અમેરિકા-ઈરાન વચ્ચે ‘ઈગો’નું યુદ્ધ: ટ્રમ્પના પ્રસ્તાવને ઈરાને ગણાવ્યું ‘લોભનું પડીકું’
મધ્ય પૂર્વમાં શાંતિની આશા પર ફરી એકવાર કાળા વાદળો છવાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ઈરાને સખત શબ્દોમાં નકારી કાઢતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઈરાનના સરકારી મીડિયાએ આ યોજનાને શાંતિ પ્રસ્તાવ નહીં, પરંતુ “ટ્રમ્પના લોભ સામે ઈરાનનું આત્મસમર્પણ” ગણાવીને અમેરિકાની આકરી ટીકા કરી છે.
“ટ્રમ્પને ખુશ કરવા દેશનું સન્માન નહીં વેચીએ”
ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર IRIB એ તેની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક લાંબી પોસ્ટ મૂકીને અમેરિકા પર પ્રહારો કર્યા છે. તેહરાનનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન જે શરતો મૂકી રહ્યું છે તે ઈરાનના અસ્તિત્વ અને તેની સાર્વભૌમત્વ પર સીધો હુમલો છે. ઈરાની મીડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “વોશિંગ્ટનની યોજના માત્ર ટ્રમ્પની વ્યક્તિગત રાજકીય મહત્વકાંક્ષાઓ અને લોભને સંતોષવા માટે બનાવવામાં આવી છે. ઈરાન કોઈ પણ કાળે અમેરિકા સામે ઘૂંટણ ટેકશે નહીં.”
ઈરાનની વળતી માગણીઓ: વળતર અને સાર્વભૌમત્વ
માત્ર પ્રસ્તાવને નકારવા પૂરતું મર્યાદિત ન રહેતા, તેહરાને પોતાની શરતોનું એક નવું લિસ્ટ અમેરિકા સામે ધર્યું છે. આ નવા પ્રસ્તાવમાં ઈરાને અત્યાર સુધીના સંઘર્ષોમાં થયેલા આર્થિક અને માળખાગત નુકસાન માટે અમેરિકા પાસેથી ભારે વળતર (Reparations) ની માગ કરી છે.
આ ઉપરાંત, ઈરાને નીચે મુજબની મહત્વની માગણીઓ પર ભાર મૂક્યો છે:
-
હોર્મુઝ સ્ટ્રેટ પર વર્ચસ્વ: ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની પર તેનું સંપૂર્ણ સાર્વભૌમત્વ રહેવું જોઈએ અને તેમાં કોઈ પણ વિદેશી દખલગીરી સહન કરવામાં આવશે નહીં.
-
સંપત્તિની વાપસી: અમેરિકા અને અન્ય દેશો દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈરાની ભંડોળ અને સંપત્તિઓને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરવામાં આવી છે.
-
પ્રતિબંધોનો અંત: તેહરાને શરત મૂકી છે કે જ્યાં સુધી તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ સકારાત્મક વાતચીત શક્ય નથી.
ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વધતી ખાઈ
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ જ કહી ચૂક્યા છે કે ઈરાનનો પ્રતિભાવ “અસ્વીકાર્ય” છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને તેના પર કડક નિયંત્રણો જરૂરી છે. જોકે, ઈરાનનું કહેવું છે કે ટ્રમ્પ માત્ર ઈઝરાયેલ અને પોતાના સાથીઓને ખુશ કરવા માટે ઈરાન પર દબાણ બનાવી રહ્યા છે.
વિશ્વ પર શું અસર થશે?
નિષ્ણાતોના મતે, જો બંને દેશો પોતાની જીદ પર અડી રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ (જ્યાંથી વિશ્વનો મોટો ભાગનો તેલનો વેપાર થાય છે) માં તણાવ વધવાથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ઈરાને તેના ‘મૂળભૂત અધિકારો’ પર ભાર મૂકીને સ્પષ્ટ કરી દીધું છે કે તે સંઘર્ષ માટે તૈયાર છે પણ શરણાગતિ માટે નહીં.
હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ આ બંને દેશોને ટેબલ પર લાવવામાં સફળ થાય છે કે પછી મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના નગારા વાગશે.

