ક્રેડિટ કાર્ડથી ઘરનું ભાડું ભરતા પહેલાં સાવધાન! કન્વેયન્સ ફી અને વ્યાજના આંકડા સમજો
ઘરનું ભાડું એ દર મહિને થતા સૌથી મોટા અને અનિવાર્ય ખર્ચાઓમાંથી એક છે. આજકાલ વિવિધ પેમેન્ટ એપ્સ અને પ્લેટફોર્મ્સ દ્વારા ક્રેડિટ કાર્ડ વડે ભાડું ચૂકવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ શું ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવું એ ખરેખર બુદ્ધિમાની ભર્યો નિર્ણય છે કે પછી તે મોંઘી નાણાકીય ભૂલ સાબિત થઈ શકે છે?
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો પોતાના રોજિંદા વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે મોબાઇલ એપ્લિકેશનો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સ દ્વારા ક્રેડિટ કાર્ડથી સીધું ઘરનું ભાડું ચૂકવવાની સુવિધા પણ સરળતાથી ઉપલબ્ધ બની છે. આ સુવિધાથી રોકડ પ્રવાહ (Cash Flow) જાળવવામાં અને વ્યાજમુક્ત સમયગાળો (Grace Period) મેળવવામાં મદદ મળે છે. પરંતુ, શું આ વિકલ્પ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે? જવાબ છે- ના! ક્રેડિટ કાર્ડથી ભાડું ભરવું એ તમારા માટે વરદાન છે કે શાપ, તેનો આધાર તમે તમારા કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર રહેલો છે.

ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવાના મુખ્ય ફાયદા
જો તમે શિસ્તબદ્ધ રીતે નાણાકીય સંચાલન કરો છો, તો ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવું તમારા માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે:
-
કેશ ફ્લો મેનેજમેન્ટમાં રાહત: ધારો કે તમારું ઘરભાડું દર મહિનાની ૧ તારીખે આપવાનું હોય છે, પરંતુ તમારો માસિક પગાર ૫ કે ૬ તારીખે જમા થાય છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડ વડે ભાડું ભરીને તમે ઇમરજન્સી ફંડ કે મિત્રો-સગાંઓ પાસેથી પૈસા ઉધાર લીધા વગર સમયસર ભાડું ચૂકવી શકો છો.
-
વ્યાજમુક્ત ગ્રેસ પીરિયડ: ક્રેડિટ કાર્ડ તમને સામાન્ય રીતે ૪૫ થી ૫૦ દિવસનો વ્યાજમુક્ત સમયગાળો આપે છે. જો તમે ડ્યુ ડેટ (નિયત તારીખ) પહેલાં આખું બિલ ચૂકવી દો છો, તો તમારે એક પણ રૂપિયો વ્યાજ આપવો પડતો નથી.
-
રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક: કેટલીક બેંકો અને પેમેન્ટ પ્લેટફોર્મ્સ ભાડાની ચુકવણી પર હજુ પણ રિવોર્ડ પોઈન્ટ્સ અથવા કેશબેક ઓફર કરે છે, જેનો ઉપયોગ અન્ય ખરીદી કે ટ્રાવેલ બુકિંગ માટે થઈ શકે છે.

ક્યારે આ સોદો નુકસાનકારક અને મોંઘો સાબિત થાય છે?
ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવતી વખતે જો બેદરકારી રાખવામાં આવે, તો તે મોટી આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે:
-
પ્રોસેસિંગ અને કન્વેયન્સ ફી: મોટાભાગના થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડથી ભાડું મોકલવા પર ૦.૫% થી ૨% સુધીની ફી વસૂલે છે. ઉદાહરણ તરીકે, જો તમારું ભાડું ₹૨૦,૦૦૦ હોય, તો તમારે દર મહિને ₹૨૦૦ થી ₹૪૦૦ વધારાના ફી પેટે આપવા પડે છે.
-
બેંકોના કડક નિયમો: હવે ઘણી અગ્રણી બેંકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર રિવોર્ડ પોઈન્ટ્સ આપવાનું બંધ કરી દીધું છે. એટલું જ નહીં, બેંકો પોતે પણ આવા ટ્રાન્ઝેક્શન પર અલગથી સુવિધા ફી અથવા ચાર્જ વસૂલવા લાગી છે.
-
વ્યાજનો ડબલ માર (Debt Trap): જો તમે ક્રેડિટ કાર્ડનું આખું બિલ ચૂકવવાને બદલે માત્ર ‘ન્યૂનતમ બાકી રકમ’ (Minimum Due Amount) ભરો છો, તો બાકી રકમ પર ૩૬% થી ૪૨% વાર્ષિક ધોરણે ભારે વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે. પ્રોસેસિંગ ફી અને ભારે વ્યાજ મળીને તમારા ભાડાનો ખર્ચ વાસ્તવિક રકમ કરતાં ખૂબ વધી જાય છે.
નિષ્ણાતોની મહત્વની સલાહ: ક્રેડિટ કાર્ડને લોન નહીં, ચુકવણીનું સાધન ગણો
ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનું માનવું છે કે ક્રેડિટ કાર્ડ એ નાણાં ઉધાર લેવાનો કે લોન લેવાનો માર્ગ નથી, પરંતુ તે માત્ર ચુકવણીનું એક સુવિધાજનક માધ્યમ (Payment Tool) છે.
ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવતા પહેલાં હંમેશાં તમારા કાર્ડની શરતો અને બેંકના નિયમો ચકાસી લો. જો તમને મળતા રિવોર્ડ પોઈન્ટ્સ કે લાભો પ્રોસેસિંગ ફી કરતાં વધુ હોય અને તમે સમયસર સંપૂર્ણ બિલ ભરવા માટે સક્ષમ હો, તો જ આ વિકલ્પ પસંદ કરવો જોઈએ.