ફસાયા હોઈએ અથવા કોઈ નાની એવી ભૂલ કરે, ત્યારે અચાનક લોહી ઉકળી ઉઠે છે? શિયાળામાં જે વાતો આપણે હસીને ટાળી દઈએ છીએ, તે જ વાતો ઉનાળામાં ઝઘડાનું કારણ બની જાય છે.
આ કોઈ સંયોગ નથી, પણ વિજ્ઞાન છે. ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના સાયકાયટ્રી ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો. મીનાક્ષી જૈન જણાવે છે કે વધતું તાપમાન માત્ર શરીરને જ નથી થકવતું, પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સંતુલન પર પણ ઊંડી અસર કરે છે. ચાલો સમજીએ કે ઉનાળામાં કેમ આપણો પારો સાતમા આસમાને પહોંચી જાય છે અને તેનાથી બચવાના રસ્તા શું છે.
શરીર અને મગજ પર વધતું દબાણ
જ્યારે બહારનું તાપમાન વધે છે, ત્યારે આપણું શરીર પોતાનું આંતરિક તાપમાન જાળવી રાખવા માટે અતિશય મહેનત કરે છે. શરીરને ઠંડુ રાખવા માટે હૃદયના ધબકારા વધે છે અને પરસેવો વળવાની પ્રક્રિયા ઝડપી બને છે. જ્યારે શરીર આ શારીરિક પ્રક્રિયાઓમાં વ્યસ્ત અને થાકેલું હોય, ત્યારે તેની સીધી અસર મગજ પર પડે છે. આ શારીરિક તણાવ મગજમાં ‘સ્ટ્રેસ હોર્મોન્સ’ વધારે છે, જેના કારણે આપણે નાની નાની વાતોમાં ચિડાઈ જઈએ છીએ.
ડિહાઈડ્રેશન અને મૂડ સ્વિંગ્સ
પરસેવા દ્વારા શરીરમાંથી માત્ર પાણી જ નહીં, પણ જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટેશિયમ વગેરે) પણ બહાર નીકળી જાય છે. ડોક્ટરોના મતે, શરીરમાં થોડું પણ પાણી ઓછું થાય (ડિહાઈડ્રેશન) તો તેનાથી માથાનો દુખાવો, થાક અને એકાગ્રતામાં ઘટાડો થાય છે. જ્યારે મગજને પૂરતું હાઈડ્રેશન નથી મળતું, ત્યારે મૂડ સ્વિંગ્સ થવા સ્વાભાવિક છે. આવા સમયે જો તમે ભીડભાડ કે ટ્રાફિકમાં હોવ, તો તમારી સહનશક્તિ જવાબ આપી દે છે અને ગુસ્સો ફાટી નીકળે છે.
અધૂરી ઊંઘ: ગુસ્સાનું મુખ્ય કારણ
ઉનાળાની રાતો ઘણીવાર ગરમ અને અકળામણભરી હોય છે. જો ઘરમાં એસી કે કૂલરની પૂરતી વ્યવસ્થા ન હોય, તો ગરમીને કારણે વારંવાર ઊંઘ ઊડી જાય છે. જ્યારે ઊંઘ પૂરી નથી થતી, ત્યારે મગજનું ‘ઇમોશનલ રેગ્યુલેશન’ એટલે કે લાગણીઓને કાબૂમાં રાખવાની શક્તિ નબળી પડી જાય છે. ઊંઘના અભાવે મગજ થાકેલું રહે છે અને તે તણાવને સહન કરી શકતું નથી, જે અંતે ચિડિયાપણામાં પરિણમે છે.
બાળકો અને વડીલો પર ગરમીની અસર
ગરમીનો પ્રકોપ દરેક ઉંમરના લોકો પર અલગ-અલગ રીતે જોવા મળે છે:
-
બાળકો: બાળકો પોતાની અકળામણ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા, તેથી તેઓ વધુ રડવા લાગે છે અથવા જીદ કરવા લાગે છે. ગરમી તેમને વધુ આક્રમક બનાવી શકે છે.
-
વડીલો: મોટી ઉંમરના લોકોમાં ગરમી માનસિક થાક અને ઉર્જાની કમી તરીકે દેખાય છે. તેમને શારીરિક નબળાઈ અનુભવાય છે અને તેઓ વધુ પડતી શાંતિ અથવા એકલતા પસંદ કરવા લાગે છે.
ગરમીમાં મગજને શાંત રાખવાના સરળ ઉપાયો
જો તમે ઈચ્છતા હોવ કે ઉનાળો તમારી માનસિક શાંતિ ન છીનવે, તો આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો:
-
પાણી સાથે દોસ્તી કરો: દિવસભર ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો. માત્ર સાદું પાણી જ નહીં, પણ નારિયેળ પાણી, લીંબુ શરબત અથવા છાશ જેવા પીણાં લો જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જાળવી રાખે.
-
ખાનપાનમાં ફેરફાર: ઉનાળામાં ભારે, તળેલું અને મસાલેદાર ખોરાક શરીરની ગરમી વધારે છે. તેને બદલે તરબૂચ, કાકડી, સંતરા જેવા જળયુક્ત ફળો અને તાજા સલાડનો આહારમાં સમાવેશ કરો.
-
કેફીનથી દૂર રહો: વધુ પડતી ચા કે કોફી પીવાથી શરીરમાં પાણીની કમી સર્જાય છે અને તે ગભરામણ વધારી શકે છે. તેના બદલે ઠંડા અને કુદરતી પીણાં પસંદ કરો.
-
સમયનું આયોજન: બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે સખત તડકો હોય છે. બને ત્યાં સુધી આ સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો. જો નીકળવું જ પડે, તો માથું ઢાંકીને રાખો અને છાંયડાનો આશરો લો.

