પ્રીમિયમ સસ્તું જોઈને વીમો ખરીદતા પહેલાં સાવધાન; ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચવા ન પડે એટલે આ નિયમ સમજી લો
આજના સમયમાં કૂદકે ને ભૂસકે વધતા જતા તબીબી ખર્ચ અને મોંઘી હોસ્પિટલની સારવારને કારણે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે સ્વાસ્થ્ય વીમો દરેક પરિવાર માટે એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. તબીબી કટોકટીના સમયે આર્થિક સુરક્ષા મેળવવા માટે લોકો વીમો તો ખરીદે છે, પરંતુ મોટાભાગના ગ્રાહકો પોલિસીના કાગળો વાંચવાની તકલીફ લેતા નથી. તેઓ એજન્ટના મીઠા શબ્દો પર ભરોસો રાખીને પ્રીમિયમ ભરી દે છે અને જ્યારે હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવે ત્યારે ક્લેમ રિજેક્ટ (દાવો નકારવો) થતાં મોટો આંચકો અનુભવે છે. વાસ્તવમાં, વીમા કંપનીઓ હવે પ્રીમિયમ ઓછું દેખાડવા માટે ‘ડિડક્ટિબલ’ (કપાતપાત્ર રકમ) જેવો નવો ખેલ રમી રહી છે, જેને સમજવો અત્યંત જરૂરી છે.
બદલાતી લાઈફસ્ટાઈલ અને મેડિકલ મોંઘવારી વચ્ચે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારા લોકોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. પરંતુ તેની સાથે જ એક ચિંતાજનક ટ્રેન્ડ પણ સામે આવ્યો છે કે હોસ્પિટલોમાં વીમાના દાવા નકારવાના કે અડધા જ પાસ થવાના કિસ્સાઓ પણ તેટલી જ ઝડપે વધ્યા છે. વીમા ક્ષેત્રના નિષ્ણાતોના મતે, આ સમસ્યા પાછળ કંપનીઓની છેતરપિંડી કરતાં વધુ ગ્રાહકોની પોતાની લાપરવાહી જવાબદાર છે. મોટાભાગના લોકો પોલિસી ખરીદ્યા પછી તેના સત્તાવાર દસ્તાવેજોને કબાટમાં મૂકીને ભૂલી જાય છે અને માત્ર કટોકટીના સમયે જ તેને યાદ કરે છે. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો, તો હોસ્પિટલના ખાટલે પહોંચતા પહેલાં જ વીમા કરારની શરતો સમજી લેવી હિતાવહ છે.
પોલિસી દસ્તાવેજ: વીમા કંપની સાથેનો સત્તાવાર કરાર
હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી એ ગ્રાહક અને વીમા કંપની વચ્ચેનો એક કાનૂની અને સત્તાવાર કરાર છે. આ દસ્તાવેજમાં બહુ સ્પષ્ટ અક્ષરોમાં લખેલું હોય છે કે કઈ બીમારીઓ માટે પહેલા દિવસથી ક્લેમ મળશે, કઈ બીમારીઓ માટે ૨ થી ૪ વર્ષનો વેઇટિંગ પીરિયડ (રાહ જોવાનો સમય) રહેશે અને કઈ કઈ બાબતો વીમા કવચની બહાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, રૂમ રેન્ટની લિમિટ અને આઈસીયુ ચાર્જીસની મર્યાદા પણ તેમાં જ દર્શાવેલી હોય છે. જે ગ્રાહકો આ દસ્તાવેજ વાંચતા નથી, તેમને અણધારી મેડિકલ કટોકટી વખતે પોતાની ખિસ્સામાંથી હજારો રૂપિયા ખર્ચવા પડે છે.
‘ફ્રી-લુક પીરિયડ’: પસંદ ન પડે તો પોલિસી રદ કરવાની આઝાદી
મોટાભાગના ગ્રાહકો એ વાતથી તદ્દન અજાણ હોય છે કે વીમો ખરીદ્યા પછી પણ જો તેમને કંપનીના નિયમો ખોટા લાગે, તો તેઓ પોલિસી રદ કરાવી શકે છે. દરેક ઇન્સ્યોરન્સ કંપની ગ્રાહકને ૧ થી ૩૦ દિવસનો “ફ્રી-લુક પીરિયડ” આપે છે. આ સમયગાળો ખાસ એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે તમે ઘરે શાંતિથી બેસીને પોલિસીના તમામ નિયમો અને શરતો બારીકાઈથી વાંચી શકો. જો આ દિવસો દરમિયાન તમને કોઈ શરત અસંતોષકારક લાગે અથવા એજન્ટ દ્વારા ખોટી માહિતી આપીને પોલિસી પધરાવી દેવાઈ હોવાનો અહેસાસ થાય, તો તમે કોઈપણ દંડ વિના પોલિસી કેન્સલ કરાવીને તમારું પ્રીમિયમ પરત મેળવી શકો છો.
શું છે વીમા માર્કેટમાં ચાલી રહેલો ‘ડિડક્ટિબલ’ (કપાતપાત્ર રકમ) નો નવો ખેલ?
આજકાલ ડિજિટલ માર્કેટમાં અને એપ્સ પર ખૂબ જ સસ્તા પ્રીમિયમ વાળા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સ વેચાઈ રહ્યા છે. ગ્રાહકો ઓછું પ્રીમિયમ જોઈને આકર્ષાય છે, પણ તેની પાછળ ‘ડિડક્ટિબલ’ અથવા કપાતપાત્ર રકમનો મોટો ખેલ છુપાયેલો હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, કપાતપાત્ર રકમ એટલે એવી ચોક્કસ રકમ, જે સારવાર દરમિયાન વીમા કંપની પૈસા ચૂકવવાનું શરૂ કરે તે પહેલાં ગ્રાહકે પોતે પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની હોય છે. આ શરત સ્વીકારવાથી તમારું વાર્ષિક પ્રીમિયમ તો ઘટી જાય છે, પણ હોસ્પિટલના બિલ વખતે ખિસ્સા પર મોટો ભાર આવે છે.
આ વ્યવસ્થાને એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે જે પોલિસી લીધી છે તેમાં કપાતપાત્ર (Deductible) રકમ ₹૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે. હવે જો કોઈ બીમારીના કારણે તમે હોસ્પિટલમાં દાખલ થાઓ છો અને તમારું કુલ બિલ ₹૨,૦૦૦,૦૦૦ (બે લાખ રૂપિયા) આવે છે, તો નિયમ મુજબ પહેલા ₹૫૦,૦૦૦ તમારે જ હોસ્પિટલના કાઉન્ટર પર કેશ ચૂકવવા પડશે. ત્યારબાદ બાકી બચેલા ₹૧,૫૦,૦૦૦ ની ચુકવણી જ વીમા કંપની દ્વારા કરવામાં આવશે. જો તમારું બિલ માત્ર ₹૪૦,૦૦૦ આવશે, તો વીમા કંપની એક પણ રૂપિયો નહીં આપે કારણ કે તે રકમ કપાતપાત્ર મર્યાદા કરતાં ઓછી છે. આથી જ, જ્યારે પણ નવી પોલિસી ખરીદો ત્યારે ઝીરો અથવા ન્યૂનતમ ડિડક્ટિબલ વાળો પ્લાન જ પસંદ કરો, જેથી કટોકટીના સમયે તમારે કોઈની પાસે હાથ ફેલાવવો ન પડે.
